Dakshin Gujarat Main

પાર-તાપી-નર્મદા ડેમના વિરોધમાં ધરમપુરના 20 હજાર લોકોએ રસ્તા પર ઉતરી સરકારને આપી ચીમકી

ધરમપુર: (Dharampur) પાર-તાપી-નર્મદા લિંક (Par tapi narmada link) જોડાણ યોજના (Project) હેઠળ પૈખડ (Pakhed) ગામે બનનારા સુચિત ડેમના (Dam) વિરોધમાં સોમવારે સવારે ધરમપુરના આસુરા બિરસા મુંડા સર્કલ ખાતેથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા સેલવાસના અભિનવ ડેલકરની આગેવાનીમાં વિશાળ રેલી (Rally) નીકળી ધરમપુરના વાલોડ ફળીયા, મુસલમાન ફળીયા, એસટી ડેપો થઈ મ્યુઝિયમ ત્રણ રસ્તા પાસે પહોંચી હતી. જ્યાં બાબા સાહેબ આંબેડકરને ફૂલ હાર તોરા કર્યા બાદ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં 25 હજારની વિશાળ જનમેદની વચ્ચે આદિવાસી નેતા વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, સેલવાસના અભિનવ ડેલકર, તા.પંચાયત સભ્ય કલ્પેશ પટેલ તથા આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ સહિત બીટીએસ આદિવાસી સંઞઠનોની ઉપસ્થિતિમાં પ્રાંત કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં ડેમના કારણે હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થશે, લોકોને હાલાકી ભોઞવી પડશે આમ પૈખડ ગામે ડેમ બને તો 5000થી વધુ લોકો વિસથાપિત બનશે જેથી ડેમ ન બને એ માટે સરકારમાં રજૂઆત કરી હતી. અને જો ડેમ બનશે તો આવનારા દિવસો માં આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

રેલી નીકળે એ પહેલાં ધરમપુર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
પાર તાપી નર્મદા લિકં યોજના હેઠળ પૈખડ ગામે બનનારા ડેમ વિરોધમાં 28મી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ધરમપુરને ધેરાવો કરવાની ચીમકી આપી હતી. આજરોજ રેલીના દિવસે સવાર થી જ ધરમપુરના વાંસદા રોડ ઉપર આસુરા સંર્કલ નજીક પોલીસેનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વાંસદા ધરમપુર તરફ આવતા વાહનોની પોલીસ દ્વારા રેલીમાં આવતાં અટકાવાયા હતા. ધરમપુર એલસીબી પીઆઇ તથા ડીવાયએસપી એમ.એમ.ચાવડા, પીએસ આઇ તથા એસઆરપી પોલીસનો કાફલો ખડકી દેવાયે હતો.આમ સમગ્ર ધરમપુર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ જવા પામ્યુ હતું.

રામનામ સત્ય હૈંના સૂત્રોચ્ચાર કર્યા
પાર-તાપી-નર્મદા લિંક યોજના હેઠળ બનનારા પૈખડ ગામે ડેમનું 20,000 હજાર વિસ્થાપિત લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કેટલાક આદિવાસી સમાજના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશના નાણામંત્રી સીતા રમન તથા મંત્રી નરેશ પટેલની અર્થી કાઢવામાં આવી હતી, અને રામ રામ સત્ય હૈ, ના સુત્રો પોકારવામાં આવ્યા હતાં.

અમે બીકાઉ આદિવાસી નેતા નથી, ચટણી રોટલી ખાઇ જીવીશું પરંતુ હમેશાં આદિવાસી સમાજ સાથે રહીશું : અનંત પટેલ
પાર-તાપી રિવર લિંક પ્રોજેકટ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ડેમ નહિ બનશે તેમ જણાવ્યું હોવા છતાં પણ ધરમપુર ખાતે યોજાયેલી ડેમ વિરોધી રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વાંસદા ધારાસભ્ય અંનત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે બિકાઉ આદિવાસી આગેવાન નથી, ચટણી રોટલી ખાઈ જીવીશું, હમેશાં આદિવાસી સમાજ સાથે રહીશું.

આદિવાસી સમાજની સમસ્યા દૂર કરવા ડેલકર પરિવાર હંમેશા સાથે રહેશે
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સાંસદ કલાવતીબેન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યું કે, જ્યાં જ્યાં આદિવાસી સમાજને સમસ્યા નડશે, તકલીફ પડશે ડેલકર પરિવાર, આદિવાસી સંગઠન તમારી સાથે રહેશે. આ પ્રથમ લડાઈમાં અમે સાથે છે, નવો આયામ માટે અમે હમેશા સાથે રહીશું. આ પ્રસંગે તા.પં.ના અપક્ષ સભ્ય આદિવસી આગેવાન કલ્પેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ આગેવાનોને પોલીસે ડિટેઈન કર્યા
રેલી અગાઉ પોલીસે કપરાડા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ, એનએસયુઆઇ પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખને ડિટેઇન કરી કપરાડા પોલીસ મથકે બેસાડી રાખ્યા હતા.

રેલીમાં ધરમપુરના આદિવાસી નેતાઓની ગેરહાજરી
રેલીનું આયોજન સૂચિત નિર્માણ થનારા ડેમનો વિરોધ માટે કરાયું હતું. જોકે તેમાં ધરમપુરના આદિવાસી નેતાઓની ગેરહાજરીની વ્યાપક ચર્ચા જોવા મળી હતી. માજી સાંસદ કિશન પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વર પટેલ, ધરમપુર તા.પં. ના માજી પ્રમુખ અને જિલ્લા પંચાયત વલસાડના સભ્ય રમેશ પાડવીનો સમાવેશ થાય છે.

Most Popular

To Top