SURAT

ગ્રીષ્મા હત્યા કેસ: ‘તમને મૃત્યુ દંડ કેમ નહીં આપવો?’ કોર્ટના સવાલ પર ફેનિલની બોલતી બંધ, ચૂકાદો કાલે

સુરત: (Surat) ચકચારી ગ્રીષ્મા હત્યા કાંડમાં (GrishmaMurderCase) આરોપી ફેનિલ ગોયાણીને 69 દિવસના રેકોર્ડ સમયમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. મર્ડરનો લાઈવ વિડીયો વાયરલ થયા બાદ કામરેજ પોલીસે આ કેસમાં 7 દિવસના રેકોર્ડ સમયમાં કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી અને કોર્ટે પણ 28 ફેબ્રુઆરીથી ડે ટુ ડે કેસ હિયરીંગ પર લઈ બે મહિનાના ટૂંકા ગાળામાં સુનાવણી પૂરી કરી હતી. ગ્રીષ્મા વેકરીયાની 12 ફેબ્રુઆરીની સાંજે હત્યા થઈ તેના 69માં દિવસે આજે 21 એપ્રિલના રોજ ફેનિલ ગોયાણીને કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે કોર્ટ તેને શું સજા આપશે તેની પર બધાની નજર હતી. કોર્ટે ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હત્યાના 69માં દિવસે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. કોર્ટે આવતીકાલે 22 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ફેનિલને સજા સંભળાવશે. કોર્ટ આજીવન કેદ અથવા ફાંસીની સજા સંભળાવાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.

કોર્ટે ફેનિલને પૂછ્યું, તમને ‘સજા એ મોત’ કેમ નહીં આપવી?
આજે સવારથી જ ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં ભારે તણાવભર્યું વાતાવરણ હતું. સૌ કોઈ ફેનિલ અને કોર્ટ પર નજર માંડીને ઉભા હતા ત્યારે કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યો હતો અને પૂછ્યું હતું કે ‘તમને મૃત્યુદંડ કેમ નહીં આપવો?’ કોર્ટે આ સવાલ પૂછતાં જ સૌ કોઈની નજર ફેનિલ પર મંડાઈ હતી. કોર્ટે ફેનિલને પૂછ્યું, ‘નિ:સહાય હથિયાર વગરની યુવતી સામે મર્દાનગી બતાવી હત્યા કરી છે. તમે હથિયાર વિનાની યુવતીની હત્યા કરી તો કોર્ટ કલમથી તમારો વધ કેમ નહીં કરે?’ કોર્ટે આ સવાલ પૂછતાં જ કોર્ટરૂમમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ તરફ ફેનિલ નિરુત્તર થઈ ગયો હતો, તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યાર બાદ કોર્ટે ફેનિલને પોતાની વાત કોર્ટ સમક્ષ મૂકવા અંતિમ તક આપી હતી. કોર્ટે વારંવાર ફેનિલને કહ્યું કે, તમારે છેલ્લી વખત કંઈ કહેવું હોય તો કહી શકો છે, છેવટે ફેનિલે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. તેની બોલતી બંધ થઈ ગઈ હતી. ચૂકાદો આવતીકાલ પર મુલત્વી રહ્યો છે. સરકાર પક્ષ દ્વારા આવતીકાલે ફેનિલને ફાંસીની સજા સંભળાવાય તેવી કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવશે. ગુનાની ગંભીરતા જોતા ફેનિલને આજીવન કેદ અથવા ફાંસીની સજા સંભળાવાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.

ગ્રીષ્મા હત્યા કેસનો ઘટનાક્રમ

  • 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા
  • 7 દિવસમાં પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી
  • 2500 પાનાની ચાર્જશીટ પોલીસે દાખલ કરી
  • 23 પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવ્યા
  • 300 પાનાનું આરોપીનું નિવેદન પોલીસે નોંધ્યું
  • 28 ફેબ્રુઆરીથી કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી શરૂ થઈ
  • 105 સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવામાં આવી
  • 125થી વધારે દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા
  • 6 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂરી થઈ
  • 21 એપ્રિલના રોજ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો
  • 69 દિવસમાં ગ્રીષ્મા વેકરીયાને ન્યાય મળ્યો

આ અગાઉ ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને આજે સવારે 10.45 કલાકે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કાળાં કપડા અને સફેદ માસ્ક પહેરી આવેલો ફેનિલ સ્વસ્થ જણાતો હતો. ફેનિલને લાવવા પહેલાં સવારથી જ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ચૂકાદો સાંભળવા સવારથી કાયદાના વિદ્યાર્થીઓ કોર્ટમાં પહોંચી ગયા
ગ્રીષ્માની હત્યાની ઘટના ચકચાર જગાવવા સાથે સમાજને હચમચાવી દેનારી હતી. આ એવી ઘટના હતી જેમાં હત્યારાએ અનેક લોકોની નજર સામે યુવતીનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી હતી. આ હત્યાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દેખીતા પુરાવા હતા. ત્યારે આ કેસમાં કોર્ટ આરોપીને શું સજા સંભળાવે છે તે જાણવાની ઉત્સુકતા કાયદાના વિદ્યાર્થીઓમાં જોવા મળી હતી. સવારથી જ કાયદાના વિદ્યાર્થીઓ કોર્ટમાં પહોંચી ગયા હતા. આખોય કોર્ટ રૂમ વિદ્યાર્થી, પક્ષકારો, પોલીસ મીડિયા અને વકીલોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.

શું હતી સમગ્ર ઘટના?
ગઈ તા. 12મી ફેબ્રુઆરીની સાંજે સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના જ ઘરની બહાર પરિવારની નજર સામે ફેનિલ ગોયાણી નામના યુવક ગળું ચીરીને નિર્મમ હત્યા કરી હતી. આ મર્ડરનો લાઈવ વિડીયો દેશભરમાં વાયરલ થયો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સરકાર અને પોલીસે આ કેસને પ્રાથમિકતા આપી ઝડપથી તપાસ કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ રેકોર્ડ સમયમાં કામરેજ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં પણ ડે ટુ ડે હિયરીંગ થયું હતું. ગઈ તા. 6 એપ્રિલના રોજ બંને પક્ષોની દલીલો પૂરી થઈ હતી અને અંતિમ સુનાવણી 16 એપ્રિલે નિર્ધારિત કરાઈ હતી, પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર નહીં રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી.

ફેનિલ વિરુદ્ધ સરકાર પક્ષના વકીલે શું દલીલ કરી?
સરકાર પક્ષના વકીલ તરફથી સતત ત્રણ દિવસ આ કેસમાં દલીલ કરવામાં આવી હતી. સરકાર પક્ષના વકીલ ડીજીપી નયન સુખડવાલાએ કોર્ટને કહ્યું હતું કે, આ હત્યા ઉશ્કેરાટમાં થઈ નથી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઈન ખરીદયું હતું. તે મહિનાઓથી હત્યાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રીષ્માનો પીછો નહીં કરવા તેના પરિવાર તરફથી ફેનિલને ટોકવામાં આવ્યો તેવી બચાવ પક્ષે દલીલ કરી તેનો સખ્ત વિરોધ સરકાર પક્ષના વકીલે કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ દીકરીની છેડતી કરે તો તેનો પરિવાર ઠપકો પણ ન આપે? સમાજ યુવાનો પાસે આવી અપેક્ષા રાખતું નથી કે યુવાનો કોઈને ઈજા પહોંચાડે કે જીવ લઈ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો મેસેજ જાય છે.

બચાવ પક્ષે શું દલીલો કરી હતી?
આરોપી ફેનિલનો કેસ કોઈ વકીલ લેવા તૈયાર નહોતું, ત્યારે વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ આ કેસ પોતાના હાથમાં લીધો હતો. બચાવ પક્ષે પણ ત્રણ દિવસ દલીલો કરી હતી. બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે ફેનિલને ખોટા કેસમાં ફસાવી દેવાયો છે. પોલીસે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે. આરોપીને યોગ્ય રજૂઆત કરવા દેવાની તક અપાઈ નથી. મીડિયાએ આરોપી વિરુદ્ધ સમાજમાં વાતાવરણ ઉભું કર્યું છે. તેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

આ કેસમાં કુલ 105 સાક્ષીની જુબાની લેવાઈ
આ કેસમાં 190 સાક્ષીને પોલીસે તારવ્યા હતા પરંતુ બાદમાં 85ને ડ્રોપ કરાયા હતા અને 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ ફેનિલનું સ્ટેટમેન્ટ લેવાયું હતું. ફેનિલે છેલ્લે સુધી ગુનો કબૂલ નહીં હોવાનું વલણ જાળવી રાખ્યું હતું.

Most Popular

To Top