Columns

દેશની પ્રથમ‘નાઇટ સ્કાય સેન્ચુરી’: અવકાશને સમજવા માટેનું મોકળું મેદાન

મિનિસ્ટ્રી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ‘નાઇટ સ્કાય સેન્ચુરી’ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે અને આવનારા 3 મહિનામાં તે કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ‘નાઇટ સ્કાય સેન્ચુરી’નો કન્સેપ્ટ એશિયાઇ દેશોમાં હજુય પ્રચલિત નથી પણ અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં તેની ભરમાર છે અને ત્યાં સરકાર આ સેન્ચુરીને પ્રાધાન્ય પણ આપે છે. ‘નાઇટ સ્કાય સેન્ચુરી’ને ‘ડાર્ક સ્કાય પ્રિઝર્વ’થી પણ ઓળખાય છે. આકાશમાં સંરક્ષણ નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ અવકાશી અભ્યાસનો છે પણ તે તેનો એક માત્ર ઉદ્દેશ નથી. ‘નાઇટ સ્કાય સેન્ચુરી’નો અભ્યાસ ઉપરાંત સોસાયટીના ડેવલપમેન્ટ, ફિલસૂફી, વિજ્ઞાન અને ગણિત જેવા વિષય માટે પણ તે ઉપયોગી છે. વિશેષ કરીને પર્યાવરણના ઇતિહાસના અભ્યાસ અર્થે તેનું મહત્ત્વ છે. વિશ્વમાં આવા સુરક્ષિત ઝોન વધે તે માટે ‘ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય એસોસિયેશન’, ‘ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય રિઝર્વ’ અને ‘ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય પાર્ક’ સંગઠનો અસ્તિત્વમાં છે. હવે ભારતમાં પણ તેનો આરંભ થવા જઈ રહ્યો છે.

મૂળે આખી વાત આકાશને વીજળીના પ્રકાશથી સુરક્ષિત રાખવાનું છે. જ્યાં વીજળી પહોંચી નથી, તે વિસ્તારો તો હજુય એક રીતે ‘નાઇટ સ્કાય સેન્ચુરી’ જેવા છે. ભારતમાં આવા વિસ્તારોની કમી નથી. આજે પણ શહેરથી થોડું જ અંતર કાપીએ તો ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે સુંદર આકાશનું દર્શન થાય છે. રાત્રે કુદરતી આકાશને જોવાનો અને અભ્યાસ કરવાનો લહાવો છે. આ લહાવો માનવી સદીઓથી લેતો જ આવ્યો છે પણ તેને વિધિવત્ રીતે જોવાનું શરૂ થયું વીસમી સદીના અંત ભાગમાં. આ માટે સૌ પ્રથમ ‘ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય એસોસિયેશન’ની સ્થાપના કરવામાં આવી હતી અને 1993માં અમેરિકાનું મિશિગન વિસ્તારમાં લેક હડસન પ્રથમ ‘ડાર્ક સ્કાય પ્રિઝર્વ’ની સ્થાપના થઈ.

જો કે રાતનો કુદરતી નજારો જોવાનું બારેમાસ નથી બનતું, તેનો પણ સમયગાળો હોય છે. વાતાવરણ પ્રમાણે આકાશ ધૂંધળું કે વધુ સ્પષ્ટ દેખાય છે. અમેરિકાની આવી બીજી સાઇટ જોશુઆ ટ્રી નેશનલ પાર્ક છે. અમેરિકાનો આ રણવિસ્તાર અતિ બંજર છે અને ત્યાં મોટા વિસ્તારને ડાર્ક સ્કાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એસ્ટ્રોનોમી એટલે કે અવકાશીય નિરીક્ષણ અર્થે આ જગ્યા ખૂબ અનુકૂળ છે. અનુકૂળ હોવાનું એક કારણ આ રણ વિસ્તાર છે અને બીજું કે અહીંનું વાતાવરણ અવારનવાર બદલાતું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે અહીંયાથી અનેક ગેલેક્સીને નરી આંખે જોઈ શકાય છે.

ભારતમાં આ પહેલ ‘ધ લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ’, ‘ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ’ અને કેન્દ્રિય વહીવટી પાંખ દ્વારા શરૂ થશે. આ ત્રણેય પક્ષોએ તે ઠરાવને મંજૂરી આપી છે. તે માટે જે સ્થળ પસંદ કરાયું છે તે લદાખનું હાનલે ગામ છે. લદાખનું તે સૌથી મોટું ગામડું છે અને મૂળત: તેના રહેવાસીઓ બુદ્ધધર્મીઓ છે. હાનલેમાં અત્યાર સુધી અવકાશી નિરીક્ષણની પ્રવૃત્તિ થતી જ આવી છે. ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી નામે હાનલે ગામ જાણીતુંય છે. તેનું મેનેજમેન્ટ બેંગ્લોર સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ’ નામની સંસ્થા કરતી આવી છે. હાનલેનો આ પોઇન્ટ ઊંચાઈની રીતે વિશ્વમાં દસમા ક્રમે આવે છે. હાનલેમાં એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી પોઇન્ટ નિર્માણ થવો જોઈએ તેવો સૌ પ્રથમ વિચાર અવકાશી વિજ્ઞાની બી.વી.શ્રીકાંતનને આવ્યો હતો. 1980ના અરસામાં અહીં આરંભાયેલા આ પ્રોજેક્ટ હેઠળ લાર્જ ઓપ્ટિકલ ટેલિસ્કોપ મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તે પછી તે કામ ખોરંભે પડ્યું અને 1992માં પ્રો.અરવિંદ ભટનાગરે આ કામ આગળ વધાર્યું અને તે પછી હાનલેમાં એક વિસ્તાર એવો ખોળવામાં આવ્યો જ્યાંથી અવકાશી અભ્યાસ સારી રીતે થઈ શકે. 2001માં તેનો વિધિવત્ આરંભ થયો અને તેનું અનાવરણ તત્કાલીન મુખ્ય મંત્રી ફારુક અબદુલ્લા દ્વારા થયું હતું. હાલ અહીંયા 2 ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા છે અને તે ઉપરાંત પણ અન્ય ઉપકરણો અત્યાર સુધી ત્યાં મૂકવામાં આવ્યા હતા પરંતુ હવે તેને અપગ્રેડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધી આ સ્થળ માત્ર અભ્યાસીઓ માટે હતું તે હવે સામાન્ય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બને તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે. અહીં જે હવે સગવડ મુકાવાની છે તેમાં વધુ સજ્જ ટેલિસ્કોપ છે.

વિશ્વમાં જ્યાં જ્યાં આ પ્રકારની ડાર્ક સ્કાય સાઇટ આવી છે તેની પ્રથમ શરત એ છે કે ત્યાં માનવવસ્તી નહિવત્ હોય અથવા તો ઓછી હોય. અમેરિકામાં આ પ્રકારની ઘણી સાઇટ છે અને વિસ્તારની દૃષ્ટિએ પણ તે ખૂબ મોટી છે. અમેરિકાના અનેક ડાર્ક ઝોન સાઇટોની આસપાસ મોટા પ્રમાણમાં ટુરીઝમેય વિકસ્યું છે. લોકો અહીંયા રાતનો આનંદ માણવા આવે છે. શહેરોની ચકાચૌંધમાં આકાશની સુંદરતા જોવાનું મહદંશે લોકો ભૂલી જાય છે. જે શહેરી તે જોવા માટે ઉત્સુક હોય તેને પણ લાઈટોના કારણે તે આનંદ માણવા મળતો નથી. આ સ્થિતિમાં અવકાશી આનંદ લેનારા માટે આ પ્રકારના સ્થળો જ આકર્ષણનું કેન્દ્ર બને. બીજું કે પશ્ચિમી દુનિયાનો મુખ્ય આધાર વિજ્ઞાન અને ટેકનોલોજી છે. તે મામલે તેઓ આગળ છે અને તેવી બાબતોને પ્રોત્સાહન પણ આપે છે. બાળકોમાં અવકાશી જિજ્ઞાસા જન્મે તે માટે ત્યાં પ્રયત્ન થાય છે. હવે તે પ્રવૃત્તિ આપણા જેવા દેશોમાંય શરૂ થઈ છે.

નાઇટ ડાર્ક સાઇટમાં કાર્યરત સૌથી મોટી સંસ્થાઓમાં એક ‘ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય એસોસિયેશન’ છે. તેની સ્થાપના 1988માં થઈ હતી અને તેની સ્થાપના કરવામાં મુખ્યત્વે બે એસ્ટ્રોનેટની ભૂમિકા હતી. એક ડેવિડ ક્રેવફોર્ડ અને બીજા ટીમ હન્ટર. આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ રાતના પર્યાવરણને સુરક્ષિત રાખવાનું અને ડાર્ક હેરિટેજ સાઇટને વીજળીથી સુરક્ષિત રાખવાનું છે. એક પ્રશ્ન એ પણ થાય કે લાઇટથી શું સાચવવાનું? પણ તેની માનવીય શરીર અને વાતાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે તે સાબિત થઈ ચૂક્યું છે. શરીર પર તેની અસર માથાના દુખાવાની, તણાવની અને જાતીય આનંદના ઘટાડાની થાય છે.

આ ઉપરાંત આપણા મૂડ પર પણ લાઇટની વિપરીત અસર થાય છે. વધુ લાઇટથી બેચેની પણ વધે છે. 2007માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ રાતની લાઇટમાં કાર્ય કરનારા કર્મચારીઓમાં બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધુ હોય છે. દક્ષિણ કોરિયાનું સેઓલ શહેર રાતમાં ખૂબ ઝળહળતું શહેર છે. અહીંયા થયેલા એક અભ્યાસ મુજબ અહીં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ રાતની લાઇટો છે. 2009માં તો હાવર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર સ્ટીવન લોકલીએ ‘બ્લાઇન્ડેડ બાય ધ લાઇટ?’ એ નામનું એક પુસ્તકેય લખ્યું છે. આ રીતે વાતાવરણમાં પણ લાઇટની અસર જોવા મળે છે. એસ્ટ્રોનોમીના ક્ષેત્રમાં તો લાઇટ પોલ્યુશન ખૂબ હાનિકારક સાબિત થાય છે. થોડી અમથી પણ લાઇટ અવકાશને સાવ ધૂંધળું બનાવી દે છે અને તેના પ્રકાશમાં કશું પણ જોઈ શકાતું નથી.

રાત્રે આકાશને જોવાનો આનંદ અભ્યાસી તો લે છે, પણ સામાન્ય માણસેય લઈ શકે. તે કેવી મજા લઈ શકે તેનું વર્ણન સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરે કર્યું છે. તે થોડું સંક્ષેપમાં જોઈએ : “માણસ ખૂબ દૂર સુધી જોઈ ન શકે એટલા માટે ઈશ્વરે ચાંદની રાત પેદા કરી છે. અંધારી રાતે આપણે આકાશમાંના અસંખ્ય તારાઓ એટલે કે અસંખ્ય વિશ્વો જોઈ શકીએ છીએ. ગરીબને ત્યાં ભાતભાતના વેલબુટ્ટાના ભરતકામવાળા ગાલીચા ક્યાંથી હોય? પણ ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત ઝાડોની નીચે એમના ગાલીચા પાથરી દે છેે અને ઝાડનાં પાંદડાં જ્યારે હાલવા માંડે છે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતા થઈને વધારે જ શોભી નીકળે છે.” આવું આકાશથી કેટકેટલું આપણે પ્રાપ્ત કરીએ છીએ, પણ લાઇટના પ્રકાશમાં અત્યારે તો આપણી આંખો અંજાઈ ગઈ છે.

Most Popular

To Top