Comments

ભાગ્યે જ કોઇ રાષ્ટ્રો આર્થિક રીતે સફળ

ભારત બ્રિટનને વળોટી વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આ બીજી વાર આપણે બ્રિટનને વળોટી ગયા છીએ. પહેલી વાર આવું થોડા વર્ષો પહેલાં બન્યું હતું, પણ આપણી વૃધ્ધિ ધીમી પડી આપણે ફરી પાછા પડી ગયા. આપણી આગળ જર્મની, જાપાન, ચીન અને અમેરિકા છે. આ ચારમાંથી બે એશિયાઇ રાષ્ટ્રો છે જે આપણને આશા આપે છે કે આપણે પણ એક વિકસિત અને ધનાઢય રાષ્ટ્ર બની શકીશું.

કોઇપણ રાષ્ટ્રનું એકંદર કદ એકંદર ઘરેલુ પેદાશ જોવાનું છે. બીજો રસ્તો વ્યકિત દીઠ એટલે કે માથા દીઠ એકંદર ઘરેલુ પેદાશ જોવાનો છે. ભારતની વસ્તી બ્રિટન કરતા વીસ ગણી છે તેથી આપણે જયારે રાજી થઇએ છીએ ત્યારે આ વાત મનમાં રાખવાની જરૂર છે. આપણી માથાદીઠ એકંદર ઘરેલુ પેદાશ 2200 ડોલર એટલે કે રૂા. 14500 વાર્ષિક છે. બ્રિટનની સરેરાશ આવક 47000 ડોલર એટલે કે રૂા. 37 લાખ વાર્ષિક છે. સવાલ એ છે કે આપણે તે કઇ રીતે હાંસલ કરીશું?

દક્ષિણ કોરિયા 34000 ડોલર સાથે, જાપાન 39000 ડોલર સાથે અને ચીન 12500 ડોલર સાથે તાજેતરમાં ભૂતકાળમાં તે તબક્કે પહોંચ્યા હોય તો આપણા માટે પણ તે શકય છે. વ્યકિત દીઠ એકંદર ઘરેલુ ઉત્પાદન 1036 અને 4045 ડોલર વચ્ચે હોય તે રાષ્ટ્ર મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે આવે અને આપણે નીચલા મધ્યમ વર્ગમાં આવીએ છીએ અને છેક 2008થી, 1000 ડોલરના આંકને વળોટી ગયા ત્યારથી છીએ. ઉપલા મધ્યમ વર્ગની આવકવાળા અર્થતંત્રએ છે જેની માથાદીઠ રાષ્ટ્રીય આવક 4046 ડોલર અને 12535 ડોલર વચ્ચે છે. તેની ઉપર ઉંચી આવક ગણાય. આ ત્રણ આર્થિક રીતે સફળ દેશની રસપ્રદ હકીકત એ છે કે આજે આપણે જયાં છીએ તે સમયે તેમનો સૌથી ઊંચો વૃધ્ધિદરનો તબક્કો ત્યારે આવ્યો હતો.

જાપાન 1970માં આપણા સ્તરે એટલે કે 2056 ડોલર સાથે હતું. 1980 સુધીમાં દાયકામાં જાપાનના અર્થતંત્રમાં વાર્ષિક 16 ટકાની વૃધ્ધિ થઇ તે 9463 ડોલરની સપાટીએ પહોંચ્યું. ત્યાર પછીના ચાર દાયકામાં તે સરેરાશ 3.5 ટકાના વૃધ્ધિદર સાથે 39000 ડોલરની સીમાને વળોટી ગયું. દક્ષિણ કોરિયા 1983માં 2198 ડોલરે હતું. 1993 સુધીના દાયકામાં તેની એકંદર ઘરેલુ પેદાશમાં વાર્ષિક 15 ટકાનો વધારો થયો અને તે 8884 ડોલરે પહોંચ્યું. ત્યાર પછી ત્રણ દાયકામાં તેમાં વર્ષે 5 ટકાની વૃધ્ધિ થઇ. તાજેતરમાં આ જ કથા ચીન સાથે દોહરાવાઇ, તેમાં આપણને રસ પડવો જોઇએ કારણ કે ચીન વસ્તીની દૃષ્ટિએ આપણા દેશ જેવડો છે અને એક તબક્કે તે આપણા દેશ જેટલો ગરીબ હતો.

વિશ્વ બેંકની માહિતી દર્શાવે છે કે 1960માં ભારતની માથાદીઠ આવક 82 ડોલર હતી જયારે ચીનની આવક 89 ડોલર હતી. 1970માં આપણે 112 ડોલરે હતા અને ચીન 113 ડોલરે. 1980માં ચીનની માથાદીઠ આવક 194 ડોલર હતી અને ભારતની 266 ડોલર, 1990માં એટલે કે 32 વર્ષ પહેલા ભારતની આવક 367 ડોલર હતી અને ચીનની આવક 317 ડોલર. આજે ભારતની આવક 2276 ડોલર અને ચીનની 12556 ડોલર. તેમણે આ સિધ્ધિ કેવી રીતે મેળવી? 1990 અને 2000 વચ્ચે 11 ટકાની વૃધ્ધિ અને 2000થી 2010 વચ્ચે 16.5 ટકા અને છેલ્લા દાયકામાં 10 ટકાનો વૃધ્ધિ દર હાંસલ કર્યો.

બીજી બાજુ આજ સમયગાળામાં આપણો વૃધ્ધિ દર 6 ટકા હતો. વર્ષે પંદર ટકાના દરે વૃધ્ધિ હાંસલ કરવી એ આશ્ચર્યજનક સિધ્ધિ કહેવાય જે આપણે કયારેય હાંસલ નથી કરી પણ આ ત્રણ રાષ્ટ્રોએ ગરીબી ખંખેરી નાંખવા છેલ્લા કેટલાક વર્ષોમાં સાતત્યપૂર્ણ રીતે પ્રાપ્ત કરી છે. કઇ રીતે? જાપાન ટોયોટા, સોની, હોન્ડા, પેનેસોનિક, યામાહા વગેરે ઉપભોકતા બ્રાન્ડ સર્જી શકયું હતું. તમામ રાષ્ટ્રોના ઉપભોકતાઓ તેમની કાર, પિયાનો, વોકમેન સેટ અને ટેલિવિઝન માટે પૈસા ખર્ચવા તૈયાર હતા. તેમની પાસે મિત્સુબિશી જેવી ઔદ્યોગિક કંપનીઓ પણ હતી.

આ જ પ્રમાણે દક્ષિણ કોરિયાએ હ્યુંડાઇ જેવી વિરાટ એન્જીનીયરીંગ કંપનીઓ ખોલી અને સેમસંગ અને એલજી જેવી ઉપભોકતા બ્રાન્ડ બનાવી. ચીન આવું ન કરી શકયું પણ ઉત્પાદનનું કેન્દ્ર બન્યું. ઉત્પાદન કેન્દ્રો ચીનમાં ખસેડવામાં આવ્યા કે સ્થાપવામાં આવ્યા કારણ કે પડતર ઘટની હતી અને કાર્યદક્ષતા વધતી હતી. આ ત્રણે દેશોએ મૂલ્ય શૃંખલા વધારી અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. ઇલેકટ્રોનિકસ અને સેમી કંડકટરના ઉત્પાદનમાં તેમણે આ સિધ્ધિ હાંસલ કરી. ભારતે આ રાષ્ટ્રોની સિધ્ધિઓનું પુનરાવર્તન કરવું હોય તો તેમણે આ કાર્ય કેવી રીતે કર્યું તે સમજવું પડશે અને ત્યાં સુધી પહંચવાનો એક માત્ર રસ્તો નથી.

કયૂબાનું અર્થતંત્ર ખુલ્લું ન હોવા છતાં અને સંખ્યાબંધ પ્રતિબંધો હોવા છતાં તેણે આયુષ્ય મર્યાદા, માથાદીઠ આવક, આરોગ્ય અને કેળવણીના વિશ્વ કક્ષાના ધોરણો હાંસલ કર્યા છે. બીજો રસ્તો પારદર્શક અને કાર્યસાધક લોકશાહી, સ્વતંત્ર ન્યાયતંત્ર સિધ્ધ કરવાનો છે. આપણે જાપાન, દષિણ કોરિયા અને ચીનની જેમ આર્થિક વૃધ્ધિનો કુદકો મારી શકીશું?
2004થી 2014નો દાયકો આર્થિક વૃધ્ધિનો હતો અને આપણી નિકાસ કૂદકે ને ભૂસકે વધતી હતી. હવે એ જમાનો નથી રહ્યો. 2014 પછી આપણી વૃધ્ધિ સરેરાશ 5 ટકા રહ્યો છે અને આ જ પરિસ્થિતિ રહી તો આપણે ઇજિપ્ત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા જ રહીશું. ભાગ્યે જ કોઇ રાષ્ટ્રો આર્થિક રીતે સફળ થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top