Dakshin Gujarat

લો બોલો.. વીજચોરીના પૈસા નહીં ભરાતાં યુવકે રાજ્યપાલ સમક્ષ કરી નાંખી આવી માંગણી

હથોડા: (Hathoda) તરસાડીના ચિસ્તીનગર ખાતે વીજ ચેકિંગમાં ગ્રાહક (Customer) યુવાનને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. યુવાન આ નાણાં નહીં ભરી શકતાં રાજ્યપાલ (Governor) સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરતાં પોલીસે યુવાનની અટકાયત કરી હતી.

  • વીજચોરીના પૈસા નહીં ભરાતાં ઇચ્છા મૃત્યુની માંગ કરનારા તરસાડીના યુવાનની અટકાયત
  • રાજ્યપાલ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરતાં કોસંબા પોલીસે યુવાનને ઝડપી લીધો
  • વીજચોરી કરતાં ઝડપાઈ જતાં જીઈબીએ તેને રૂપિયા એક લાખથી વધુનો દંડ કર્યો હતો

ઘટનાની વિગત એવી છે કે, કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તરસાડીના ચિસ્તીનગર ખાતે રહેતો મોહમ્મદ સલમાન ઉસ્માન ગની મલેક બે મહિનાથી વીજચોરી કરીને વાપરતો હતો. ગત તા.22-9-2023ના રોજ ડીજીવીસીએલના અધિકારીઓએ ચિસ્તીનગર ખાતે રેડ કરતાં મોહમ્મદ સલમાન ઉસ્માન ગની મલેક વીજચોરી કરતાં ઝડપાઈ જતાં જીઈબીએ તેને રૂપિયા એક લાખથી વધુનો દંડ કરતાં અને મહંમદ સલમાન બેરોજગાર હોવાથી વીજચોરીનો દંડ ભરી શકે તેમ ન હોવાથી તેણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરતી અરજી કરી હતી. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી કોસંબા પોલીસને જાણ કરતાં હરકતમાં આવેલી કોસંબા પોલીસે આત્મવિલોપનની માંગ કરનાર મોહમ્મદ સલમાન ઉસ્માન ગની મલેક કોઈ અઘટિત પગલું ન ભરે એ માટે સાવચેતીરૂપે તેની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

જીઈબીના અધિકારીએ 50 હજારની માંગણી કરી હતી, એસીબીને જાણ પણ કરાઈ હતી
રાજ્યપાલ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરનાર મોહમ્મદ સલમાને પોલીસને આપેલા નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, વીજચોરીમાં પકડાતાં જીઇબીના અધિકારીએ કેસની પતાવટ કરવા રૂપિયા 50,000ની માંગણી કરી હતી. જે બાબતે મહંમદ સલમાનને એસીબી પોલીસ સ્ટેશનમાં પણ સંપર્ક કર્યો હતો. અને સલમાન પાસે 50000 રૂપિયા નહીં હોવાથી પૈસા નહીં આપતાં જીઇબીવાળાએ કેસ કર્યો હતો. કોસંબા પોલીસને આપેલા નિવેદનમાં રૂ.50,000 જીઇબીના અધિકારીઓએ માંગણી કરી હોવાનું જણાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

Most Popular

To Top