Sports

ભારત-પાકિસ્તાન મેચને લઈ અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત, સ્ટેડિયમ લશ્કરી છાવણીમાં ફેરવાયું

ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) આવતીકાલે ભારત પાકિસ્તાન (Inida-Pakistan) વચ્ચે વર્લ્ડ કપની (World Cup2023) મેચ યોજનાર છે. આ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં સુરક્ષા વ્યવસ્થા પોલીસે સઘન બનાવી છે. અમદાવાદ શહેરમાં પોલીસે (Police) લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મેચને લઈ 6,000 થી વધુ પોલીસકર્મીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે, ત્યારે મેચને લઈ સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેચને લઈ સુરક્ષાઓને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં સ્ટેડિયમ અને પ્રેક્ષકોની સુરક્ષાની વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, બંને ટીમ અને સપોર્ટિંગ સ્ટાફની સુરક્ષાની વ્યવસ્થા, રાજ્યભરમાં સામાજિક તત્વો ઉપર સતત નજર રાખવી અને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી આ પાંચ પાસાઓ ઉપર સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ગોઠવવામાં આવી છે.

સ્ટેડિયમ અને પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 6,000 થી વધુ પોલીસકર્મીઓ ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત એનએસજી, એનડીઆરએફ, આરએએફ, એસઆરપીની ટુકડીઓ પણ ફરજ બજાવશે. ખેલાડીઓની તેમજ તેના સપોર્ટિંગ સ્ટાફની સુરક્ષાને લઈ શહેર ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. વિકાસ સહાયએ વધુમાં કહ્યું હતું કે મેચ જોવા વધારે લોકો આવનારા હોય ટ્રાફિક અને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાહનો લઈને આવનાર લોકોને પાર્કિંગ વ્યવસ્થા મળી રહે તે માટે અલગ અલગ સ્થળોએ પાર્કિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

મેચ જોવા આવનાર પેક્ષકોને વિકાસ સહાય એ ખાસ અપીલ કરી છે કે સ્ટેડિયમ સુધી આવવા માટે મેટ્રો ટ્રેનનો વિશેષ ઉપયોગ કરવામાં આવે. મેટ્રો ટ્રેન સ્ટેડિયમના ગેટ નંબર એક સુધી આવતી હોય છે, તેથી વધુમાં વધુ લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરે તેવી ખાસ અપીલ છે. આ ઉપરાંત રાજ્યભરમાં અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મેચ પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવા જિલ્લા પોલીસ વડાઓને આદેશ કરવામાં આવ્યા છે, તેમજ સ્થાનિક અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.

Most Popular

To Top