Columns

કેદમાંથી આઝાદ

એક જેલમાં કેદીઓને સુધારવા અને તેમને આગળ સારું જીવન જીવી શકશે તેવી પ્રેરણા અને હિંમત આપવા એક સમાજસેવી સંસ્થાએ એક કાર્યક્રમ રાખ્યો હતો.કાર્યક્રમમાં ઘણી વિવિધતા હતી.કેદીઓને પોતાની આવડત દર્શાવવાનો ખાસ મોકો આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ ગેમ્સ હતી અને છેલ્લે એક એવા સ્પીકર ઊભા થયા, જેઓ પોતે સ્વતંત્રતા સંગ્રામમાં જેલની કેદ ભોગવી ચૂક્યા હતા. સ્પીકર બોલ્યા, ‘મારા ભાઇઓ, આજે તમે કોઈ ગુનાસર સજા હેઠળ જેલમાં છો.કેદમાં તમારા દિવસો વિતાવી રહ્યા છો.

પણ દોસ્તો, આખી જિંદગી તમારે આ સજાનો ભાર રાખી જીવવાની જરૂર નથી.તમે સજા ભોગવી લીધી, પછી તમે ફરીથી હિંમત એકઠી કરી સામાન્ય જીવન જીવી શકો છો.’ હજી સ્પીકર આટલું બોલ્યા ત્યાં એક કેદીએ મોટેથી કહ્યું, ‘સાહેબ બોલવું સહેલું છે, સમાજ અમને કયાં સામાન્ય પ્રવાહમાં જીવવા દે છે. એક વાર જેલમાં જઈને આવ્યા પછી ફરીથી સામાન્ય જીવન શક્ય નથી.સમાજ બહિષ્કાર જ કરે છે…મહેણાં ટોણાં ઘરના બધાને મારે છે…ગુનો નાનો હોય કે મોટો સમાજ બધાને એકસરખી સજા કરે છે.

કાં તો કોઈ ન ઓળખતું હોય તેવા સ્થળે જતા રહો …કાં આપઘાત કરી લો …કાં સમાજનો બહિષ્કાર સહન કરો, આ જ વિકલ્પ બચે છે.’ સ્પીકરે શાંતિથી કેદીની વાત સાંભળી અને કહ્યું, ‘હા ભાઈ, તારી વાત બિલકુલ સાચી છે.આપણો સમાજ આવું જ કરે છે,તેમાં પણ સુધારો લાવવાની જરૂર છે.પણ તમે હિંમત ન હારતા અને હું આજે સમાજ વિષે એક વાત કહું કે સમાજમાં રહેતાં બધાં લોકો તમારી જેમ એક કેદી જ છે ….!!!’

બધા સ્પીકરનું છેલ્લું વાક્ય સાંભળી ચોંકી ગયા.સ્પીકર આગળ બોલ્યા, ‘હા, ચોંકો નહિ, સાચી હકીકત જણાવું છું.સમાજમાં રહેતો દરેક જણ …નાનો માણસ કે મોટો માણસ એક કેદી જ છે!! બધા જ ત્રણ પ્રકારની જેલમાં બંધ છે.પહેલી જેલ છે ‘લોકો મારા વિષે શું વિચારશે …મારા માટે શું કહેશે?’બીજી જેલ છે ‘પોતાના ભૂતકાળમાં જ જીવવું ..ભૂતકાળથી છૂટવું જ નહિ.’અને ત્રીજી જેલ છે ‘પરિવર્તનથી દૂર ભાગવું. કોઈ પરિવર્તનનો સ્વીકાર કરવો નહિ…’આપણો આખો સમાજ આ ત્રણ જેલમાં બંધ છે એટલે કેદી જ છે.

તમે પણ અહીં કેદી છો અને બહાર નીકળી લોકો મારા માટે શું વિચારશે …મારો ભૂતકાળ મને છોડશે જ નહિ …જીવન મારું બદલાઈ જશે, આ વિચારોની કેદમાંથી છૂટતાં નથી.એટલે આગળનું જીવન અઘરું લાગે છે.પણ સમાજ જયારે બદલાવાનો હશે ત્યારે બદલાશે, તમે તમારા વિચારો બદલો …વિશ્વાસ ટકાવી હિંમતથી આગળ વધો તો તમારું જીવન સાચે બદલાઈ શકશે.આ વાત માત્ર આ જેલના કેદીઓ માટે નહિ પણ પોતાના વિચારોમાં જેલમાં રહેતા સમાજના દરેક જણ માટે છે કે પરિવર્તન અને બદલાવ તમારા વિચારોમાં લાવો…તો જીવન ચોક્કસ બધી કેદમાંથી આઝાદ થઈ બદલાઈ જશે.’બધાએ તાળીઓ સાથે સ્પીકરની વાત સ્વીકારી લીધી.

Most Popular

To Top