Dakshin Gujarat

રાજપીપળામાં માતા-પિતાની નજર સામે 8 વર્ષની બાળકી નદીમાં તણાઈ ગઈ

રાજપીપળા: (RajPipla) નર્મદા (Narmada) જિલ્લાના જંગલ (Forest) વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ (Heavy Rain Fall) પડ્યો હતો. પ્રથમ વરસાદમાં જ કણજી ગામ પાસે દેવ નદી પરના કોઝવે (Causeway) પરથી પાણી વહેતું થયું હતું. રાત્રે માતા-પિતા સાથે પસાર થતી એક 8 વર્ષીય આદિવાસી (Tribal) બાળકી માતા પિતાની નજર સામે જ પાણીમાં તણાઈ ગઈ હતી, જેનો 24 કલાક થવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.

ડેડીયાપાડાના પૂર્વ પટ્ટીના અંતરિયાળ વિસ્તારોમાં શનિવારે જંગલ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જે દરમ્યાન વાંદરી ગામના વસાવા જીગ્નેશભાઈ મીરાભાઈ પોતાની પુત્રી મમતાબેન (ઉં. વર્ષ 8) તથા પત્ની શીલાબેન સાથે વાંદરી ગામે પરત જઈ રહ્યા હતા, તે દરમિયાન કણજી ગામ પાસે દેવ નદીના કોઝવે પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યે પસાર થતા હતા, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક વધારે પાણીનો પ્રવાહ આવતા તેમની પુત્રી મમતાબેન વસાવા નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ડેડીયાપાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગ્રામજનો અને તંત્ર દ્વારા બાળકીની શોધખોળ ચાલી રહી છે.

કુકરમુંડામાં ગાજવીજ સાથે વરસાદથી ૪૮ કાચા-પાકા મકાનને નુકસાન
વ્યારા: તાપી જિલ્લામાં રવિવારે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વ્યારા સહિત સમગ્ર જિલ્લામાં ઝરમરિયો વરસાદ પડ્યો હતો. ડીઝાસ્ટરમાં સોનગઢ તાલુકામાં માત્ર ૨ એમએમ જ્યારે ડોલવણ તાલુકામાં ૫ એમએમ વરસાદ નોંધાયો હતો.

નિઝર- કુકરમુંડા તાલુકામાં શનિવારે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. કુકરમુંડા તાલુકાનાં ૭ જેટલાં ગામોમાં આશરે ૪૮ જેટલા કાચા-પાકા મકાનને ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. મેણપુર ગ્રામ પંચાયત કેવડામોઇ રાજપુર, તુસશા ગ્રામ પંચાયત રાજપુરમાં કાચાં ઘરોમાં પતરાના શેડ પર ઝાડ પડી જતાં ઘરવખરીને નુકસાની, ભીંત તુટી પડવાનો બનાવ ઉપરાંત અનેક ઘરોમાં પતરાઓ અને થાંભલાઓ તુટવાની ઘટનાં પ્રકાશમાં આવી છે. જોકે આ મામલે તાપી જિલ્લામાં સક્રિય ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં નાયબ મામલતદાર કે.કે.ગામીતનો સંપર્ક કરતાં તેમણે ૧૭ જેટલાં ઘરોને નુકસાનીનો રિપોર્ટ મળ્યાંનું જણાવ્યું હતું. જ્યારે કુકરમુંડા ડીઝાસ્ટરની જવાબદારી સંભાળતા નાયબ મામલતદાર રવિન્દ્ર ચૌધરીનો મોબાઈલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓએ ફોન રીસિવ કર્યો નહોતો.

Most Popular

To Top