SURAT

ઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં 12 દિવસ પહેલાં નોકરીએ લાગેલો કર્મચારી બે મિનીટમાં ખેલ કરી ગયો

સુરત : (Surat) ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જ્વેલર્સમાં (Kalamandir Jewelers) 1 માર્ચે ઓપરેટરની ભરતી કરાઈ હતી. મુળ કલકત્તાના સાયનસેન નામના વ્યક્તિને ઓપરેટર તરીકે ભરતી કરાતા તે ગઈકાલે 13.17 લાખના દાગીનાની (Jewelry ) ચોરી (Theft) કરી નાસી ગયો હતો. સીસીટીવીમાં (CCTV) ચેક કરતા બે મિનિટમાં ટેગ (Tag) કરવા આપેલા દાગીના લઈને જતો નજરે પડતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી.

  • ઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં 12 દિવસ પહેલા કામે લાગેલો ઓપરેટર 13.17 લાખના દાગીના ચોરી ગયો
  • કલામંદિર જ્વેલર્સના સ્ટાફે આરોપીની તેના ઘરે અને રેલવે સ્ટેશને તપાસ કરી પણ મળ્યો નહીં
  • બે મિનિટમાં ચોરી કરી નીકળી ગયા બાદ આરોપીએ ફોન પણ બંધ કરી દીધો

કતારગામ ખાતે નિરાલી એપાર્ટમેન્ટમાં રહેતો 43 વર્ષીય મેહુલ હર્ષદભાઈ સોની ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જ્વેલર્સમાં મેનેજર તરીકે નોકરી (Service) કરે છે. મેહુલભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 11 ફેબ્રુઆરીએ સ્ટાફની ભરતી માટે ઇન્ટરવ્યુ રાખ્યા હતા. જેમાં 25 માંથી 3 માણસોને પસંદ કરાયા હતા. આ ત્રણ પૈકી સાયનસેન પાર્થસેન ગુપ્તા (રહે.ગોપાલ કૃષ્ણ સોસાયટી, પાલનપુર પાટીયા, રાંદેર)ને નોકરી ઉપર લેવાયો હતો. સાયનસેને 1 માર્ચે જોઈનીંગ કર્યું હતું. જ્યાં તેને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ આપ્યું હતું. જ્યાં તેનું કામ બહારના વેપારી પાસેથી ખરીદી કરેલા સોના-ચાંદી તથા ડાયમંડની વસ્તુઓની ચકાસણી, ગણતરી, વજન કરીને શો રૂમનું ટેગ લગાવીને સ્ટોપ કિપર મેનેજર કેવાના શાહ પાસે જમા કરવાના હતા.

ગઈકાલે સાયનસેન ગુપ્તા નોકરી પર હાજર હતો ત્યારે પીડી સોની જ્વેલર્સ પ્રા.લિ. માંથી સોનાના દાગીનાનું 6042.319 ગ્રામનું પાર્સલ કેવના શાહની પાસે આવ્યું હતું. કેવના શાહે આ દાગીના સાયનસેન ગુપ્તાને ટેગ લગાવવા માટે આપ્યા હતા. તેની સાથે અન્ય એક ઓપરેટર કોમલને પણ ટેગ કરવા દાગીના આપ્યા હતા. જેમાંથી 225 ગ્રામ સોનાના દાગીના જેની કિમત 13.17 લાખ રૂપિયાના ગાયબ હતા. સીસીટીવીમાં જોતા સાયનસેન ગુપ્તા બે મિનિટમાં આ દાગીના લઈને બપોરે રિસેશના સમયે નીકળતો જોવા મળે છે. સ્ટાફ દ્વારા તેના સરનામે અને રેલવે સ્ટેશન પર તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી ઉમરા પોલીસમાં ચોરીની ફરિયાદ દાખલ કરતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top