Columns

ફોર્ટિફાઇડ ચોખા આરોગ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે છે

સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પછી પણ આપણી સરકાર ગરીબી, ભૂખમરો અને અપોષણ જેવી પાયાની સમસ્યાઓ દૂર કરી શકી નથી. પ્રજાને બે ટંકનો પૌષ્ટિક આહાર, દૂધ, ઘી, ફળો અને શાકભાજી મળી શકે તેની વ્યવસ્થા કરવાને બદલે સરકારે ૨૦૨૪ ની સાલ સુધીમાં રેશનિંગમાં મળતાં બધા ચોખા ફોર્ટિફાઇડ કરવાની જાહેરાત કરી છે. કુદરતી ચોખામાં વિટામીન, ફોલિક એસિડ, લોહ વગેરે કેમિકલ્સ ઉમેરીને ફોર્ટિફાઇડ ચોખા તૈયાર કરવામાં આવે છે. આ ચોખા આરોગ્ય માટે ફાયદાકારક છે અને હાનિકારક નથી, તેના કોઈ પુરાવા મળતા નથી. વળી જે પ્રજાના આહારમાં આવા ચોખા ઉમેરવામાં આવશે તેમને કદાચ જાણ પણ નહીં હોય કે તેમને સંદેહાત્મક કેમિકલ્સ ખાવાની ફરજ પાડવામાં આવી રહી છે. આવા ચોખાનું ઉત્પાદન કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો નફો થશે. આ ચોખા રેશનમાં આપવામાં આવવાના હોવાથી ગરીબો તેનો વિરોધ પણ કરી શકશે નહીં.

કુદરત દ્વારા જે ચોખાનું સર્જન કરવામાં આવ્યું છે તે મનુષ્ય કરોડો વર્ષોથી ખાતો આવ્યો છે. આ ચોખા ખાવાને કારણે તેની તબિયત બગડી હોય તેવી વાત ક્યારેય સાંભળી નથી. જો ચોખાની સાથે કઠોળ અને લીલાં શાકભાજી ખાવામાં આવે તો તેમાંથી શરીરને જરૂરી તમામ પૌષ્ટિક પદાર્થો મળી રહે છે. તેને વિટામિન કે લોહની કોઈ દવા લેવાની જરૂર રહેતી નથી. કદાચ કોઈ મનુષ્યના શરીરમાં કોઈ પોષક પદાર્થની ઊણપ હોય તો તે ડોક્ટર પાસે જઈને સારવાર લઈ શકે છે, જેમાં તેને ડોક્ટર દ્વારા જરૂરી દવા આપવામાં આવે છે. પ્રજાના કોઈ વર્ગમાં કોઈ દ્રવ્યની ઊણપ હોય તેનો અર્થ જરાય એવો નથી થતો કે સમગ્ર પ્રજાને, તેની જાણ બહાર, ફરજિયાતપણે તેમના નિયમિત આહારમાં અમુક કેમિકલ્સ લેવાની ફરજ પાડવામાં આવે. પ્રજાને ફોર્ટિફાઇડ ચોખા પરાણે ખવડાવવા માટે સરકાર દ્વારા અપોષણના અને એનિમિયાના ગેરમાર્ગે દોરનારા આંકડાઓ આપવામાં આવે છે.

ફોર્ટિફાઇડ ચોખા કારખાનાંમાં તૈયાર કરવામાં આવે છે. તેમાં ચોખાના ટુકડાનો કે કણકીનો પહેલાં લોટ બનાવી કાઢવામાં આવે છે. પછી તેને પાણીમાં પલાળીને તેમાં વિટામિન-એ, વિટામીન બી-૧૨, લોહ, ફોલિક એસિડ વગેરે કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. આ લોટને પછી મશીનમાં પસાર કરીને તેના ચોખાના દાણા જેવા કૃત્રિમ દાણા તૈયાર કરવામાં આવે છે. થોડા સમય પહેલાં પ્લાસ્ટિકના ચોખાના નામે જે વીડિયો ફરતો કરવામાં આવ્યો હતો તે હકીકતમાં ફોર્ટિફાઇડ ચોખાનું મશીન હતું.

આ ચોખા સામાન્ય ચોખામાં ૧૦૦ કિલોદીઠ ૫૦૦ ગ્રામથી બે કિલોના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. જાણકારો કહે છે કે ભારતની પ્રજામાં અને ખાસ કરીને મહિલાઓમાં હેમોગ્લોબિન ઓછું હોય છે, તેવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિદેશી મહિલાઓ માટે હેમોગ્લોબિનનાં જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે, તેનો ઉપયોગ ભારતમાં કરી શકાય નહીં. વળી લોહીના સેમ્પલ લેવાની ખોટી રીતને કારણે પણ હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું દેખાય છે. જો આંગળી પર છેદ પાડીને લોહી લેવાને બદલે ધમનીમાંથી લોહી લેવામાં આવે તો તેમાં હેમોગ્લોબિન વધુ જણાય છે. વળી ચોખામાં લોહનાં કેમિકલ્સ ઉમેરી દેવાથી એનિમિયા જેવા રોગમાં ફાયદો થતો નથી. જ્યાં સુધી આ લોહનું રક્તમાં શોષણ નથી થતું ત્યાં સુધી હેમોગ્લોબિનનું પ્રમાણ વધતું નથી. બહારથી ચોખામાં લોહના ક્ષારો આપી દેવાથી તે પેશાબ વાટે નીકળી જાય છે અને કિડની પરનો બોજો વધી જાય છે.

ફોર્ટિફાઇડ ચોખાના પુરસ્કર્તાઓ કહે છે કે દરેક મનુષ્યે તેના આહારમાં દરરોજ ૨૫૦ થી ૩૫૦ ગ્રામ ફોર્ટિફાઇડ ચોખા લેવા જોઈએ, જેમાંથી તેના શરીરને આશરે ૧૦ મિલિગ્રામ જેટલું લોહ મળી રહેશે. જો દરેક મનુષ્ય આટલા ફોર્ટિફાઇડ ચોખા લેવા લાગે તો તેમાંથી તેને શારીરિક જરૂરિયાતનું ૯૦ ટકા સુધીનું લોહ તત્ત્વ મળી જશે. હવે તે મનુષ્ય બીજો ખોરાક પણ ખાતો હશે, જેમાંથી તેને દૈનિક જરૂરિયાતનું લોહ તત્ત્વ મળી જતું હોય છે. જો તેમ હોય તો ફોર્ટિફાઇડ ચોખામાં ઉમેરવામાં આવતું લોહ તત્ત્વ તેના શરીર માટે વધારાના બોજા સમાન બની રહેશે. કોઈ પણ વસ્તુનો અતિરેક ઝેરનું કામ કરે છે. જો શરીરમાં લોહ તત્ત્વ જરૂર કરતાં વધી જાય તો ડાયાબિટિસ, હાઇપરટેન્શન અને કોલેસ્ટરોલ જેવી બીમારીઓ થઈ શકે છે.

અત્યાર સુધી આ બીમારીઓ ગરીબોમાં જોવા મળતી નથી. ફોર્ટિફાઇડ ચોખા દાખલ કર્યા પછી ગરીબોમાં પણ તે બીમારીઓ વધી જશે તો સરવાળે ડોક્ટરોની અને દવા કંપનીઓની કમાણી જ વધશે. જો હોટેલ માલિકો પણ આ ફોર્ટિફાઇડ ચોખાનો ઉપયોગ કરવા લાગશે તો હોટેલનું ખાનારાઓ પણ માંદા પડશે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ રેશનમાં અપાતા ચોખાનું ફોર્ટિફિકેશન કરવાની યોજનાને કારણે દેશની તિજોરી પર વાર્ષિક ૨,૬૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે. આ રકમ ચોખાનું ફોર્ટિફિકેશન કરતી કંપનીઓની કમાણી બનશે.

આ રીતે ગરીબોને પોષણ આપવાને નામે હકીકતમાં સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી રહી છે. ચોખાના ફોર્ટિફિકેશનથી પ્રજાના પોષણનું પ્રમાણ સુધરશે, તેવા વૈજ્ઞાનિક પ્રયોગો આ કંપનીઓ જ કરાવી રહી છે. કોક્રેન-મેટા નામની સ્વતંત્ર સંસ્થા દ્વારા ફોર્ટિફાઇડ ચોખાના ૧૭ પ્રયોગો કરવામાં આવ્યા તો તેમાં પુરવાર થયું હતું કે ચોખામાં લોહના ક્ષારો ઉમેરવાથી એનિમિયાના કેસોમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.

સરકાર દ્વારા પ્રજામાં આયોડિનની ઊણપ છે, તેવી દલીલ સાથે દાયકાઓ પહેલાં મીઠામાં ફરજિયાત આયોડિન ઉમેરવાનો કાયદો કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ આયોડિન વગરનું મીઠું વેચવું તેને ગુનો ગણવામાં આવે છે. આ કાયદો થયા પછી લાખો અગરિયા બેકાર થઈ ગયા છે, કારણ કે તેઓ આયોડિન વગરનું મીઠું બજારમાં વેચી શકતા નથી. તેમણે પોતાનું મીઠું આયોડિનયુક્ત નમક બનાવતી ફેક્ટરીમાં જ વેચવું પડે છે, જેમાં તેમનો માલ સસ્તામાં ખરીદી લેવામાં આવે છે. આ કંપનીઓ મીઠામાં આયોડિન ભેળવી તેને ઊંચી કિંમતે વેચે છે.

પહેલાં જે મીઠું ૫૦ પૈસે કિલોગ્રામના ભાવે બજારમાં મળતું હતું તેના હવે ૨૦-૨૫ રૂપિયા થઈ ગયા છે. સરકાર હવે ધીમે ધીમે સાદા ચોખા વેચવા પર પ્રતિબંધ ફરમાવી દેશે તો કિસાનો પોતાની ફસલ ખુલ્લા બજારમાં વેચી પણ નહીં શકે. તેમણે પોતાના ચોખા ઉદ્યોગપતિઓને જ વેચવા પડશે. ભારતની આશરે ૫૦ ટકા પ્રજાનો મુખ્ય ખોરાક જ ચોખા છે. જો તેમને ફોર્ટિફાઇડ ચોખા ખાવાની ફરજ પાડવામાં આવશે તો કિસાનોની કમાણી ઝૂંટવાઈ જશે અને માલદાર ઉદ્યોગપતિઓને જલસા થઈ જશે.

લાન્સેટ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા તાજેતરના રિપોર્ટ મુજબ દવા બનાવતી કંપનીઓના પગારદાર કથિત વિજ્ઞાનીઓ દ્વારા વિટામીન-એની ઊણપને વધારીને રજૂ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે એનિમિયાની પણ વધુ પડતી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની પાછળનો આશય દવાઓ બનાવતી કંપનીઓનો નફો વધારવાનો છે. આજે ભારતની કોઈ પણ સગર્ભા મહિલા ડોક્ટર પાસે જાય ત્યારે તેને કહેવામાં આવે છે કે તેના શરીરમાં હેમોગ્લોબિન ઓછું હોવાથી તેણે લોહનાં ઇન્જેક્શનો લેવાં પડશે. આ ડોક્ટરો દવા કંપનીઓના એજન્ટો બની ગયા છે. હવે ભારત સરકાર ઉદ્યોગપતિઓના લાભાર્થે ફોર્ટિફાઇડ ચોખાનો પ્રચાર કરવા તૈયાર થઈ ગઈ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top