Dakshin Gujarat

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભરૂચના વાલીયામાંથી આટલા મોટા પ્રમાણમાં ચોરીનું ચંદન પકડાયું!

ભરૂચ(Bhaurch) : વાલીયાના (Valiya) રૂંધા ગામે ચંદન તસ્કર (Sandalwood smuggler) દંપતીના બંધ ઘરમાંથી ચંદનનાં પાઉડર, ચિપ્સ સહિત 11 વસ્તુઓ મળીને અંદાજે રૂ. 35.10 લાખનો મુદ્દામાલ પકડાયો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં ચંદનનો જથ્થો ઝડપાયો છે.

નવાઈની વાત તો એ છે કે ઘરમાં જ દંપતી ચંદનની તસ્કરી કરતું હોવા છતાં પાડોશીઓને ગંધ સુદ્ધા આવી નહોતી. ચંદન તસ્કર દંપતી ખૂબ જ ભેદી રીતે આ વેપલો ચલાવી રહ્યાં હતાં. વન વિભાગ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ એસઓજી પોલીસે સંકલન કરીને દંપતીના ચંદન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

  • રૂંધા ગામે ચંદન તસ્કરના દંપતીના ઘરેથી રૂ. 35.10 લાખનો ચંદનની વસ્તુઓ સહીત અન્ય મુદ્દામાલ ઝડપાયો
  • માસ્તર માઈન્ડ વિમલ મહેતા પાડોશીઓને પણ ખબર પડે નહીં તેમ બંધ મકાનમાં ચંદનનો જથ્થો સંતાડતો

મૂળ કામરેજના વતની વિમલ શાંતિલાલ મહેતા તેમની ધર્મપત્ની શાંતીબેન મહેતા સાથે સાસરામાં વાલિયા તાલુકાના રૂંધા ગામે પાકું મકાન બનાવીને રહેતો હતો. અગાઉ વિમલ મહેતા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. રૂંધા ગામે મકાન બંધ રાખી ચંદનની તસ્કરીનો ધંધો કરતો હતો, તેથી પાડોશીઓને ગંધ આવી નહોતી.

દરમિયાન 15 દિવસ પહેલા નેત્રંગના હાથકુંડી મંદિરે તેમજ જામુની ખેતરમાં ચંદન ચોરીના બનાવ બહાર આવ્યા હતા. તેથી વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને પોલીસ સાથે વ્યુહાત્મક રીતે ચંદનના તસ્કરોની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને એવી બાતમી મળી કે રૂંધા ગામે ચોરીના ચંદનના લાકડા પડ્યા છે. બાતમીના આધારે ભરૂચ ડીએફઓ રઘુવીરસિંહ જાડેજા, નેત્રંગ વન વિભાગના આરએફઓ એસ.યુ. ઘાંચી સહીતના સ્ટાફે શુક્રવારે તા. 18 ઓગસ્ટની સાંજે રૂંધા ગામે વિમલ મહેતાના ઘરમાં રેડ પાડી હતી. તેમજ કામરેજ દિપ-પાર્ક સોસાયટી, A-વિંગના ચોથા માળના રૂમ નં-404માં પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા મુદ્દામાલને નેત્રંગ ડેપોમાં જમા કરાવ્યું હતું.

ચંદન તસ્કર દંપતીના ઘરમાંથી ચંદન ગોળ આખા નંગ-45 (૦.૫૯૬ ઘ.મી), ચંદનના ટુકડા ચિપ્સ ૧૪૭૮ કિ.ગ્રા,ચંદનનો પાઉડર-૨૮૨ કિ.ગ્રા,ચંદનનો છોલ-૧૧૯ કિ.ગ્રા, ગુદામણીના મૂળ-૧૮૨૫ કિ.ગ્રા,અર્જુન સાદડની છાલ-૬૦ કિ.ગ્રા,બીયો છાલ-૪૫ કિ.ગ્રા,ખપાટ જડીબુટ્ટી-૭૨ કિ.ગ્રા,એકટીવા સ્કુટર ૧ નંગ અને ઘંટી-૧ નંગ મળીને કુલ રૂ.૩૫,૧૦,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજપારડીના રાઉન્ડ ફોરેસ્ટર સિકંદર માંકડએ તેની સામે વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ FOR DAદાખલ કરીને ગુન્હાકામે રૂ.૩ લાખની ડીપોઝીટ વસુલ કરી હતી.

છેલ્લા બાર વર્ષથી ચંદનના ગોરખધંધામાં સંકળાયેલા વિમલ મહેતાની મોડાસ ઓપરેન્ડી એ હતી કે આજુબાજના ગામો સહીત છેક છોટાઉદેપુરથી ડાંગ સુધીના ખેડૂતો વિમલ મહેતાના સંપર્કમાં હતા. ખેડૂતો પાસે ઓછા ભાવે ખરીદીને સંગ્રહ કરતો હતો. જ્યાં ચંદન ચોરો સાથે વિમલ મહેતા સંપર્કમાં રહેતો હતો. ચંદન ચોરીનો માલ ખરીદી કરીને ડિમાન્ડ અનુસાર ગોળ, ટુકડી, ચિપ્સ, પાઉડર સહીત વિવિધ સ્વરપે તૈયાર કરવામાં માટે મશીનરીનો ઉપયોગ કરતો.

Most Popular

To Top