Charotar

પેટલાદમાં સસ્તામાં ડોલર આપવાનું કહી 2.50 લાખની છેતરપિંડી આચરી

પ્લાસ્ટીકની કોથળીમાં 100 ડોલરની 100 નોટનું બેડલ હોવાનું કહી રોકડ લઇ ભાગી ગયાં .

પેટલાદના વડદલા ગામમાં સુરતના વેપારી સાથે રૂ.અઢી લાખની છેતરપિંડી થઇ હતી. આ વેપારીને સસ્તામાં ડોલર આપવાનું કહી સુરતથી વડદલા બોલાવી તેમને પ્લાસ્ટીકની કોથળીમાં ડોલર હોવાનું જણાવી રોકડા અઢી લાખ લઇ ગઠિયા ભાગી ગયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા દિનેશચંદ્ર હિરાલાલ રાણા મકાન લે – વેચ, બાંધકામનો વ્યવસાય કરે છે. દિનેશચંદ્રને 2023ના એપ્રિલ મહિનામાં ઘરે હાજર હતાં તે સમયે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. આ શખ્સે હું કપડવંજ મુકામે રહું છું અને કપડવંજમાં 85 વિઘા જમીન આવેલી છે. મારે સુરત મુકામે મકાન ખરીદવું છે. પરંતુ મારી પાસે રોકડા રૂપિયા નથી. પરંતુ અમેરિકન ડોલર છે. જેને ભારતીય રૂપિયાના ચલણ જે હાલ ભાવ ચાલે છે, તેના કરતા ઓછા ભાવે આપી દેવાના છે. જેથી તમારે જોઇતા હોય તો મારી પાસેથી રૂપિયા આપીને ડોલરની કરન્સી લઇ લેજો. દિનેશચંદ્રને આ વાત ગળે ઉતરતાં તેઓએ હા પાડી હતી. બાદમાં નિયમિત રીતે વાતચીત થતી હતી. આશરે એકાદ મહિના પછી ગઠિયાએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારે ડોલર જોવા હોય તો આણંદ આવી જાવ. જેથી દિનેશચંદ્ર તેમના પત્ની સાથે આણંદ આવ્યાં હતાં. તેઓ એક વ્યક્તિને મળ્યાં હતાં. જેનું નામ મેહુલ આપ્યું હતું. તેઓએ 100 ડોલરની એક નોટ બતાવી હતી. બાદમાં બે – ત્રણ દિવસ પછી ફરી ફોન આવ્યો હતો અને એક ડોલરના રૂ.28નો ભાવ નક્કી કર્યો હતો. જોકે, દિનેશચંદ્રએ રૂપિયાની સગવડ થશે ત્યારે જણાવીશ, તેમ કહ્યું હતું.

બાદમાં બન્ને નંબર પરથી વારંવાર ફોન આવતો હતો અને લાલચ આપતો હતો. આખરે વાતમાં આવી ગયેલાં દિનેશચંદ્ર તેમના જમાઇ અને પત્ની સાથે 6ઠ્ઠી ઓગષ્ટ,23ના રોજ તારાપુર આવ્યાં હતાં. ગઠિયાને ફોન કરતાં તેણે પ્રથમ ધર્મજ બાદમાં તારાપુરથી મણીલક્ષ્મી મંદિર બોલાવ્યાં હતાં. બાદમાં ફરી વડદલા પાટીયા સર્વિસ રોડ પર આવેલા જ્યાં મેહુલ ઉભો હતો. જોકે, તેણે પોતાનો મોબાઇલ નંબર આપ્યો નહતો. આ સમયે મેહુલે કાળા કલરની પ્લાસ્ટીકની કોથળી આપી હતી અને કહ્યું હતું કે આમા 100 ડોલરની 100 નોટનું બંડલ છે. તેમ કહી પ્લાસ્ટિકની કોથળી આપી હતી. તેના ઉપર બે – ત્રણ ગાંઠ મારી હતી. જેથી દિનેશચંદ્રએ તેની પાસેના રૂ.અઢી લાખ રોકડા તેના હાથમાં આપ્યાં હતાં. તેને ગણી લેવા જણાવતાં તેણે કહ્યું હતું કે, હું અંદર ખેતરમાં બેસીને ગણ લવ છું. તેમ કહી ખેતરમાં જતો રહ્યો હતો. જ્યારે દિનેશચંદ્રએ પ્લાસ્ટીકની કોથળી ખોલી જોતા તેમાં માત્ર એક ડોલરનું 100 નોટોનું બંડલ હતું. જોકે, તેઓ મેહુલને શોધે તે પહેલા તે ક્યાંક જતો રહ્યો હતો. જ્યારે મોબાઇલ નંબર પણ સ્વીચ ઓફ આવતાં હતાં. આખરે આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top