Dakshin Gujarat

સ્મશાનની જમીન ખોદી નંખાતા કબરોમાંથી અસ્થિ બહાર આવી ગયા!

હથોડા : કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કંટવા (Kantwa) ગામની માહ્યાવંશી સમાજની મડદાં દફન કરવાની સ્મશાનની (cemetery) જમીન ગામના જ બે ખેડૂત ઈસમો દ્વારા ખોદી નંખાતા (digging) અને કબરમાં (graves) દફન કરાયેલા મૃતદેહના અવશેષો પણ વેરવિખેર કરી નાખવામાં આવતા ગંભીર બનાવને પગલે કંટવા સહિત આસપાસના ગામોના માહ્યાવંશી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ બાબતે એફઆઈઆર (FIR) દાખલ કરવા માહ્યાવંશી સમાજ દ્વારા કોસંબા પોલીસને છ દિવસથી લેખિત ફરિયાદ કરવા છતાં કોસંબા પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતા આજે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.

કંટવા ગામે રહેતા માહ્યાવંશી સમાજે કોસંબા પોલીસ તેમજ માંગરોળના મામલતદારને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે કંટવા ગામમાં માહ્યાવંશી સમાજની સ્મશાનભુમિ આવેલી છે. જેમાં સમાજના વડવાઓની કબરો પણ છે. તે સ્મશાનભૂમિમાંથી કંટવા ગામના સંદિપસિંહ વિજયસિંહ જાદવ અને જયેન્દ્રસિંહ દોલતસિંહ ઘડિયા નામના બે ખેડૂતોએ જેસીબી બોલાવીને પોતાના ખેતરમાં આવવા જવાનો રસ્તો બનાવવાના ઇરાદે પુરણ માટે માટીની જરૂર પડતા માહ્યાવંશી સમાજની સ્મશાનની જમીનમાં ખાડો ખોદી નાખી માટીની ચોરી કરતા કબરોમાં દફન કરાયેલા મૃતદેહના અવશેષો પણ વેરવિખેર કરી નાંખ્યા છે. જેથી સમાજના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો જઘન્ય કૃત્ય કરેલું છે. જેના પરિણામે કંટવા અને આજુબાજુનાં ગામમાં રહેતા માહ્યાવંશી સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે.

લોકોને હિજરત કરવાનો વારો આવે નહીં તે માટે પગલાં ભરવા માંગ

સ્મશાનની જમીનની માટી ખોદી નાખનાર બે ખેડૂતોના નામ જોગ પોલીસ તેમજ મામલતદારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કંટવા ગામે માત્ર જૂજ સંખ્યામાં આવેલા માહ્યાવંશી સમાજના લોકો સામે અસલામતી ઉભી થવા પામી છે. જેના કારણે લોકોની હિજરત કરવાનો વારો નહીં આવે તે માટે પૂરતા પગલાં ભરવા પણ માંગ કરવામાં આવી છે.

કોસંબા પોલીસમાં ચાર દિવસથી ફરિયાદ છતાં કાર્યવાહી નહીં

કોસંબા પોલીસમાં ચાર દિવસથી લેખિત ફરિયાદ આપી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હોવા છતાં કોસંબા પોલીસ કોઈક કારણસર હજી સુધી ફરિયાદ દાખલ કરતી નથી. જેથી આજે માંગરોળના મામલતદારને પણ એક આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવા માહ્યાવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી,

સામા પક્ષ દ્વારા પણ પોલીસમાં અરજી આપવામાં આવી

કંટવા ગામમાં માહ્યાવંશી સમાજના માત્ર ૧૫ ઘર છે અને ગામમાં રાજપુત સમાજની વધુ વસતી હોવાથી માહ્યાવંશી સમાજના લોકોને કનડગત કે ધીંગાણું થવાની પણ દહેશત રહેલી છે. જ્યારે સામા પક્ષ દ્વારા પણ પોલીસમાં અરજી આપી આ બનાવને ખોટી રીતે ઉપજાવી કાઢવાનો પ્રયાસ કરાયો હોવાની પોલીસમાં રજૂઆત કરાઇ છે.

કોસંબા પોલીસ સજાગ નહીં રહે તો કંટવામાં બખેડો થવાની દહેશત

કબરોમાંથી અસ્થિઓ બહાર આવી જતા આ બાબતે ફરિયાદ દાખલ કરવા પોલીસને જાણ કરવા છતાં પોલીસે પણ મૌન ધારણ કરતા માહ્યાવંશી સમાજમાં રોષ ફેલાયો છે. માહ્યાવંશી લોકોને સમાધાન માટે રાજકારણીઓએ પણ દબાણ કરતા કોસંબા પોલીસ સજાગ નહીં રહે તો બખેડો થવાની દહેશત સેવાઇ રહી છે. જો કોસંબા પોલીસ નિષ્ક્રિય જ રહેવાની હોય તો આ બાબતે સુરત જિલ્લા પોલીસ વડાએ દરમિયાનગીરી કરીને ઘટનાની યોગ્ય તપાસ કરાવી માહ્યાવંશી સમાજને ન્યાય આપી સ્થિતિ પર ચાંપતી નજર રાખવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top