SURAT

સુરતના આ ગણેશ મંડપમાં 9 દિવસમાં શ્રીજીને માનતાના 3 લાખ નાળિયર ચઢાવવામાં આવ્યા

સુરત (Surat): ભાગળ નજીક લીમડા ચોક વિસ્તારમાં લીમડા ચોક (Limda Chowk) બાલ ગણેશોત્સવ સમિતિ ટ્રસ્ટ (Bal Ganesh Utsav Samiti Trust) દ્વારા છેલ્લા 50 વર્ષથી ગણપતિની મૂર્તિની સ્થાપના થાય છે. લોકો માનતા રાખીને ગયા બાદ તે માનતા પુર્ણ થાય એટલે આવતા વર્ષે નાળિયર ચઢાવી જાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભક્તો દ્વારા સૌથી વધુ 3 લાખ નાળિયર ચઢાવવામાં આવ્યા છે. હજી ભક્તોના ઘસારો ચાલુ છે. માનતા પુર્ણ થાય એટલે નાળિયર (Coconut) ચઢાવવાની પરંપરા છેલ્લા 45 વર્ષથી અવિરત ચાલુ છે. 2020 અને 2021માં કોરોના કારણે કોઈ કાર્યક્રમ થઈ શક્યા ન હતા.

ટ્રસ્ટના સેક્રેટરી દિપકકુમાર સોપારીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ગણપતિની સ્થાપના થાય છે. પોતે છેલ્લા 30 વર્ષથી ગણેશોત્સવ દરમિયાન દસેદસ દિવસ મંડપમાં રહે છે. લોકોને આ ટ્રસ્ટના ગણપતિમાં ભારે શ્રદ્ધા છે. માનતા પુરી કરવા આવે છે અને માનતા પુરી થાય એટલે આવજા વર્ષે લોકો નાળિયર ચઢાવી જાય છે. કોઈ ભક્ત ગમે તેટલા નાળિયર ચઢાવે છે. એવું જોવા મળ્યું છે કે કોઈ ભક્ત એક નાળિયર ચઢાવે તો કોઈ ભક્ત 501 નાળિયર પણ ચઢાવે છે. આ ગણપતિના દર્શન માટે અને માનતા માટે સુરત ઉપરાંત આખા દક્ષિણ ગુજરાત અને મુંબઈ તથા પુણેથી પણ ભક્તો આવે છે. આ વર્ષે ત્રણ લાખ નાળિયર અત્યાર સુધી ચઢાવવામાં આવ્યા છે.

સંતાન અને નોકરી માટે સૌથી વધુ માનતા
કોઈને સંતાન ન થતા હોય તે દંપતી સંતાન માટે અહીં માનતા માને છે. ઉપરાંત કોઈને નોકરી મળતી ન હોય, નવું ઘર ખરીદવું હોય, ધંધો રોજગાર બરાબર ચાલતો ન હોય જેવી સમસ્યાઓના નિવારણ માટે લોકો દૂર-દૂરથી આવે છે. માનતા માનનાર ભક્તોએ માત્ર પુજારી પાસે પૂજા કરાવવાની હોય છે. ત્યાર બાદ માનતા પુરી થાય એટલે બીજા વર્ષે માનતા માનનાર નાળિયર ચઢાવી જાય છે.

45 વર્ષ પહેલા વિસ્તારની મહિલાને સંતાન થતું ન હતું ત્યારે નાળિયરની માનતા લીધી ત્યારથી પરંપરા ચાલુ
લીમડા ચોક વિસ્તારમાં 45 વર્ષ પહેલા એક ધનાઢ્ય પરિવારની પરિણીતાના લગ્નને આઠેક વર્ષ થયા હતા છતાં તેણીને સંતાન ન થતા તે દુખી રહેતા હતા. ત્યારે એક સાધુએ તેમને ગણપતિમાં નાળિયર ચઢાવવાની માનતા રાખવાની સલાહ આપી હતી. પરિણીતાએ માનતા રાખી એટલે આવતા ગણેશોત્સવ પહેલા તેમના ત્યાં બાળકનો જન્મ થયો હતો.તેથી તે મહિલાએ નાળિયર ચઢાવ્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ અને તે હજી ચાલુ છે.

વિસર્જન વખતે રસ્તામાં નાળિયર વહેચી દેવાય છે
દિપકકુમાર સોપારીવાલાએ જણાવ્યું હતું કે ભક્ત જે નાળિયર ચઢાવી જાય તેમાંથી કેટલાક નાળિયર ભક્તોને પાછા આપી દેવાય છે. જો ભક્ત વધુ નાળિયર માંગે તો તે પણ આપવામાં આવે છે. ઉપરાંત બાકીના નાળિયર વિસર્જન વખતે મૂર્તિની સાથે લઈ જવામાં આવે છે. જે રસ્તામાં દર્શનાથે ભેગા થયેલા લોકોને આપવામાં આવે છે.

Most Popular

To Top