India

AIના કારણે વધી રહ્યા છે હાઈટેક કૌભાંડો, ભારતીય બેંકિંગ સેક્ટર એલર્ટ મોડમાં, 84% ભારતીય બેંકોને ભારે ફટકો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી એક તરફ બેંકિંગ અને નાણાકીય સેવાઓને વધુ ઝડપી અને સ્માર્ટ બનાવી રહી છે, પરંતુ બીજી તરફ તે સાયબર ગુનેગારો માટે પણ શક્તિશાળી હથિયાર બની રહી છે. એક નવા વૈશ્વિક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે AI આધારિત કૌભાંડો ભારતીય બેંકો માટે મોટો પડકાર બની ગયા છે અને તેના કારણે બેંકિંગ ક્ષેત્રને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સાયબર સુરક્ષા અને ફ્રોડ પ્રિવેન્શન ક્ષેત્રે કામ કરતી કંપની ‘બાયોકેચ’ના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 84 ટકા બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન છેતરપિંડીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. સર્વેમાં વિશ્વના 25 દેશોના 1,440 નાણાકીય ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તેમાં ભારત AI આધારિત નાણાકીય કૌભાંડો અને ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ રહ્યું છે.

અહેવાલ અનુસાર, ભારતમાં 90 ટકા નાણાકીય નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરપિંડીના પ્રયાસોમાં ઝડપથી વધારો થયો છે. આ આંકડો વૈશ્વિક સરેરાશ 81 ટકા કરતાં ઘણો વધારે છે. નોંધનીય બાબત એ છે કે ગયા વર્ષના સર્વેમાં આ આંકડો 70 ટકા હતો. એટલે કે માત્ર એક વર્ષમાં ફ્રોડના પ્રયાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે AI ટેક્નોલોજીએ સાયબર ગુનેગારોને વધુ ચતુર અને આધુનિક બનાવી દીધા છે. હવે તેઓ નકલી ઓળખ, ફેક ડોક્યુમેન્ટ, ડીપફેક વીડિયો, નકલી અવાજ અને ઓટોમેટેડ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને લોકોને સરળતાથી છેતરી રહ્યા છે. ભારતના 93 ટકા નાણાકીય અધિકારીઓ માને છે કે AIના કારણે કૌભાંડ કરવાની રીતો પહેલાં કરતાં વધુ જટિલ અને જોખમી બની ગઈ છે.

રિપોર્ટમાં વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે. લગભગ 90 ટકા ભારતીય બેંકિંગ નિષ્ણાતોનું કહેવું છે કે ભવિષ્યમાં AI દ્વારા કરવામાં આવતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સામાન્ય ગ્રાહકોની વાસ્તવિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ બની જશે. એટલે કે બેંકો માટે ફ્રોડને સમયસર ઓળખવો અને અટકાવવો વધુ પડકારજનક બનશે. ભારતીય બેંકિંગ ક્ષેત્ર સૌથી વધુ જે બાબતથી ચિંતિત છે તે છે સાયબર ફ્રોડની ઝડપ. સર્વેમાં સામેલ 95 ટકા ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે છેતરપિંડીના કેસો હવે ખૂબ ઝડપથી અંજામ આપવામાં આવી રહ્યા છે. આ આંકડો વૈશ્વિક સરેરાશ 76 ટકા કરતાં ઘણો વધારે છે. સાયબર ગુનેગારો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિનિટોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે.

આ ફ્રોડનો સીધો આર્થિક ફટકો પણ બેંકોને પડી રહ્યો છે. સર્વેમાં સામેલ લગભગ 48 ટકા ભારતીય બેંકોનું કહેવું છે કે તેઓ દર વર્ષે 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 83 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન ભોગવી રહી છે. આ નુકસાન માત્ર નાણાકીય જ નહીં, પરંતુ ગ્રાહકોના વિશ્વાસ પર પણ અસર કરે છે. અહેવાલમાં સૌથી વધુ ચિંતા UPI અને અન્ય ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મને લઈને વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં 66 ટકા બેંકિંગ લીડર્સે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને વધતા ડિજિટલ ફ્રોડનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. આ આંકડો વૈશ્વિક સરેરાશ 59 ટકા કરતાં વધુ છે. ભારતમાં UPIના ઝડપી વિસ્તરણ અને ડિજિટલ પેમેન્ટ્સના વધતા ઉપયોગને કારણે લોકોને ઘણી સુવિધા મળી છે, પરંતુ સાથે જ સાયબર ઠગોને પણ નવા રસ્તા મળ્યા છે. ફેક કોલ, નકલી લિંક, QR કોડ સ્કેમ, રિમોટ એક્સેસ એપ અને AI આધારિત સોશિયલ એન્જિનિયરિંગ જેવા કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે.

નિષ્ણાતોના મતે આગામી સમયમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓએ AI આધારિત સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવી પડશે. સાથે જ ગ્રાહકોને પણ ડિજિટલ સુરક્ષા અંગે વધુ જાગૃત કરવું જરૂરી બનશે. કારણ કે ટેક્નોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી સાયબર ગુનેગારો પણ પોતાની રીતો બદલી રહ્યા છે. AI માત્ર વિકાસનું સાધન નથી, પરંતુ તેનો ખોટો ઉપયોગ થાય તો તે બેંકિંગ ક્ષેત્ર માટે મોટો ખતરો પણ બની શકે છે. તેથી ડિજિટલ યુગમાં સુરક્ષા અને જાગૃતિ બંને સૌથી મહત્વપૂર્ણ હથિયાર સાબિત થશે.

Most Popular

To Top