Gujarat

હાઈકોર્ટનો ગુજરાત સરકારને સવાલ: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાબતે તમે શું કાર્યવાહી કરી? રિપોર્ટ લાવો..

ગુજરાત (Gujarat) હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી (Fire Safety) તેમજ લગ્ન (Marriage) તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનાવણી થઈ હતી.  રાજ્યમાં કોરોનાની કથળેલી સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે એફિડેવિટ ફાઈલ કર્યુ છે. ત્યારે મંગળવારે ચાલેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) સરકારને ટકોર કરી હતી કે, અમે અહીં આવી ઘટનાઓ રોકવા માટે ચર્ચા કરી રહ્યાં છે. સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે. સરકારના પગલાઓ માત્ર કાગળ પર જ છે, એફિડેવિટમાં નથી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં બની રહેલી આગની ઘટના બાબતે પણ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટ કહ્યું કે રાજ્ય સરકારે હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે પગલાં લેવાં જોઈએ, ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર NOC વગરની હોસ્પિટલની મુલાકાત લે. હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ફાયર બાબતે તમે શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા એનો લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે. ખાલી પેપર પર કાર્યવાહીની વાત થાય છે, તમે એક્શન લેતા નથી. રાજ્ય સરકાર કેમ ચૂપ રહે છે.

કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. એની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવું તેણે કહ્યું હતું. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે. કોર્ટે આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મેએ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ એસોસિયેશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. કોરોનાના કેસો રાજ્યમાં ઘટ્યા છે. પરંતુ હજુ સાવચેતીની જરૂર છે. સાથે જ તેમણે લગ્ન સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરીની સંખ્યામાં ઘટાડો કરો. સાથે જ અંતિમયાત્રા અને અંતિમવિધિમા જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, લગ્નમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે. જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે. 

હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં સરકારે જણાવ્યું હતું કે RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારે કરેલી એફિડેવિટ મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યું કે, એફિડેવિટમાં સ્ટેપલર મારેલા નથી અને સીલબંધ કવરમાં એફિડેવિટ મળ્યું નથી. સીરિયલ પેજિનેશન પણ નથી. સાથે જ મનીષા લવકુમારને કોર્ટે ખખડાવ્યા હતા. જેના બાદ તેમણે હવે પછી યોગ્ય રીતે એફિડેવિટ ફાઇલ કરવાની ખાતરી આપી હતી.

Most Popular

To Top