Comments

સરકારની આવક વધે તેમાં નાગરિકોએ કેટલા રાજી થવાનું?

‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’ – આવી એક ગુજરાતી કહેવત છે. રાજાને આવક વધે ત્યારે તે રાજી થાય, ઉત્સવ ઉજવે અને આ સમયે વિચારવાનું પ્રજાએ હોય કે આપણે આ ઉત્સવમાં જોડાઈ જવું કે રાજાને થયેલી આવક એ આપણે ગુમાવેલી મિલકત છે કે નહીં તે વિચારવું? દેશમાં અત્યારે ઉત્સવનો  માહોલ છે. તેમાંય ચૂંટણીઓ આવે છે એટલે નેતાઓ તો ઇચ્છે જ છે કે પ્રજા હવે વિચારવાનું બંધ કરે! એમાંય આર્થિક બાબતોનો ના જ વિચારે! પણ આપણે વિચારવું પડશે. ખાસ તો વિદેશી સંસ્થાઓ, દેશના ઉદ્યોગપતિઓ જયારે દેશના આર્થિક ચિત્રના ગુણગાન ગાય, રેટીંગ વધારે અને સરકારની વિવિધ એજન્સીઓ તેનો બહોળો પ્રચાર કરે ત્યારે આપણે નાગરિકોએ આપણી આર્થિક સ્થિતિ તપાસતાં રહેવી પડે!

ભારતના આર્થિક ચિત્રની વાત થાય ત્યારે ભારતમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં વ્યાપક બનેલા ખાનગી ક્ષેત્રના પગારો વિશે ઇરાદાપૂર્વક ઓછી વાત થાય છે. હમણાં જ એક વિદેશી એજન્સીએ આંકડા આવ્યા છે કે ભારતના ખાનગી ક્ષેત્રે સર્વિસ સેન્ટરમાં પગાર મહિને 15 થી 30 હજારની વચ્ચે છે. નીચા પગાર મેળવતાં રાજયોમાં ગુજરાત આગળ છે. અહીં નોકરી કરતાં યુવાનોને સરેરાશ 13000, માત્ર તેર હજાર મહિને મળે છે. એક તરફ યુવા વર્ગને મળતો પગાર ઓછો છે બીજી તરફ સરકારને થતી આવક તોતિંગ છે અને એમાંય સરકારના ખર્ચ અધધ છે!

હમણાં જ જાહેર થયેલા આંકડા મુજબ સરકારના ડીરેકટ ટેક્ષ કલેકશનમાં વર્ષ 2013-14ની તુલનાએ 173 ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે. તે વર્ષ 22-23માં ઓગણીસ લાખ બોંત્તેર હજાર કરોડને વટાવી ગયું છે. જે કુલ જી. ડી.પી.ના 6.11 ટકા થવા જાય છે. સાથે જ જાન્યુ-24માં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષનું કલેકશન એક લાખ બોંત્તેર હજાર કરોડ થયું છે. વાર્ષિક રીતે જોઈએ તો જી.એસ.ટી. પંદર લાખ કરોડ ઉઘરાવાય છે. એ તો ઠીક, નેશનલ હાઈ વે ઓથોરીટીના આંકડા તપાસીએ તો ટોલપ્લાઝા પર દર મહિને લગભગ 4314 કરોડનું કલેકશન થાય છે. એટલે વરસે દા’ડે 48 હજાર કરોડ માત્ર ટોલપ્લાજા પર સરકાર કમાય છે.

સરકાર કમાય છે એ સમાચાર છે, જેની બીજી બાજુએ છે પ્રજા ચૂકવે છે. પ્રજા સરકારને વરસે દા’ડે ત્રીસ લાખ કરોડ માત્ર આવા મોટા ટેક્ષમાં જ ચૂકવે છે. સરકારની આ તગડી કમાણી સરકાર માટે આનંદ-ઉત્સવનો વિચાર હોઇ શકે પણ પ્રજા માટે ચિંતાનો વિષય છે. કારણ અર્થશાસ્ત્રનો પાયાનો નિયમ છે કે સરકાર જે કરવેરાની આવક કમાણી કરે છે તેના કરતાં પ્રજાએ ચૂકવેલાં નાણાં વધારે જ હોય છે. જેમ સરકારી ખર્ચ માટે એવું કહેવાય છે કે સરકાર સો ખર્ચે તો પ્રજા સુધી સો પહોંચતા નથી. એવી જ રીતે કરવેરાની આવકમાં ઉલટું છે.

સરકારે જો સો મેળવ્યા હોય તો પ્રજાએ સોથી વધારે 44 ચુકવ્યા હોય. વાત સિમ્પલ છે. વેપારી સરકારને જી.એસ.ટી. ચૂકવે કે ન ચૂકવે પણ ગ્રાહક પાસેથી તો વસૂલે જ છે! સરકાર વિવિધ રીતે આવક મેળવતી હોય છે. જેમાં તે દેવું કરે તે કરતાં કરવેરાની આવક મેળવે તેને અર્થશાસ્ત્રીઓ સારું ગણે છે. કારણ કે દેવું એ બોજો છે. સરકારે લીધેલાં નાણાં પાછાં આપવાનાં હોય છે. જયારે કરવેરાની આવક સરકારને ચોખ્ખી આવક હોય છે. તે પાછી આપવાની નથી થતી. સરકાર કરવેરા દ્વારા આવક કરે અને વધારે કરે ત્યારે પ્રશ્ન એ થાય કે આ આવક વાપરશે કયાં?

જાહેર દેવું હોય કે કરવેરાની આવક મૂળ પ્રશ્ન સરકાર તે કયાં વાપરશે તેનો છે? આપણે જાણીએ છીએ કે સરકાર એક તરફ નેશનલ હાઈ વે બાંધે છે. ડીઝીટલ સિસ્ટમ ઊભી કરે છે. સાગરમાળ પ્રોજેકટ, એઇમ્સ પ્રોજેકટ દ્વારા મૂડી નિર્માણ પાછળ ખર્ચ કરે છે. અઢારમા ઓગણીસમી સદીમાં બ્રિટનમાં સંપત્તિ સર્જન દ્વારા વિકાસનો જે વિચાર રમતો થયો હતો તે મુજબ ભારતમાં અત્યારે મૂડી નિર્માણ થઇ રહ્યું છે. તે સારી વાત છે. લાંબે ગાળે તે ફળદાયી નિવડશે. પણ સાથે સાથે સરકાર નેતાઓના પ્રચાર, અટલબ્રિજ, એમ્યુઝમેન્ટ પાર્ક અને ધર્મસ્થાનોના બ્યુટીફીકેશન પાછળ ઓછો ટકાઉ ખર્ચ કરે છે. ઘણો બિનઉત્પાદક ખર્ચ થાય છે. એમાંય ચૂંટણી ટાણે સરકાર અઢળક નાણાં ખર્ચે ત્યારે ‘અમાલા ટેક્ષના રૂપિયા’ના ગાણાં ગાનારા ચૂપ હોય છે. પણ તે બાબત તો ચિંતાજનક છે!

ટૂંકમાં જો દેશના અર્થતંત્રની ચિંતા કરવાની હોય, આર્થિક બાબતો પરત્વે ગંભીર થવાનું હોય તો સરકારની અધધ કરકમાણીની ચર્ચા થવી જોઈએ! તેની અસરોનું વિશ્લેષણ થવું જોઇએ! નવી સરકારે ઉઘરાવેલા આ રૂપિયા પ્રજા પાસે જ રહ્યા હોત તો તેણે કયાં વાપર્યા હોત? એનું પણ સંસોધન સર્વે થવું જોઇએ! ભારતમાં સરકાર જયારે સમાજવાદી હતી ત્યારે પ્રજાને વિવિધ સબસીડી આપવામાં આવતી, ગેસ પેટ્રોલ, વીજળી વગેરે સસ્તા ભાવે આપવામાં આવતું હતું. બદલામાં કેટલાક વેરાના દર ઊંચા રાખવામાં આવતા હતા. સસ્તું કેરોસીન આપવા માટે પેટ્રોલ-ડીઝલ પર ક્રોસ સબસીડી વસુલવામાં આવતી.

ખાનગીકરણ પછી વીજળી, પાણી, ખાતર, શિક્ષણ બધું જ પ્રજા બજાર ભાવે ખરીદે છે. સરકારે લગભગ બધે જ સબસીડી ઘટાડી દીધી છે. તો કરવેરા ઘટવા જોઈએ. પણ તે તો વધતા જ જાય છે!આ બાબતે કોઇ પૂછતું નથી! વર્તમાનમાં દેશની રાષ્ટ્રીય આવક સતત વધતી જાય છે. પણ તેમાંથી મોટાં ઉદ્યોગગૃહોનો ફાળો અને સરકારી આવક-ખર્ચનું મૂલ્ય બાદ કરો તો પ્રજાનો ફાળો ખૂબ ઓછો રહે છે. મતલબ કે દેશમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થતું જાય છે! અને આ ગુમડું છે, જે કયારે પણ ફાટી શકે છે! દેશને સૌ પ્રથમ નાણાંકીય શિસ્તની જરૂર છે જેના વિશે કોઇ વિચારવું જ નથી!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top