Vadodara

સંભોઈ ગામના ૩૮ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત, પરિવારમાં ભારે અરેરાટી

ખેતીમાં છાંટવાની દવા પી લીધા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, આત્મહત્યાનું કારણ અકબંધ, કરજણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

કરજણ તાલુકાના સંભોઈ ગામે એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક ૩૮ વર્ષીય આશાસ્પદ યુવકે કોઈ અગમ્ય કારણોસર ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

કરજણ તાલુકાના સંભોઈ ગામે રહેતા ૩૮ વર્ષીય નરેન્દ્રસિંહ નરવતસિંહ પરમારે ગત ચોથી તારીખે રાત્રિના ૧૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ખેતીના પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં જ યુવકની તબિયત લથડી હતી, જેથી પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા.

યુવકને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ઝેર શરીરના વધુ ભાગોમાં વ્યાપી ગયું હોવાથી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

આશાસ્પદ યુવકે કયા કારણોસર આ આત્મઘાતી અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે કરજણ પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના આપઘાત પાછળ કોઈ કૌટુંબિક કલેશ, આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top