SURAT

સુરતના પાલમાં BMWમાં નીકળી બાપ્પાની શાહી સવારી

સુરત: બાપ્પાનો વટ જોવો હોય તો તમારે સુરતના પાલ વિસ્તારમાં જવુ પડે. અહીં બાપ્પાની સવારી લક્ઝુરીયસ કારમાં નીકળે છે. છેલ્લાં બે વર્ષથી અહીં ગણેશજીની વિસર્જન યાત્રા ટોય કારમાં કાઢવામાં આવી રહી છે. પાલની શાલીગ્રામ હેપ્પીનેસ સોસાયટીમાં રહેતા ઝવેરી પરિવાર દ્વારા છેલ્લાં બે વર્ષથી બાપ્પાને કારની સવારી કરાવવામાં આવે છે.

શાલીગ્રામ હેપ્પીનેસમાં રહેતા ઝવેરી અશોકભાઈ પારેખ કહે છે કે, આપણે મોંઘી કારમાં ફરતા હોય તો બાપ્પા કેમ બાકી રહે? બસ એક દિવસ એવો વિચાર આવ્યો અને ટોય કારમાં બાપ્પાની વિસર્જન યાત્રા કાઢવાનું નક્કી કર્યું. મારો પૌત્ર જહાન 3 વર્ષનો છે, તેના માટે ટોય કાર લીધી હતી તેનો ઉપયોગ વિસર્જન યાત્રા માટે ગયા વર્ષથી શરૂ કર્યો. બાપ્પાને 4 ફૂટની કારમાં બેસાડી સોસાયટીની આસપાસ વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે, ત્યારબાદ ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરી બાપ્પાને વિદાય આપવામાં આવે છે.

ભક્તોએ બાપ્પાને ગરમીથી બચાવવા છત્રી, દુપટ્ટા અને ચાદરનો સહારો લીધો
ગઈકાલે સાંજે વરસાદ પડ્યા બાદ આજે ફરી ગરમી વધી છે. તાપ અને અસહ્ય બફારાના લીધે ભક્તોએ વિસર્જન યાત્રા મોડેથી કાઢવાનું વલણ રાખ્યું હતું, જે મંડળો દ્વારા બપોરના સમયે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી તેઓ ગરમીથી ખૂબ હેરાન થયા હતા. અડાજણ પાલ આરટીઓના કૃત્રિમ ઓવારા પર આવેલા એક ગણેશ મંડળ દ્વારા બાપ્પાને ગરમીથી બચાવવા છત્રી, ચાદર અને દુપટ્ટાનો ઉપયોગ કરાયો હતો. ભક્તોએ ટ્રક અને ટેમ્પો પર ચાદર, દુપટ્ટાની છત બનાવી દીધી હતી.

ટ્રોલી પર ગણપતિ વિસર્જન યાત્રા
એકતરફ ટોય કારમાં બાપ્પાની શાહી સવારી નીકળી તો બીજી તરફ ક્યાંક લારી, ક્યાંક ટ્રક તો ટેમ્પોમાં વિસર્જન યાત્રા નીકળી હતી. અડાજણમાં એક ગણેશ મંડળ દ્વારા ટ્રોલી પર મહિલા, બાળકો સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. બે વર્ષ બાદ કોરોનાના પ્રતિબંધોની કેદમાંથી છૂટી સુરતીઓએ ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રામાં ભાગ લીધો.

મરાઠી પરિવારે દુ:ખી મનથી બાપ્પાને વિદાય આપી
અડાજણના મરાઠી પરિવારે પરંપરાગત મરાઠી વસ્ત્રો પહેરી બાપ્પાને વિદાય આપવા આવ્યા હતા. ભારે ગરમીમાં રસ્તો દાઝી રહ્યો હોવા છતાં મરાઠી પરિવાર ઉઘાડા પગે બાપ્પાની મૂર્તિ લઈ ચાલ્યો હતો. પાલના ઓવારા પર વિસર્જનની ઘડીએ પરિવારની આંખોમાં આંસુ હતા. પરિવારના મોભીએ કહ્યું અમે 20 વર્ષથી ઘરે બાપ્પાની મહેમાનગતિ માણીએ છીએ. 10 દિવસ ઉપવાસ કરીએ છીએ. આજે બાપ્પા જઈ રહ્યાં છે ત્યારે મન દુ:ખી છે.

Most Popular

To Top