ગાંધીનગર,તા.1
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં વર્ષ 2018માં થયેલા બહુચર્ચિત MBBS ગુણ કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા મુખ્ય આરોપી ડો. કનુ ચૌધરીએ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. પાટણ કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આ કૌભાંડના અનેક કાળા ચિઠ્ઠા ખૂલે તેવી શક્યતા છે.આ સમગ્ર મામલો વર્ષ 2018માં MBBS વિદ્યાર્થીઓના ગુણ સુધારણા સાથે જોડાયેલી ગેરરીતિઓને લઈને સામે આવ્યો હતો. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે 1 ઓગસ્ટ 2019ના રોજ આ કૌભાંડનો પર્દાફાશ કરી તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ ચાર અલગ-અલગ સમિતિઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
પ્રથમ તપાસ સમિતિએ 23 માર્ચ 2021ના રોજ સોંપેલા અહેવાલમાં પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં ગેરરીતિ થયાનું સ્પષ્ટ કર્યું હતું. ગૃહ વિભાગ તેમજ CID ક્રાઈમ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ 2025ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલસચિવ રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ડો. કનુ ચૌધરી સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો હતો.ધરપકડથી બચવા માટે ડો. કનુ ચૌધરીએ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે 8 ઓક્ટોબર 2025ના રોજ અરજી ફગાવી દીધી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ 2026ના રોજ જામીન નકારી બે સપ્તાહમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો. તેના અનુસંધાને 29 એપ્રિલ 2026ના રોજ તેમણે પોલીસ સમક્ષ હાજરી આપી હતી.
વર્ષ 2018માં થયેલા આ કૌભાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલે 1 ઓગસ્ટ, 2019ના રોજ પુરાવા સાથે રજૂઆત કરી પર્દાફાશ કર્યો હતો. ધરપકડથી બચવા માટે ડો. કનુ ચૌધરીએ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી, જે 8 ઓક્ટોબર, 2025ના રોજ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ, 2026ના રોજ જામીન આપવાનો ઈનકાર કરી બે સપ્તાહમાં સરન્ડર થવા આદેશ કર્યો હતો, જેને પગલે આરોપી 29 એપ્રિલના રોજ હાજર થયો હતો.
આ તરફ, ધારાસભ્ય ડો. કિરીટ પટેલે યુનિવર્સિટી પ્રશાસન અને તપાસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે CID ક્રાઈમના રિપોર્ટમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરાની સંડોવણી સ્પષ્ટ હોવા છતાં FIR માંથી તેમનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે.જે. વોરાએ પોતે ‘Change in Marks’ લખી સહી કરી છે અને પોતાના તાબા હેઠળના ૧૧ માસના કરાર આધારિત કર્મચારીને સહ-સંયોજક બનાવી કૌભાંડનો રસ્તો સાફ કર્યો હતો. આ ઉપરાંત, જે કેમેસ્ટ્રી વિભાગની ઉત્તરવહીઓ બદલાઈ તે વિભાગના અધ્યક્ષ પણ વોરા પોતે જ હતા.
ડૉ. પટેલે વધુમાં દાવો કર્યો કે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં ગુણ બદલવાના પુરાવા તરીકે જે.જે. વોરાએ ‘ચેન્જ ઇન માર્ક્સ’ લખીને સહી કરી છે, તેમજ નિયમોનો ભંગ કરીને પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમણે આ મામલે તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલસચિવની ભૂમિકા પર પણ સવાલો ઊભા કર્યા છે અને તેમને પણ આરોપી બનાવવા માગણી કરવાની જાહેરાત કરી છે.
કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન અને તપાસ અધિકારીઓ મુખ્ય આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપવા ખેલ ખેલી રહ્યા છે. તેમણે પુરાવા સાથે છેડછાડ કરનાર અને કૌભાંડીઓને બચાવનાર તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલ સચિવ સામે પણ કાયદાકીય જંગ છેડવાની અને તેમને આરોપી તરીકે જોડવાની માંગ કરી છે.
“નાપાસ વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી જનતાના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામેની લડાઈ છેક સુધી ચાલુ રહેશે,” તેમ ડો. પટેલે ઉમેર્યું હતું. હાલમાં પોલીસ પૂર્વ કુલપતિ અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.