Gujarat Election - 2022

182 બેઠકો માટે હવે 1621 ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગર : રાજયમાં હવે વિધાનસભાની 182 બેઠક માટે કુલ 1621 જેટલા ઉમેદવારો ચૂંટણી (Election) લડી રહ્યા છે. પહેલા તબક્કાની 89 બેઠક માટે ફાયનલ રીતે 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. જ્યારે 5મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની 93 બેઠક માટે 833 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હવે ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીમા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે કુલ 1621 ઉમેદવારો મેદાને રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર સુરતમાં છે. સુરતની 16 બેઠક ઉપર 75 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં લઘુમતી મુસ્લિમ મતદારો ધરાવતી બેઠક પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. સુરત પૂર્વ બેઠક ઉપર કુલ 14 ઉમેદવાર પૈકી 12 ઉમેદવાર લઘુમતી સમાજના છે. સુરત જિલ્લામાં કુલ 168 ઉમેદવાર છે, જેમાં 168 પૈકી 75 અપક્ષ ઉમેદવાર છે. સુરત ઉત્તર બેઠક ઉપર ચાર લઘુમતી અપક્ષ ઉમેદવાર છે, જ્યારે સુરતની લિંબાયત બેઠક ઉપર 44 ઉમેદવાર પૈકી 34 અપક્ષ ઉમેદવાર છે અને તેમાં પણ 31 ઉમેદવારો લઘુમતી છે.

ભાજપ હવે 182 બેઠક પર ચૂંટણી લડી રહ્યુ છે. જયારે 179 બેઠક તથા આપ 181 બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે. પહેલા તબક્કાની 89 બેઠક માટે 331 જેટલા અપક્ષો તથા બીજા તબક્કાની 93 બેઠક માટે 281 અપક્ષો મેદાનમાં છે. આ રીતે બન્ને તબક્કામાં 612 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 794 અપક્ષો તથા 2012ની ચૂંટણીમાં 668 અપક્ષો ચૂંટણી લડ્યા હતાં.

સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સીટીની ધાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયારે આંદોલનકારી યુવા અગ્રણીઓ પૈકી હાર્દિક પટેલ વિરમગામથી, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી જયારે જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આપના સીએમ પદ માટેના દાવેદાર એવા ઈશુદાન ગઢવી ખંભાળિયા બેઠક તથા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સુરત સીટીની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના સીનીયર નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી જયારે ખેડભ્રહ્મા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ છૌદરીના પુત્ર તુષાર ચૌધરી પણ ભાજપના અશ્વિન કોટવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે.

Most Popular

To Top