Gujarat

ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ

અમદાવાદ,
અમદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટને વધુ સ્વચ્છ અને પર્યાવરણલક્ષી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પો.લી (SRFDCL) દ્વારા ચોમાસા પૂર્વે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. 2 જૂનથી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં નદીના પટ, ઘાટ વિસ્તારો અને લોઅર પ્રોમિનાડની સફાઈ કરવામાં આવશે.

દર વર્ષે ચોમાસા પૂર્વે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. તે પહેલાં નદીના પટમાં એકત્ર થયેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ અને અન્ય અવરોધોને દૂર કરવા માટે આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. નદીના બંને કાંઠાઓ પર સ્વચ્છતા જાળવી રાખવા અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી આ કામગીરી હાથ ધરાશે.અભિયાનના પ્રથમ દિવસે એટલે કે 2 જૂને પશ્ચિમ કાંઠે ગાંધી આશ્રમ પાછળના ઘાટ અને આશ્રમ રોડ નજીકના વિસ્તારમાં સફાઈ હાથ ધરાશે. જ્યારે પૂર્વ કાંઠે સેમ્પલ સ્ટેજ ઘાટ અને સુભાષબ્રિજ ગાર્ડનથી 8 નંબરની સીડી તરફના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી કરવામાં આવશે.

3 જૂને પશ્ચિમ કાંઠે ઘાટ નંબર-4 નજીક તથા વાડજ ટોઈલેટ પાછળના વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે. પૂર્વ કાંઠે ઘાટ નંબર-5 વિસ્તાર, દધીચી બ્રિજ અને સુભાષબ્રિજ ગાર્ડન ગેટ નંબર-3 નજીકના વિસ્તારોમાં સફાઈ હાથ ધરાશે.4 જૂને પશ્ચિમ કાંઠે ઘાટ નંબર-5 અને ઉસ્માનપુરા ગાર્ડન તરફના વિસ્તારોમાં જ્યારે પૂર્વ કાંઠે ઘાટ નંબર-7 તથા માસ્તર કોલોની સામેના વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી કરવામાં આવશે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને પશ્ચિમ કાંઠે ઘાટ નંબર-6 અને વલ્લભસદન ગ્રાઉન્ડ નજીકના વિસ્તારોમાં સફાઈ થશે. પૂર્વ કાંઠે અટલ ઘાટ (ઘાટ નંબર-11), નેહરુબ્રિજ અને એલિસબ્રિજ વચ્ચેના વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન યોજાશે.

આ અભિયાનને જનભાગીદારી આધારિત બનાવવા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટે શહેરની વિવિધ સામાજિક, પર્યાવરણલક્ષી અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોને તેમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે.અમદાવાદ મનપાના જણાવ્યા મુજબ શહેરની સ્વચ્છતા, સાબરમતી નદીના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીને પ્રાથમિકતા આપીને વિવિધ વિભાગોના સંકલનથી આ અભિયાન સફળ બનાવવા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસફાઈ અભિયાન દ્વારા ચોમાસા પહેલાં નદીનો પટ સ્વચ્છ બનાવવા સાથે પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશ આપવામાં આવશે.

Most Popular

To Top