Gujarat

વડાપ્રધાન અમદાવાદમાં નવરાત્રી મહોત્સવ 2022ની મુલાકાત લેશે

ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે અમદાવાદ (Ahmedabad) જીએમડીસી મેદાન ખાતે નવરાત્રિ (Navratri) મહોત્સવની મુલાકાત લેશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ‘ગ્લોબલ ગરબો’ બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે.

26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રિ પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રિના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તા 27 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં છેલ્લા નોરતે વિજેતા જાહેર કરવામાં આવશે.

રાજ્યના અન્ય શક્તિપીઠ ખાતે પણ ઉજવાઈ રહ્યો છે નવરાત્રિ મહોત્સવ
રાજ્યના શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, માઢેરા, ઉમિયા માતાજી મંદિર – ઉંઝા, બેચરાજી, માતાનો મઢ. ખોડિયાર માતાજી મંદિર જેવા પ્રસિધ્ધ તીર્થધામોમાં પણ એકીસાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

મુખ્ય આકર્ષણો
નવરાત્રિ 2022માં ખાસ થીમ પેવેલિયનની સાથે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી અને નડાબેટ, દાંડિયા દ્વાર. દીયા અને ગરબીના થિમેટીક ગેટ્સ રાખવામાં આવ્યા છે. તો અન્ય થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગબ્બર અંબાજી 51 શક્તિપીઠ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ સેતુ, વર્લ્ડ હેરીટેડ સીટી અમદાવાદ, સ્વામી નારાયણ મંદિર, ચબુતરા ગાર્ડન, આર્ટ વોલ ઓફ વર્લ્ડ હેરીટેજ સીટી જોવા મળશે.

Most Popular

To Top