Gujarat

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગના ચોથા રાઉન્ડની આગાહી, રાજ્યમાં કુલ આશરે 80 ટકા વરસાદ નોંધાયો

ગુજરાત: ગુજરાતના (Gujarat) અનેક જીલ્લાઓને મેઘરાજાએ ઘમરોળ્યું છે. હાલ મેઘરાજાની સવારી થોડી ધીમી પડી હતી. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા વરસાદના (Monsoon) ચોથા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. જો કે થોડા સમયના વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં 13 ઓગસ્ટ સુધી વરસાદની (Rain) શક્યતા છે. જ્યારે જુલાઇની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ નોંધાશે તેવી શક્યતા છે.

અગાઉ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 4-5 ઓગસ્ટ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. જે બાદ હવે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદની શક્યતા દર્શાવવમાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધવામાં આવ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં આ વખતનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

અગાઉ પડેલા વરસાદના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. આ મેઘમહેરના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ત્યારે ફરી એકવાર આગામી દિવસોમાં વરસાદને લઈને આવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.

જુલાઇ મહિનામાં નવસારીમાં 4 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ થોભવાનું નામ ન લેતા લોકોએ પણ ઘણી હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. ચાર કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જ્યારે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. રાત્રે 2થી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Most Popular

To Top