Gujarat Election - 2022

ગુંડાગીરી, ક્રાઈમ અને આતંકવાદ વિરુદ્ધની નીતિના કારણે દેશમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ

ગાંધીનગર: કોંગ્રેસના (Congress) શાસનમાં ગુજરાતમાં (Gujarat) ગુનાખોરી અને ભયનું વાતાવરણ હતું. કેબિનેટ મંત્રીના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતો હતો. શેરીઓમાં ચાલતી વખતે લોકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા. કોંગ્રેસની સરકાર વખતે ગુજરાતમાં તોફાનો અને લૂંટના સમાચાર આવતા હતા. જ્યાં શાંતિ નથી ત્યાં ઉદ્યોગ-ધંધો ક્યાંથી આવે? વિકાસ કેવી રીતે થઈ શકે? ભાજપ (BJP) સરકાર સત્તામાં આવી, ત્યારથી ગુનેગારો સામે કડક હાથે કામ લઈ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી હતી જેના પગલે ગુજરાત સહિત દેશમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઉભુ થયુ છે, તેવું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના મહેસાણાના ખેરાલુ, વડોદરાના સાવલી અને અરવલ્લીના ભિલોડા ખાતે જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું.

અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે આ ચૂંટણીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરતી કોંગ્રેસ પાર્ટી છે. આજે રાહુલ ગાંધી કહેવાતી ભારત જોડો યાત્રા પર છે અને તેઓ આ યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ફરી રહ્યા છે. આ એ જ મેધા પાટકર છે. જેમણે નર્મદા ડેમ પ્રોજેક્ટને 20 વર્ષ સુધી લટકી રાખવાનું કાવતરું ઘડ્યું હતું. રાહુલ ગાંધી તેમના પ્રવાસમાં મેધા પાટેકરને સાથ આપીને ગુજરાતની જનતાના ઘા પર મીઠું છાંટવા નીકળ્યા છે. તેમના પર કોંગ્રેસને શરમ આવવી જોઈએ. કોંગ્રેસ મતબેંકની રાજનીતિ કરવા માંગતી હોવાથી મા નર્મદા નદીનું પાણી લોકો સુધી પહોંચવા દીધું નથી. અમિત શાહે કહ્યું હતુ કે આજકાલ કોંગ્રેસ ગુજરાતમાં કહેતી રહે છે કે કામ બોલે છે. અરે ભાઈ, જેઓ 32 વર્ષથી સરકારમાં નથી તેઓ પોતાના કામનો હિસાબ કેવી રીતે આપશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય જ બોલે છે. કોંગ્રેસ, સોનિયા-મનમોહનની યુપીએ સરકારના 10 વર્ષ દરમિયાન લગભગ 12 લાખ કરોડ રૂપિયાના ગોટાળા અને કૌભાંડો થયા હતા, જ્યારે ભાજપના શાસનમાં પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને દેશના વિકાસને ઝડપી ગતિ આપી છે.

Most Popular

To Top