Columns

લવાસા પ્રોજેક્ટમાં શરદ પવારનો ભ્રષ્ટાચાર કોર્ટમાં પુરવાર થઈ ગયો છે

મરાઠા નેતા શરદ પવાર એક પછી એક આફતોનો સામનો કરી રહ્યા છે. શરદ પવારના ગાઢ સાથી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ સાથે સાંઠગાંઠ રાખવાના કેસમાં ઇડીએ ધરપકડ કરી તેને કારણે શરદ પવારને જબરદસ્ત આંચકો લાગેલો છે.  ૧૯૯૦ ના દાયકામાં શરદ પવાર પર પણ દાઉદ ઇબ્રાહિમ સાથે સાંઠગાંઠ રાખવાના આક્ષેપો  થયા હતા, પણ નક્કર પુરાવાના અભાવે તેઓ બચી ગયા હતા. હવે જો નવાબ મલિકની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી વાતો બહાર આવે તો શરદ પવારની મુસીબતો વધી જશે. એક બાજુ નવાબ મલિકનું પ્રકરણ ગાજી રહ્યું છે તો બીજી બાજુ શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટ લવાસા પ્રાઇવેટ હિલ સ્ટેશન બાબતમાં બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો આવ્યો છે.  હાઈ કોર્ટે આ પ્રોજેક્ટમાં શરદ પવારની અને તેમની પુત્રી સુપ્રિયા સૂળેની સંડોવણી કબૂલ રાખી છે. હાઈ કોર્ટે શરદ પવારના ભત્રીજા અજીત પવારની ટીકા કરતાં કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના કૃષિપ્રધાન હતા અને લવાસા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા તે હકીકત તેમણે મહારાષ્ટ્રની જનતાથી છૂપાવી તેમની ફરજનો ભંગ કર્યો છે. લવાસા પ્રોજેક્ટમાં આટલી બધી ગરબડ હોવા છતાં બોમ્બે હાઈ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે.

બોમ્બે હાઈ કોર્ટના વિદ્વાન જજોના જણાવ્યા મુજબ લવાસા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. તેના માટે ટેન્ડરની પ્રક્રિયા પણ ગેરરીતિઓથી ભરેલી હતી. તેના માટે જંગલ ખાતાંની જમીન પણ ખોટી રીતે વાપરવામાં આવી હતી, પણ અરજદારો દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં એટલો વિલંબ કરવામાં આવ્યો હતો કે હવે તેના પર પ્રતિબંધ મૂકવાથી કોઈ અર્થ સરે તેમ નથી. બોમ્બે હાઈ કોર્ટના જણાવ્યા મુજબ આ યોજના ૧૯૯૬ માં ઘડવામાં આવી હતી, પણ કોર્ટમાં ફરિયાદ છેક ૨૦૧૧ માં કરવામાં આવી હતી. પુણે નજીક આકાર ધારણ કરી રહેલું લવાસા ભારતનું સર્વપ્રથમ ખાનગી માલિકીનું હિલ સ્ટેશન છે. આ પ્રોજેક્ટ હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની (એચસીસી) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ કંપનીના અધ્યક્ષ અજીત ગુલાબચંદ શરદ પવારના જૂના મિત્ર છે.

ખુદ શરદ પવારે કબૂલ કર્યું હતું કે તેમણે અજીત ગુલાબચંદને આ પ્રોજેક્ટ હાથમાં લેવાની પ્રેરણા કરી હતી. ઇ.સ.૨૦૦૪ માં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળે અને તેના પતિ સદાનંદ સૂળે તેમાં ૨૦ ટકાની ભાગીદારી ધરાવતા હતા. ઇ.સ.૨૦૦૬ માં તેમણે પોતાના શેરો વેચી દીધા હતા. લવાસાના પ્રમોટરો દ્વારા અખબારોને કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને અને પત્રકારોને મફતિયા પ્રવાસો કરાવીને તેમનું મોઢું બંધ રાખવામાં આવતું હતું. આ પ્રોજેક્ટની મુલાકાતે જઇ આવેલા બધા પત્રકારોને બરાબર ખબર હતી કે આ પ્રોજેક્ટ ઉપર શરદ પવારના ચાર હાથ છે. અજીત ગુલાબચંદની કંપની એચસીસી ખાનગી હિલ સ્ટેશન બાંધી શકે એ માટે જ ઇ.સ.૨૦૦૧ માં મહારાષ્ટ્ર સરકારે નવી નીતિ ઘડીને લવાસા હિલ સિટી પ્રોજેક્ટ માટે રસ્તો મોકળો કરી આપ્યો હતો. ત્યાર પછી ૧૧ વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ ખાનગી હિલ સ્ટેશનને પરવાનગી આપવામાં આવી નથી. આશરે ૨,૦૦૦ હેક્ટર જમીન ઉપર પથરાયેલા લવાસા પ્રોજેક્ટની ૧૪૧ હેક્ટર જમીન મહારાષ્ટ્ર ક્રિશ્ના વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશનની માલિકીની હતી.

આ કોર્પોરેશને શરદ પવારના ઇશારે આ જમીન પાણીના ભાવે લવાસા કોર્પોરેશનને લીઝ ઉપર આપી દીધી ત્યારે શરદ પવારના ભત્રીજા અજીત પવાર મહારાષ્ટ્રના સિંચાઇ ખાતાના પ્રધાન હતા. આ જમીન વરસગાંવ ડેમના બેકવોટર્સમાં આવેલી હતી. કોઇ પણ જાતના ટેન્ડરો બહાર પાડ્યા વિના કે સ્પર્ધાની કોઇ તક વિના આ જમીન લવાસા કોર્પોરેશનને સોંપી દેવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે જેમાં એક લાખ લોકો વસવાટ કરવાના છે, જેમાં ડુંગરાઓ અને જંગલો પણ છે, તે જમીન ઉપર આટલો મોટો પ્રોજેક્ટ ઊભો કરવા માટે કેન્દ્રના પર્યાવરણ ખાતાની પરવાનગી પણ લેવામાં આવી નહોતી. આ કારણે જ જ્યારે જયરામ રમેશ કેન્દ્રના વન અને પર્યાવરણ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું હતું.

ઇ.સ.૨૦૧૨ ના એપ્રિલ મહિનામાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે લવાસા હિલ સિટી પ્રોજેક્ટ બાબતમાં જે હેવાલ તૈયાર કર્યો તેમાં ખાનગી કંપનીની ગેરકાયદે તરફેણ કરવા બદલ મહારાષ્ટ્ર સરકારની સખત ટીકા કરવામાં આવી હતી. આ હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લવાસા હિલ સિટીને કોઇ પણ જાતનો વિચાર કર્યા વિના ‘સ્પેશ્યલ પ્લાનિંગ ઓથોરિટી’નો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો. તેમાં જે બાંધકામો કરવામાં આવ્યાં તેમાં મહારાષ્ટ્ર રિજીયનલ ટાઉન પ્લાનિંગ એકટનો અને ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. સરકારે આ બધી ગેરરીતિઓ ચલાવી લીધી હતી, કારણ કે આ પ્રોજેક્ટ ઉપર શરદ પવારના ચાર હાથ હતા.

લવાસા હિલ સ્ટેશનના પ્રોજેક્ટને સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગી રદ કરવાની માગણી સાથે બોમ્બે હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરનારા વકીલ નાનાસાહેબ જાધવની ત્રણ મુખ્ય માગણીઓ હતી. એક, સરકાર દ્વારા ૧૯૯૬ માં કાયદામાં કરવામાં આવેલા ફેરફારો અનૈતિક હતા. બે, આ ફેરફારો સમગ્ર મહારાષ્ટ્રના કિસાનોનાં હિતો પર તરાપ મારવા સમાન હતા. ત્રણ, લવાસા પ્રાઇવેટ હિલ સ્ટેશનનો વિકાસ કરવામાં બીજા ઘણા કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો હતો. કાગળ પર આ યોજનાનો હેતુ મહારાષ્ટ્રમાં પર્યટનના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો હતો, પણ વાસ્તવિકતામાં તે રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ બની ગયો હતો. મુંબઈના અનેક રાજકારણીઓ, ફિલ્મસ્ટારો અને ક્રિકેટરો દ્વારા તેમાં માતબર રોકાણ કરવામાં આવ્યું હતું. આ યોજના માટે કિસાનોની જમીન પાણીના ભાવે ખરીદીને ઉદ્યોગપતિઓને ઊંચી કિંમતે વેચવામાં આવી હતી. લવાસાનો પ્રોજેક્ટ સ્વતંત્ર ભારતનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. આ કૌભાંડમાં કોંગ્રેસના તેમ જ એનસીપીના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. શરદ પવારે જાહેરમાં કબૂલ કર્યું છે કે આ પ્રોજેક્ટના માલિક અજીત ગુલાબચંદ તેમના મિત્ર છે અને તેમણે જ તેમને આ પ્રોજેક્ટ માટે પ્રેરણા આપી હતી.

ઇ.સ.૨૦૦૭ માં જ્યારે કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ એનસીપીના બે નેતાઓ સાથે લવાસાની મુલાકાતે ગયા હતા. તેમની સાથે મંત્રાલયના અધિકારીઓનો કાફલો હતો. મુખ્ય પ્રધાને સ્થળ ઉપર જ લવાસાને લગતા કાગળો ઉપર સહી કરીને તેને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ ખૂબ આગળ વધી ગયો ત્યારે ખ્યાલમાં આવ્યું કે આટલા મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ ખાતાની પરવાનગી જ લેવામાં આવી નથી. કેન્દ્રના તત્કાલીન પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે આ પ્રોજેક્ટનું કામ અટકાવી દેવાનો આદેશ કર્યો હતો અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે તેનો અમલ કર્યો માટે તેઓ પણ શરદ પવારના અળખામણા બની ગયા હતા. કેન્દ્રનાં પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવા માટે શરદ પવારે જે કારણો આગળ કર્યાં તેમાંનું એક કારણ લવાસા પ્રોજેક્ટનું સરકાર દ્વારા અટકાવી દેવામાં આવેલું બાંધકામ પણ હતું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top