National

ચોમાસાની ગતિ ધીમી, 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું ચોમાસું, દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશભરમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ હાલમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. 4 જૂને કેરળમાં પ્રવેશ કરેલું ચોમાસું 6 જૂન સુધીમાં પાંચ રાજ્યોમાં આગળ વધ્યું હતું, પરંતુ ત્યારબાદ છેલ્લા 7 દિવસથી તે તામિલનાડુના ચેન્નઈ, મહારાષ્ટ્રના હરનાઈ અને પશ્ચિમ બંગાળના સિલીગુડી વિસ્તારની આસપાસ જ સ્થિર રહ્યું છે. જોકે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને મહારાષ્ટ્ર, તેલંગાણા તથા આંધ્રપ્રદેશના બાકીના વિસ્તારોમાં આગળ વધી શકે છે. ચોમાસું આગળ ન વધ્યું હોવા છતાં દેશના મોટા ભાગના રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગુજરાતને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને તેજ પવનનો માહોલ જોવા મળી રહ્યો છે.

બિહારમાં વહેલી સવારે જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. પટના, બક્સર, સુપૌલ સહિતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વાદળો એટલા ઘેરાયા હતા કે દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું હતું. દૃશ્યતા ઓછી થતાં લોકોને વાહનોની લાઇટ ચાલુ રાખીને રસ્તા પર નીકળવું પડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ પ્રી-મોન્સૂન વરસાદે જોરદાર અસર બતાવી છે. ચિત્રકૂટમાં ભારે પવનને કારણે અંદાજે રૂ. 4.5 કરોડના ખર્ચે બનેલા ઓડિટોરિયમની છત ઉડી ગઈ હતી. જ્યારે ઇટાવા, સીતાપુર અને ફિરોઝાબાદમાં અલગ-અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા હતા. પંજાબના માનસામાં પણ ભારે પવન અને વાવાઝોડા દરમિયાન લોખંડનો ગેટ તૂટી પડતા 9 વર્ષના બાળકનું મોત થયું હતું.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાનની અસર જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે બે ફ્લાઇટને જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ધૂળભર્યા પવનો અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આજે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ગાજવીજનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગોવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સિવાય લગભગ તમામ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદી માહોલ વચ્ચે પણ દેશના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. દેશનું સૌથી વધુ તાપમાન પંજાબના ભટિંડામાં 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 45.9 ડિગ્રી, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 45.5 ડિગ્રી, ઉત્તરપ્રદેશના બાંદામાં 45.4 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ માટે પણ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. 12 જૂને દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

13 જૂને પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં આજથી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે અને જયપુર સહિત 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપ્રદેશના 34 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે. બિહારના 38 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. છત્તીસગઢમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને આગામી 3થી 4 દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થશે અને ચોમાસું પણ ફરી ઝડપથી આગળ વધશે.

Most Popular

To Top