National

પહેલા ચરણમાં 21 રાજ્યોમાં 63 ટકા જેટલું મતદાન: બંગાળમાં સૌથી વધુ 77 ટકા, બિહારમાં સૌથી ઓછું વોટિંગ

લોકસભા ચૂંટણી 2024ના (Loksabha Election 2024) પ્રથમ તબક્કા માટે શુક્રવારે સાંજે 6 વાગે મતદાન (Voting) પુરું થયું છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો માટે મતદાન થયુ છે. પશ્ચિમ બંગાળની જલપાઈગુડી સીટ પર સૌથી વધુ 79.33% મતદાન થયું હતું. જ્યારે બિહારના નવાદામાં સૌથી ઓછું 40.2% મતદાન થયું હતું. 21 રાજ્યોની 102 લોકસભા સીટ પર લગભગ 63 ટકા જેટલું મતદાન થયું હતું.

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થયું છે તેમાં તમિલનાડુની (Tamilnadu) તમામ 39, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્યપ્રદેશની છ, ઉત્તરાખંડની તમામ પાંચ, મહારાષ્ટ્રની પાંચ, આસામ અને બિહારની ચાર-ચાર બેઠકોનો સમાવેશ થાય છે. બંગાળની ત્રણ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશની બે-બે અને છત્તીસગઢ, મિઝોરમ અને ત્રિપુરાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

18મી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. દિવસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ મતદાનને વેગ મળ્યો. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ આજે મતદાન થયું છે. આ સાથે 16 કરોડ 63 લાખથી વધુ મતદારોએ પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે 1,625 ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓએ પ્રથમ વખત મતદાન કર્યું. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા હતા.

મતદાન શરૂ થયા બાદ પશ્ચિમ બંગાળ, ત્રિપુરાથી લઈને મેઘાલય સુધી મતદાન જોવા મળ્યું હતું. જ્યારે યુપી-બિહાર અને મધ્યપ્રદેશમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 4, યુપીની 8 અને બિહારની 4 બેઠકો પર મતદાન થયું છે. આ સિવાય તમિલનાડુ (39) અને ઉત્તરાખંડ (5 સીટો)ની તમામ સીટો પર મતદાન થઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે બમ્પર વોટિંગથી કોને ફાયદો થશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ મતદાન પહેલા બધાને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે હિન્દી, તમિલ, મરાઠી સહિત 5 ભાષાઓમાં ટ્વિટ કર્યું હતું.

સાંજે 5 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?
આંદામાન-નિકોબાર – 56.87
અરુણાચલ પ્રદેશ – 63.03
આસામ-70.77
બિહાર – 46.32
છત્તીસગઢ – 63.41
જમ્મુ કાશ્મીર – 65.08
લક્ષદ્વીવ – 59.02
મધ્યપ્રદેશ – 63.25
મહારાષ્ટ્ર – 54.85
મણિપુર- 67.46
મેઘાલય – 69.91
મિઝોરમ – 52.62
નાગાલેન્ડ – 55.72
પુડુચેરી – 72.84
રાજસ્થાન-50.27
સિક્કિમ – 67.58
તમિલનાડુ – 62.02
ત્રિપુરા – 76.10
ઉત્તર પ્રદેશ – 57.54
ઉત્તરાખંડ – 53.56
પશ્ચિમ બંગાળ – 77.57

વોટર ટર્નઆઉટ એપ અનુસાર સાંજે 5 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન બંગાળમાં 77.57% હતું. બિહારમાં સૌથી ઓછું 46.32% મતદાન થયું હતું. 21 રાજ્યોમાં સરેરાશ 62.8% મતદાન થયું છે. વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક સૈનિક ઘાયલ થયા છે.

Most Popular

To Top