National

‘થોડી વારમાં જ બધું બદલાઈ ગયું’, પ્રતીક યાદવના અણધાર્યા અવસાનથી પરિવાર સ્તબ્ધ

બુધવારે સવારે લખનઊમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના અચાનક અવસાનથી સમગ્ર યાદવ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સૌથી વધુ ભાવુક દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે તેમની પત્ની અપર્ણા યાદવ આસામથી લખનઊ પરત ફરી અને પોતાના પતિને અંતિમ વખત જોયા બાદ આંસુઓ રોકી શક્યા નહીં. પ્રતીક યાદવના નિધન સમયે અપર્ણા યાદવ આસામમાં હતા. તેઓ ત્યાં એક શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા હતા. કહેવાય છે કે અપર્ણા સતત ફોન પર તેમના પતિના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરતા હતા. તેમને પ્રતીકની તબિયત વિશે પહેલેથી ચિંતા હતી. સ્ટાફ સાથે પણ તેમણે ઘણી વખત વાત કરી હતી. પરંતુ થોડા જ કલાકોમાં બધું બદલાઈ ગયું અને પ્રતીકના અવસાનના સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક લખનઊ માટે રવાના થયા. બપોરે લખનઊ પહોંચ્યા બાદ જ્યારે અપર્ણા યાદવે પોતાના પતિને અંતિમ વખત જોયા, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા. આસપાસ હાજર પરિવારજનો અને નજીકના લોકો પણ આ દ્રશ્ય જોઈને દુઃખી થઈ ગયા હતા. તેમની બંને પુત્રીઓ પ્રથમા અને પ્રતિક્ષા પણ પોતાના પિતાને નિહાળી રહી હતી. થોડા સમય પહેલાં સુધી પિતા તેમની સાથે હતા અને અચાનક બધું બદલાઈ જતાં બંને પુત્રીઓ પણ સ્તબ્ધ બની ગઈ હતી.

આ દુઃખની ઘડીએ આખો યાદવ પરિવાર એકત્રિત થયો હતો. અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ સહિત પરિવારના અનેક સભ્યો અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રતીક યાદવને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. પ્રતીક યાદવના નજીકના મિત્ર સર્વેશે જણાવ્યું કે રાત્રે લગભગ 11:30 વાગ્યે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને લખનઊની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ ડોક્ટરોએ તેમને ઘરે મોકલી દીધા હતા. તે દરમિયાન અપર્ણા યાદવે ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ પણ કરી હતી. સ્ટાફે તેમને જણાવ્યું હતું કે પ્રતીક હવે આરામ કરી રહ્યા છે અને ઊંઘી ગયા છે. પરંતુ વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે પ્રતીક યાદવ બેભાન હાલતમાં મળ્યા હતા. સ્ટાફે તરત જ પરિવારને જાણ કરી અને ડોક્ટરોનો સંપર્ક કર્યો. ડોક્ટરોની સલાહ મુજબ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સવારે 6 વાગ્યે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

પ્રતીક યાદવ અને અપર્ણા યાદવની પ્રેમકથા પણ ઘણી ચર્ચામાં રહી હતી. બંને એકબીજાને શાળાના દિવસોથી ઓળખતા હતા. અપર્ણા બિષ્ટ અને પ્રતીક યાદવ વચ્ચેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. અપર્ણા એક સ્કૂલ કાર્યક્રમ દરમિયાન પ્રતીકની શાળામાં ગયા હતા, જ્યાંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. કહેવાય છે કે પ્રતીકે અપર્ણાનું ઇમેઇલ સરનામું લીધું હતું અને ત્યારબાદ બંને વચ્ચે નિયમિત વાતચીત થવા લાગી હતી. અપર્ણાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પ્રતીક તેમને સતત સંદેશાઓ મોકલતા હતા અને તેમની વચ્ચેનો સંબંધ સમય સાથે વધુ ગાઢ બન્યો હતો. લગભગ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે સૈફઈમાં યોજાયા હતા, જેમાં ફિલ્મ અને રાજકીય જગતની અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. પ્રતીક યાદવના અચાનક નિધનથી આ સુંદર પ્રેમકથા અધૂરી રહી ગઈ છે. પરિવાર, મિત્રો અને સમર્થકો માટે આ ક્ષણ અત્યંત દુઃખદ બની ગઈ છે.

Most Popular

To Top