Health

કાયાને કઈ રીતે જોબનવંતી રાખે છે જળ…?, જાણો દિવસમાં કેટલી વાર ને કેટલું પાણી પીવું જોઈએ?

પાણી અક્ષર બે – શબ્દ એક
પહેલી નજરે રોજિંદો ને સામાન્ય લાગતો એ શબ્દ કમાલનો છે એના ગુણધર્મને લીધે. ધરતી પરની સમગ્ર જીવસૃષ્ટિને માટે ખરા અર્થમાં અમૃત છે આ તિલસ્મી શબ્દ… નીર – જળ – અંબુ …અર્થાત પાણી માનવજીવન માટે સહજ છે. બાળક જન્મતાની સાથોસાથ જેમ આપોઆપ શ્વાસ લેતા શીખી જાય છે તેટલી જ સહજતાથી એ પોતાની તરસ અનુસાર પાણી પીતો થઈ જાય છે…. આપણે દર વર્ષે ‘વિશ્વ પાણી દિવસ’ ઉજવીએ છીએ. પાણી વિશે અઢળક પાણીદાર વાતો કરીએ છીએ અને જાણતા-અજાણતા એ પણ સ્વીકારીએ છીએ કે બહુ સહજતાથી વેડફી શકાય એવી એક માત્ર જણસ પાણી છે.

અહીં પાણી વિશે થોડી અલપઝલપ વાત કરીએ તો આ ધરા-ધરતીના 71 % વિસ્તાર પર પાણી છે. પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી 96.5 % જળ તો એકલા દરિયા-સમુદ્રમાં છે. એ જ રીતે, માનવદેહમાં પણ લગભગ 60 % પાણી છે. એમાંય માનવદેહના વિભિન્ન અંગમાં પાણીના પ્રમાણની ટકાવારી અલગ છે. ઉદાહરણ તરીકે, મગજ-હૃદયમાં 73% – ફેફસાંમાં 83% તો કિડનીમાં 79%થી ઘટીને હાડકામાં 31% પાણીનું પ્રમાણ હોય છે.

ખેર, આ તો પહેલી નજરે માનવદેહ અને પાણીની આંકડાબાજી થઈ પણ એક વાત આપણે જન્મતાની સાથે જ ગળથૂથીમાં શીખી ગયા છીએ કે પાણી વગર જીવન અસંભવ છે અને એટલે જ તીવ્ર તરસ લાગે ત્યારની આપણી શારીરિક –માનસિક અનુભૂતિ સાવ અલગ હોય છે. આવી તરસ વખતે વિશ્વના સૌથી શ્રીમંત એલન મસ્ક કે આપણા ઉદ્યોગ સાહસિક મુકેશ અંબાણીને પણ પોતાના બૅન્ક અકાઉન્ટમાં કેટલા અબજ ડોલર કે રૂપિયા જમા પડયા છે એ પણ યાદ નહીં આવે. એ વખતે એમને મન પાણીનો એક અડધો ગ્લાસ જ સર્વ સંપત્તિ છે – સર્વેસર્વા છે!

પાણી છે તો જીવન સંભવ છે એ સનાતન સત્ય માનવી સૈકાઓથી જાણે છે એટલે માનવી  બીજા ગ્રહની ફરતો ઉપગ્રહ મોકલે કે પારકા ગ્રહની ધરતી પર રોબો-યાંત્રિક વાહનનું લેન્ડિંગ કરાવે ત્યારે માનવીની પહેલી જિજ્ઞાસા એ જ હોય છે કે ત્યાં પાણી તો છે ને?! પાણી હશે તો પાછળથી અન્ય જીવસૃષ્ટિની શોધ થઈ શકશે અથવા તો ત્યાં વસ્યા પછી પ્રજોત્પત્તિ થઈ શકશે. અમેરિકા-ચીન તેમ જ ભારતના અંતરિક્ષ પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે આપણા પાડોશી ચંદ્ર ઉપરાંત મંગળ પર પણ પાણીના સ્ત્રોત છે! ખેર, અંતરિક્ષ છોડી આપણે ફરી ધરતી પર પરત આવીએ.… પ્રભુનો પાડ માનીએ કે આપણી પાસે આપણી ખુદની આવરદા સુધી ચાલે એટલા પૂરતો પાણીનો જથ્થો છે.

જીવાદોરી માટે મહત્ત્વના મૂળભૂત પાંચ તત્ત્વ: ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને જળમાંથી એક તત્ત્વ પાણી આપણું જીવનરક્ષક પણ આગવી રીતે બની શકે છે કારણ કે પાણી પીવાનું એક અલાયદું અને એ પણ એક અલગ રસપ્રદ તબીબી વિજ્ઞાન પણ છે. કુદરતે પાણીને એવા કેટલાક ગુણ આપ્યા છે, જે માનવકાયાનાં અનેક વિષ દૂર કરી એને અમૃત બનાવી શકે છે. માનવદેહમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક પ્રકારના વિષ-ઝેર પ્રવેશેલા હોય છે. આવા ‘વિષયુક્ત’ (Toxin) તત્ત્વોને દૂર કરવાની પ્રક્રિયા ‘વિષમુકત’ (Detoxification) કહે છે. આ પ્રક્રિયામાં પાણી – જળ અગત્યનો ભાગ ભજવે છે…. આમ તો પાણી દ્વારા કઈ રીતે કાયાને વિષમુકત કરી શકીએ એના વિશે આપણી પાસે પારાવાર પ્રશ્નો છે એટલે આપણે અહીં પાયાના પ્રશ્નોની શરૂઆત કરી તબક્કા વાર એ જિજ્ઞાસા સંતોષી શકીએ… ઉદાહરણરૂપે…

પ્રશ્ન : દિવસમાં કેટલી વાર ને કેટલું પાણી પીવું જોઈએ?
ઉત્તર : અવારનવાર પૂછાતા આ સહજ સવાલનો સહજ જવાબ એ છે કે તરસ લાગે ત્યારે પાણી પીવું…! જો કે, આજકાલના જુવાનિયાઓમાં મિનરલ વૉટરની બોટલ સાથે ફેરવવાની એક ફૅશન થઈ ગઈ છે. તરસ ન લાગી હોય તો પણ વચ્ચે વચ્ચે પાણી પીતા રહે છે. આ ટેવ પાળવા જેવી નહીં- ટાળવા જેવી છે. …હા, ઘરની બહાર – ખાસ કરીને મુસાફરી વખતે અજાણ્યા સ્થળે નળનું કે ટેપ વૉટર પીવું સુરક્ષિત ન હોય શકે ત્યારે વૉટર બૉટલ સાથે રાખવી વ્યાજબી છે. આ વાતની સાથોસાથ, આહારશાસ્ત્રીઓની પણ સલાહ માનીએ તો  સામાન્ય સંજોગોમાં દિવસમાં ૭-૮ ગ્લાસ પાણી શરીરને ‘ભીનું’ રાખવા પૂરતું છે. તરસ છીપાય એટલું પાણી જરુર પીવો,પણ તરસ ન હોય છતાં ફરજિયાત એને  એક લશ્કરી નિયમ બનાવી રોજ 7-8 ગ્લાસ કે એથી વધુ પાણી પેટમાં ન ઠાલવો….

પ્રશ્ન : ધારી લો કે વધુ પાણી પીવાઈ ગયું તો એની કોઈ આડ-અસર થાય ખરી?
ઉત્તર : અપવાદરૂપ કોઈ વાર આવું થાય તો ઠીક પરંતુ રોજ આદતથી મજબૂરની જેમ રોજ 7-8 ગ્લાસ કે એથી વધુ પાણી પેટમાં ન ઠાલવો…. પેટ પેટ છે-માટલું નથી. વધુ પડતું પાણી નુકસાનકારક બની શકે. એનાથી સ્થૂળતા વધે. પાચનક્રિયામાં વિક્ષેપ સર્જાય. સ્કિન-ત્વચાના પ્રોબ્લેમ થઈ શકે. વધુ પડતું પાણી કિડનીને પણ ગંભીર આડ-અસર પહોંચાડી શકે.…

પ્રશ્ન : હમ્મ્મમ, કિડની ઉપરાંત બીજી કોઈ નુકસાનકારક આડ-અસર ?
ઉત્તર : છે ને..ઘણી છે! સામાન્ય રીતે, ગરમીના દિવસોમાં આપણે પાણી પીવાનું પ્રમાણ વધારી દઈએ છીએ. ઠંડું પાણી -કૉલ્ડ ડ્રિંક્સ – છાશનો શરીર પર મારો ચલાવીએ. આ વધુ પડતું પ્રવાહી શરીરમાં રહેલાં સોડિયમનું તત્ત્વ ઘટાડે છે, જેને સમતોલ કરવા શરીર આપમેળે સૂક્ષ્મ કોષના લોહીમાંથી પાણી ખેંચી લે છે. પરિણામે તબીબી ભાષામાં કહીએ તો ‘હાઈપોનેટ્રેમિયા’ સર્જાય. આવી ‘વૉટર ટોક્સિટેશન’ સ્થિતિમાં માણસ ક્યારેક કોમામાં પણ સરી જાય. તાત્કાલિક સારવાર ન મળે તો એ મરણ પણ પામે….

પ્રશ્ન : પાણીથી શરીરનું શુદ્ધિકરણ કરી શકાય. કઈ રીતે?  
ઉત્તર : તરસ છીપાવવા પાણીનો પીવા માટે ઉપયોગ કરવા ઉપરાંત પાણીના માધ્યમથી આપણી કાયાનું શુદ્ધિકરણ પણ કરી શકાય. આના માટે આજના ડાયટીશ્યન – આહારશાસ્ત્રી અનેક પ્રકારનું માર્ગદર્શન આપે છે. આવી સમજણ અને સલાહ સૈકાઓ પૂર્વે રોમ-ગ્રીસ સામ્રાજયમાં પણ ત્યાંની પ્રજા-ખાસ કરીને સૈન્યના જવાનોને અપાતી જેથી એ બધા વધુ જોશીલા ને ચુસ્ત રહી શકે. શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા-પાચન ઝડપી કરવા માટે પણ પાણીનો ઉપયોગ આહારવિજ્ઞાનીઓ સૂચવે છે. આમ તો આપણું શરીર જ લિવર- ફેફસાં અને કિડની દ્વારા શરીરમાં પેસી ગયેલી અશુદ્ધિને નિયમિત રીતે બહાર ધકેલી કાઢે છે. આમ છતાં, પાણીની મદદથી એ ક્રિયા-પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાય છે. પાણીથી શરીરનાં આંતરિક અંગોને ‘ભીનું’ રાખવાથી પાચનક્રિયા સુધરે છે તથા લોહીનું ભ્રમણ વધુ ત્વરિત બને છે. એટલું જ નહીં, વધુ મીઠ્ઠું-ગળ્યું ખાવાની તલપ ઘટે છે. એની સાથે શરીર વધુ ચેતનવંતુ બને છે. આ બધાને લીધે ચહેરા પર વધુ ચમક આવે છે…. જે રીતે ડાયટીશ્યન વજન વધારવા કે ઘટાડવા આપણને ચોક્કસ ડાયટ-સમતોલ આહાર સૂચવે છે એ જ રીતે લીંબુ-કાકડી- આદુ-દૂધી- તરબૂચ-ચીભડું- ફુદીના ઈત્યાદિ જેવાં અનેક શાકભાજી- ફળફળાદિ સાથે પાણીની રૅસિપીથી શરીરને વધુ ચુસ્ત ને વધુ તંદુરસ્ત બનાવી શકાય છે. આવા આહાર (Detox Water)ની રૅસિપી વિદેશની જેમ આપણે ત્યાં પણ હવે લોકપ્રિય થઈ રહી છે.

પ્રશ્ન : આપણા હૃદયને હેમખેમ રાખવામાં પાણી કેટલું અગત્યનું છે?
ઉત્તર : ઘણું જ…. માનવ શરીરમાં 60% પાણી છે એટલે એના પ્રત્યેક અંગને જોઈતું પાણી પહોંચે એવી ગોઠવણ કુદરતે કરી જ છે. આમ છતાં શરીર પ્રત્યેની આપણી લાપરવાહીને લીધે એ રોગગ્રસ્ત થતું હોય છે. પાણીના અભાવને લીધે રક્ત પરિભ્રમણ ઘટે-અંગોને પ્રાણવાયુ ઓછો પહોંચે તો એને લીધે સૌથી વધુ કામ હૃદયને વેંઢારવું પડે માટે હૃદય હેમખેમ રાખવા ખાતર પણ પાણી પૂરતા પ્રમાણમાં પીવું જરૂરી. આમ નીર -જળ -અંબુ …અર્થાત પાણી આપણા માટે જેમ જાણતા-અજાણતા વિષ પુરવાર થઈ શકે તેમ પાણીના કેટલાક ગુણધર્મ જાણીને-સમજીને એને ઉપયોગમાં લઈએ તો એ આપણા માટે અમૃત પણ બને…!

Most Popular

To Top