SURAT

જેવી રીતે કસાઇ પ્રાણીને કાપે તેવી જ રીતે ફેનીલે ગ્રીષ્માનું ગળુ કાપી નાંખ્યું : નયન સુખડવાલા

સુરત: ચકચારી ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસમાં 22 એપ્રિલના રોજ સરકારી વકીલ દ્વારા આરોપી ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી.

સુરત : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનીલ ગોયાણીને તકસીરવાર ઠેરવ્યા બાદ આજે બચાવપક્ષ દ્વારા આરોપીને ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી, આ માટે કેટલાક ચૂકાદા પણ રજૂ થયા હતા. બીજી તરફ સરકારી વકીલે દલીલો કરી કે, આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ ધી રેર છે, સમાજમાં અન્ય દિકરીઓની સલામતીને તેમજ આરોપીઓમાં મેસેજ જાય તે માટે પણ આરોપીને મૃત્યુદંડની સજાની માંગ કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલોબાદ આ કેસમાં તા. 26મી એપ્રીલની મુદ્દત આપી હતી.

કોર્ટમાં સરકાર પક્ષના વકીલે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગો વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. ફક્ત ઉંમર નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી, નિર્ભયા હત્યા પ્રકરણમાં એક સગીર આરોપી હતો. ત્યારબાદ જૂઇનાઇલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 15 વર્ષનો બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે તો ન્યાયિક ટ્રાયલ ચાલવી જોઈએ. સરકારી વકીલ દ્વારા નાની વયના આરોપીઓને લઈને કેટલાક જજમેન્ટ ટાંકવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પ્લાન એક્ટ હોય તો બ્રુટલ એક્ટ હોય, સમાજ ઉપર થતી અસર જોતા આરોપીની વય બાબતે કોઈ દયા બતાવવી જોઈએ નહીં. એ પણ ત્યારે જ્યારે ભોગ બનનાર નિઃસહાય હોય. આરોપીએ ગ્રીષ્માના પરિવારના તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ કાયદા પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ. આરોપી ફેનીલે જેવી રીતે કસાઇ પ્રાણીને કાપી નાંખે છે તેવી જ રીતે ગ્રીષ્માનું પણ ગળુ કાપી નાંખ્યું છે. આવા હેવાન વ્યક્તિઓની સામે સહાનુભૂતિ રાખવી યોગ્ય નથી.

ફાંસીની સજા કરવા માટેના ઉગ્ર સંજોગો અને શાંત સંજોગોને ધ્યાને લેવા પણ જરૂરી
આરોપી સામે શાંત સંજોગોમાં આરોપીની ઉંમર, રિફોર્મેશનના સંજોગો, આરોપીની માતા-પિતાની દેખભાળ અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં ભળી શકવાની શક્યતા છે. જ્યારે તેની સામે ઉગ્ર થતા સંજોગોમાં આરોપીએ પૂર્વ તૈયારી અને ઇરાદા સાથે હત્યા કરી છે, આરોપી બે ચપ્પુ લઇને ગયો હતો, નિર્દોષ અને નિસહાય યુવતીની હત્યા કરી, કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસ કર્યો, પોતાની પાસે આવનારા લોકોને પણ મારી નાંખવાની ધમકી આપી, ધોળે દિવસે અને લોકોની હાજરીમાં હત્યા કરી, પરિવારની એકની એક પુત્રીનું ખુન કરી નાંખ્યું, હત્યા સમયે ધ્રુની ઉંમર અને તેની પરિસ્થિતિ, આરોપીએ ગ્રીષ્મા તાબે ન થતા તેની હત્યા કરી નાંખી, આરોપીનો ગુનાહિત ભૂતકાળ, સમાજ ઉપર તેની અસર, આરોપીનો બનાવ પહેલા અને બનાવ બાદની વર્તુણક, આરોપીને કાયદાનો ડર જ નથી વગેરે પરિબળો વધી જાય છે.

પૂર્વ તૈયારીના ભાગરૂપે ઠંડા કલેજે થયેલી હત્યા છે : તેમાં ફાંસી જ થવી જોઇએ
સરકારી વકીલે બનાવ અંગે દલીલો કરી કે, હાલના કેસમાં બનાવ સમયે ભોગબનનારની પરિસ્થિતિ અને કુટુંબિજનોની તથા સોસાયટીના રહીશોની માનસિક પરિસ્થિતિ પણ મહત્તમ સજા કરવા માટે લાગુ પડે છે. આરોપીએ પૂર્વ તૈયારી સાથે ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે, હત્યા કરવા માટે ઇન્ટરનેટ ઉપરથી જાણકારી મેળવી, વેબસીરીઝ જોઇ છે, ઇન્ટરનેટ ઉપર ઘાતક શસ્ત્રો ખરીદ્યા છે અને ઓર્ડર કેન્સલ કરી નાંખ્યો છે, ત્યારબાદ એક ચપ્પુ મિત્ર પાસેથી અને બીજુ ચપ્પુ ડિ-માર્ટમાંથી ખરીદ્યું છે. આરોપીએ બનાવના દિવસે ગ્રીષ્માના કોલેજ ઉપર જઇને તે નહીં મળતા તેણીના ઘરે જઇ મોટુ કરવાનો છે તેમ કહ્યું હતું. માનીતી બહેન ક્રિષ્નાને પણ મેસેજ કરીને ગ્રીષ્માને મારી નાંખીશ તેમ કહ્યું છે. સુભાષભાઇને આંતરડા બહાર કાઢી નાંખ્યા અને ધ્રુવને માથામાં ઇજા કરી, ત્યારબાદ ગ્રીષ્માનું ગળુ પકડી લીધુ અને ગળામાં નશ કપાય છે કે નહીં તે ભોગ જોયા પછી લોકોની વચ્ચે સરાજાહેર હત્યા કરી નાંખી. કોઇ આગળ બચાવવા આવતા તો તેને પણ મારી નાંખે તેવી ધમકી આપી હતી.

એકની એક પુત્રીની હત્યાની વાત થતા જ ગ્રીષ્માના માતા-પિતા રડી પડ્યા, હાજર અન્ય વ્યક્તિઓ પણ ભાવુક બન્યા
મુખ્ય જિલ્લા સરકારી વકીલે પરિવારમાં એકની એક પુત્રીની હત્યાની વાત કરી હતી. ફેનીલે ગ્રીષ્માની જેવી રીતે હત્યા કરી નાંખી છે તે અંગે વાત કરતા કહ્યું કે, ગ્રીષ્મા પરિવારની એકની એક દિકરી હતી, તેનું ઉજ્જવળ ભવિષ્ય હતુ, તેના પિતા વિદેશ કમાવા માટે ગયા હતા, અને માતા ઘરમાં સિવણકામ કરતા હતા. પરિવારમાં દિકરી એકની એક હોય તો તે કેટલી વ્હાલી હોયતે વિચારી, સમજી શકાય તેમ છે, ફેનીલના આ કૃત્યને કારણે ગ્રીષ્માના અપંગ માતા-પિતા હંમેશા માટે દિકરી વિહોણા થઇ ગયા છે. પિતાની આંખમાં દિકરીને લઇને બે વખત આંસુ આવે છે એક તો જ્યારે પુત્રીના લગ્ન કરીને વિદાય આપવામાં આવે અને બીજુ જ્યારે પુત્રીની અંતિમયાત્રા નીકળે. બંને વખત આંસુઓ અલગ અલગ હોય છે. પુત્રીના લગ્ન સમયે પિતાના આંખમાં હર્ષના આંસુ નીકળે છે તે વિચારે છે કે, મારી પુત્રી બીજાના ઘરે જશે અને બીજા પરિવારને સુખી કરશે. પરંતુ પિતાએ પુત્રીના વિદાયના આંસુ જોવાને બદલે જ્યારે અંતિમયાત્રાના આંસુ જોવાનું આવે ત્યારે તે ખુબ જ હૃદયદ્રાવક છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની આ દલીલો સાંભળીને કોર્ટરૂમમાં હાજર ગ્રીષ્માના માતા-પિતા અને અન્ય સંબંધીઓ ચૌધાર આસુએ રડવા લાગ્યા હતા. કોર્ટરૂમમાં પણ એક ભાવુક વાતાવરણ ઊભુ થયુ હતું અને હાજર સૌકોઇ ભાવુક બની ગયા હતા. સરકારી વકીલ પણ આ દલીલો કરતા થોડા રડી પડ્યા હતા.

બાળાઓની સુરક્ષા રહે તે માટે બેટી પઢાવો અને બેટી બચાવોનું સૂત્ર આપ્યું હતુ
એક ઉત્સુક યુવતી સમાજને કેવી ઉપયોગી કામગીરી કરે તેવા હેતુસર સરકારે બેટી બચાવો અને બેટી પઢાવોનું સૂત્ર આપ્યું છે અને આ સુત્રને સમાજની દિકરીઓએ સાર્થક કર્યું છે, સમાજની બીજી દિકરીઓ, તેના માતા-પિતા અને વાલીઓ નિર્ભય રીતે જીવી શકે તે પણ જરૂરી છે. દેશની કેટલીય નાની વયની દિકરીઓ આજે પાયલોટ બનીને વિમાન ઉડાવે છે, કેટલીય ભારતીય સૈનામાં ભરતી થઇ છે, તો કેટલીક દિકરીઓએ સ્પોટ્સ ક્ષેત્રમાં નામના મેળવી છે. તેવી જ રીતે ગ્રીષ્મા પણ સમાજમાં ઉપયોગી થાય તે રીતે કંઇ કરી બતાવવા માંગતી હતી, પરંતુ આરોપી ફેનીલે રાક્ષસી મનોવૃતિ ધરાવતા હતા અને તેને પરિણામાં મરણજનારે જબરદસ્તીથી તાબે કરવાના ઇરાદે હેરાન કરતો હતો અને ગ્રીષ્મા તાબે નહીં થતા તેની હત્યા કરી નાંખી છે. ત્યારે જો આરોપીને મહત્તમ સજા નહીં કરાય તો સમાજમાં દિકરીઓની સુરક્ષા અને સલામતી ઉપર પણ પ્રશ્નાર્થ આવી જશે.

ફેનીલના માતા-પિતા પણ તેનાથી કંટાળી ગયા હતા : સરકારી વકીલ
બચાવપક્ષ દ્વારા આરોપી તેના માતા-પિતાની સારસંભાળ રાખી શકે તે માટે તેને ઓછામાં ઓછી સજા કરવાની દલીલો કરી હતી. જેની સામે સરકારી વકીલે દલીલો કરતા કહ્યું કે, ફેનીલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફેનીલને અનેક લોકોએ ઠપકો આપ્યો છે. ગ્રીષ્માને હેરાન કરવામાં આવતા સમાજના કેટલાક લોકોએ ફેનીલના ઘરે જઇને ઠપકો આપ્યો હતો, આ તબક્કે ફેનીલના માતા-પિતાએ ફેનીલને સમજાવવા આવેલા વડીલોને કહ્યું કે, ભાઇ તમે આને સમજાવો, અમે ઘર પણ બદલી નાંખ્યું છે હવે અમે મરી જઇએ..? આ જ આરોપીની માનસિકતા હોય તો પછી ફેનીલ જેલમાંથી છૂટ્યા બાદ તેના માતા-પિતાની કેવી સેવા કરશે..? તે પણ કોર્ટે વિચારવું જરૂરી છે.

Most Popular

To Top