Surat Main

સુરતના ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને (Mahesh Savani) ગઈ મોડી રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની કાપોદ્રા ખાતે આવેલી પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીપી સવાણી હોસ્પિટલ ખાતે તેમના શુભેચ્છકો અને પરિવારના નજીકના લોકો પહોંચ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ મહેશ સવાણીની તબિયત સ્થિર છે.

  • છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ સોમવારે હોસ્પિટલમાં લઈ જવાયા હતા
  • સુગર હાઈ જણાતા તબીબે તપાસ કરતા હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થયું
  • મહેશ સવાણીની એન્જિયોપ્લાસ્ટી કરી આઈસીયુમાં ખસેડ્યા, તબિયત સ્થિર

ઉદ્યોગકાર, સમાજસેવક અને પૂર્વ રાજકારણી મહેશ સવાણીએ ગયા મહિને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજકારણને તિલાંજલિ આપ્યા બાદ ફરી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયા છે. મહેશ સવાણીએ પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવવાનું ખૂબ મોટું સેવાકીય કાર્ય કર્યું છે.
મહેશ સવાણીની તબિયત બગડતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ તેમના પિતા વલ્લભ સવાણી સહિતના પરિવારજનો હોસ્પિટલમાં છે. ડોક્ટરોની ટીમ દ્વારા સતત તેમનું મોનિટરીંગ કરાઈ રહ્યું છે.

પીપી સવાણી હોસ્પિટલના વિપુલ તળાવિયાએ કહ્યું કે, બે દિવસથી મહેશ સવાણીને તબિયત નબળી હતી. હાર્ટએટેક આવશે તેવા સંકેત પણ પહેલાંથી જ આવી ગયા હોય તેમ પત્નીને પણ કહી રાખ્યું હતું કે મને ગમે ત્યારે એટેક આવશે એવું લાગે છે. સોમવારે સવારે બ્લ્ડ ટેસ્ટ, સુગર વગેરે ચેક કરાવ્યું હતું. બપોરે સુગર હાઈ આવ્યા બાદ તેઓને પીપી સવાણી હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાયા હતા, જ્યાં કાર્ડિયોલોજિસ્ટે હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. તાત્કાલિક તેમને હોસ્પિટલના આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરાઈ હતી. એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top