Gujarat

અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનઃ જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ ચાલશે ત્યાં સુધી વિરોધ નોંધાવશું

અમદાવાદ: કોંગ્રેસના(Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હાલમાં રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી કોંગ્રેસ વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યું છે. ગુજરાતના અમદાવાદ ખાતે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કોંગ્રેસે ધરણાં કાર્યક્રમ શરૂ કર્યો છે. ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરી વાનમાં બેસાડી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ ગેટની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.  

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ED સમક્ષ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધી સમક્ષ સમન્સ જાહેર કર્યું હતું. હાલ રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા GMDC હોલથી ED ઓફિસ સુધી કોંગ્રેસની રેલી કાઢી છે. મંજૂરી વગર કોંગ્રેસ કાર્યાલયથી ED ઓફિસ સુધી રેલી કાઢતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ હુરિયો બોલાવી રહ્યા છે, તો કેટલાંક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાર્યકર્તાઓ દ્વારા ED સમક્ષ વિરોધ નોંધવામા આવી રહ્યો છે. દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલું રહેશે. ભલે પછી રાહુલ ગાંધીની પૂછપરછ એક દિવસ થાય કે પછી એક મહિનો થાય, પણ જ્યાં સુધી ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે ત્યાં સુધી કોંગ્રેસ પોતાનો વિરોધ નોંધાવશે.

કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન
અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન અસહ્ય ગરમીના કારણે વીરજી ઠુમ્મર બેભાન થઈ મહિલા આગેવાનના ખોળામાં ઢળી પડ્યા હતા. ડિહાઇડ્રેશનના કારણે 63 વર્ષીય વીરજી ઠુમ્મર બેભાન થઈ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. EDના સમન્સ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ ડરાવવાની કે ધમકાવાની અને જેલમાં મોકલવાની વાતો કરશે તો એનો મક્કમ પણે મુકાબલો કરીશું. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર આપ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે વિપક્ષમાં બેઠા છીએ પ્રજાનો અવાજ બનીશું, એટલું જ નહીં બોલવાની અને લડવાની જવાબદારી પણ અમારી છે. તે અવાજને જ્યારે જ્યારે ભાજપ દબાવશે ત્યારે જંગે એલાન કોંગ્રેસ કરશે અને લડશે. આ સિવાય વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ‘ભાજપ સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે.’

આ ઉપરાંત પરેશ ધાનાણીએ કહ્યું કે દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નંખાઈ રહ્યો છે. સરકારની જોરહકમી સામે કોંગ્રેસ લડશે. આ સિવાય પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, રજની પટેલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને થિરુનાવુક્કારાસર સુને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.

આ ક્યાં સુધી ચાલશેઃ અશોક ગેહલોત
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થવા પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે કયો આરોપ લગાવવામાં આવ્યો છે? આ આરોપ રાજકીય રીતે પણ ઘેરાયેલો છે. દેશભરમાં EDના દરોડા પડી રહ્યા છે. આ ક્યાં સુધી ચાલશે?

રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધી માટે લખી ભાવુક પોસ્ટ
રાહુલ ED સમક્ષ હાજર થયો તે પહેલા તેના સાળા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાએ એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે તમે નિઃશંકપણે તમામ પાયાવિહોણા આરોપોમાંથી મુક્ત થઈ જશો. મેં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે 15 વખત સમન્સનો સામનો કર્યો છે, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે અને મારી પ્રથમ કમાણીથી અત્યાર સુધીમાં 23,000 થી વધુ દસ્તાવેજો આપ્યા છે. તેણે આગળ લખ્યું કે હું માનું છું કે, “સત્યનો વિજય થશે”, અને પ્રવર્તમાન પ્રણાલીના આ જુલમ તેઓ ઇચ્છે તેવી અસર નહીં કરે. આ સરકાર દમનની આ પદ્ધતિઓથી દેશના લોકોને દબાવશે નહીં, તે આપણને બધાને મજબૂત માનવી બનાવશે. અમે સત્ય માટે લડવા માટે દરરોજ અહીં છીએ અને દેશની જનતા અમારી સાથે છે.

Most Popular

To Top