Gujarat

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 12મી જૂને ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પણ ચૂંટણી જંગની તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસની તૈયારીઓના ભાગરૂપે કોગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં ઉતારી રહ્યા છે. આગામી 12મી જૂનના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનું સમાપન કરાવશે.

કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 12મી જૂને ગુજરાત આવી રહ્યા છે. તેઓ વાંસદા નજીક ચારણવાડા ગામ ખાતે જાહેર સભાને સંબોધન કરી, આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવશે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી મતદાર ઉપર ભાજપ અને કોંગ્રેસની નજર રહેલી છે. ભાજપ દ્વારા આદિવાસી મતને પોતાની તરફ આકર્ષવા માટે અભિયાન હાથ ધરાયું છે. તેવી જ રીતે કોંગ્રેસ દ્વારા પણ આદિવાસી વોટબેંકને પોતાની તરફ કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ દાહોદમાં જંગી સભાને સંબોધન કરી આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. હવે 12મી જૂનના રોજ નવસારી જિલ્લાના વાંસદા નજીકના ચારણવાડા ગામ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહનું સમાપન કરી જાહેર સભાને ગજવશે.

Most Popular

To Top