Gujarat

130 કિમી ઝડપે વંદે ભારત ટ્રેનનું અમદાવાદથી કરાયું ટ્રાયલ રન, નવરાત્રીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે ટ્રેન

અમદાવાદ: ગુજરાતને (Gujarat) બુલેટ ટ્રેન (Bullet train) બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ (Vande Bharat) ભેટ મળી છે. 130 કિમીની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન (Trial Run) કરવામાં આવ્યું છે. આઈસીએફ કંપની ચેન્નઈ ખાતે તૈયાર થયેલી 16 કોચની આ ટ્રેન પશ્ચિમ રેલવેને સોંપાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ શકે છે. જેનું ભાડું રૂ.3500 હશે.

મળતી માહિતી મુજબ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું હતું પરંતુ આ ટ્રેન કોટાથી દિલ્હી પરત ફરી હતી કે જ્યાં તેનું દિલ્હી અને આગ્રા વચ્ચે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેથી તેનું ટ્રાયલ રન ગુરુવારે અને શુક્રવારે અમદાવાદથી મુંબઈના રૂટ પર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ગુરુવારે અમદાવાદ આવી પહોંચી હતી અને મેઈનટેનન્સ બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં શુક્રવારે અમદાવાદ-મુંબઈ કલાકના 130 કિમીની ઝડપે આ ટ્રેનની ટ્રાયલ લેવામાં આવ્યું હતું.

સુરત ખાતે વંદે ભારત ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે
તમને જણાવી દઈએ કે સુસુવિધાથી સજ્જ વંદે ભારત ટ્રેન અઠવાડિયાના 6 દિવસ દોડશે. હાલમાં આ ટ્રેનનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. અમદાવાદથી આ ટ્રેન સવારે 7:25 ઉપડી બપોરે 13:30 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. અને ફક્ત સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. હાલમાં આ ટ્રેન વારાણસી-નવી દિલ્હી અને દિલ્હીથી કટરા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનનું ચંદીગઢના સોનાવલમાં તેની ઓસિલેશન ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા બાદ કોટા ડિવિઝનમાં કુલ 6 અલગ-અલગ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં તેના તમામ ટ્રાયલ અપેક્ષા મુજબ સાચા હોવાનું જણાયું હતું. 180-170ની ઝડપે આ ટ્રેનનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો.

ટ્રેનની ખાસિયત

  • સુવિધાઓથી સજ્જ કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે
  • આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓથી સજ્જ હશે
  • ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ હશે અને પ્રત્યેકમાં 52 સીટ હશે
  • જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ હશે
  • ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકશે
  • વંદે ભારત એક્સપ્રેસની 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ.
  • વંદે ભારત એક્સપ્રેસમાં GPS,અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.

Most Popular

To Top