અમારા સમાજમાં સદીઓથી સાધુ-સંતોને ઘણું માન-સન્માન આપવામાં આવ્યું છે. તેમનો વેશ, તેમનાં વસ્ત્રો અને તેમની જીવનશૈલીને જોઈને લોકો તેમને શ્રદ્ધાથી વંદન કરે છે.હકીકતમાં સંત કે સાધુની સાચી ઓળખ તેના કપડાંથી નહીં પરંતુ તેના ચરિત્ર, આચરણ અને વિચારો પરથી થાય છે. ઇતિહાસમાં ઘણા મહાન સંતોએ સમાજને સાચો માર્ગ બતાવ્યો છે અને લોકોને સત્ય અને ધર્મના માર્ગે ચાલવાનું શીખવ્યું છે.
પરંતુ આજના સમયમાં કેટલાંક લોકો સાધુનો વેશ ધારણ કરીને સમાજને ભ્રમિત પણ કરી રહ્યા છે. સમાચારોમાં ઘણી વખત જોવા મળે છે કે કેટલાક કથિત સાધુ-સંતો ઠગાઈ, શોષણ અને અનૈતિક કાર્યોમાં સંકળાયેલા હોય છે. આવા બનાવોથી સમાજની આસ્થા અને વિશ્વાસને મોટો આઘાત પહોંચે છે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે માત્ર કોઈનાં વસ્ત્રો જોઈને તેને સંત માની લઈએ? એક જાગૃત નાગરિક તરીકે પવનકુમાર વિશ્વકર્માનું માનવું છે કે વેશ માત્ર બાહ્ય ઓળખ છે, પરંતુ વ્યક્તિની સાચી ઓળખ તેનાં કર્મ અને ચરિત્રથી થાય છે.
જો કોઈ વ્યક્તિ સાધુનો વેશ ધારણ કરીને ખોટાં કાર્યો કરે છે તો તે સમાજના વિશ્વાસનો દુરુપયોગ જ કરે છે. આજના સમયમાં જરૂર છે કે સમાજ અંધશ્રદ્ધા અને અંધભક્તિથી ઉપર ઊઠીને સમજદારીથી વિચાર કરે. કોઈને પણ માત્ર તેના વેશ પરથી નહીં પરંતુ તેના વર્તન, વિચારો અને સમાજ માટેના યોગદાનના આધાર પર જ સન્માન આપવું જોઈએ. અંતમાં એટલું જ કહી શકાય કે વેશ નહીં, પરંતુ વ્યક્તિનું ચરિત્ર જ સન્માનનો સાચો માપદંડ છે.
સુરત – પવનકુમાર ડી. વિશ્વકર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે