Madhya Gujarat

શિક્ષક નિવૃત્ત થતાં નથી, વિદ્યાર્થીને માર્ગદર્શન આપતાં રહે છે

આણંદ : આણંદમાં છેલ્લા બે વરસ દરમિયાન કોરોનાકાળના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. અનેક કાર્યક્રમો અટકાવી દેવામાં આવ્યાં હતાં. જેમાં સારસા કેળવણી મંડળના નિવૃત્ત થયેલા ત્રણ શિક્ષકોનો સન્માન સમારંભ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોના કાબુમાં આવતાં આ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં શિક્ષકોએ ત્રણ દાયકા દરમિયાન તેમના શિક્ષક તરીકે અનુભવો વર્ણવ્યાં હતાં. જોકે, તેઓએ એવો પણ સુર વ્યક્ત કર્યો હતો કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતાં નથી, નિવૃત્તિ બાદ પણ સમય ફાળવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતાં રહે છે.

આ અંગે સારસા કેળવણી મંડળના આચાર્ય સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતાની આવડત, હિંમત, હોંશિયારી અને બુધ્ધિ થકી જીવનનો મોટો હિસ્સો અને કામના હજારો કલાકો વિદ્યાર્થીઓની કેળવણી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે આપનાર શિક્ષક વયનિવૃત થાય તો તેને સંસ્થા દ્વારા માનભેર વિદાય સમ્માન આપવામાં આવે તે સંસ્થાની ફરજ છે. ફરજકાળ દરમ્યાન શિક્ષક જ સંસ્થાના વટ વ્યવહાર, શાખ અને ચરિત્રનો પહેરદાર બની રહેલા સારસા કેળવણી મંડળ સારસા સંચાલિત એમવીએસ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો કોકિલાબેન ગઢવી, જયેશભાઈ શાહ, લક્ષ્મીબેન પટેલ વયમર્યાદાના કારણે મે 2020માં નિવૃત થયા હતા.આ શિક્ષકોનું સન્માન કરી સંસ્થા એ શિક્ષકોને વિદાયમાન આપી સન્માનિત કર્યા છે.

આ પ્રસંગે નિવૃત શિક્ષકોએ ફરજકાળ દરમ્યાનના અનુભવો અને સારા પ્રસંગો વાગોળ્યા હતા. જેમાં કોકિલાબહેન ગઢવીએ જણાવ્યું હતું કે, આ વયનિવૃત્તિ અમારી શિક્ષણ પ્રવૃત્તિ અટકાવી શકવાની નથી. આજે પણ માર્ગદર્શન લેવા આવતા વિદ્યાર્થીઓને યોગ્ય સમય ફાળવી શીખવીએ છીએ. સન્માનિત નિવૃત્ત શિક્ષક કોકિલાબેન ગઢવી, જયેશભાઈ શાહ અને લક્ષ્મીબેન પટેલ એ સારસા કેળવણી મંડળ સારસાના ચેરમેન શશીકાંત પટેલ મંડળના મંત્રી, સભ્યો અને ખાસ ઉપસ્થિત રહેલા વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો સેવકભાઈઓ અને આવેલા તમામ મહેમાનોનો આભાર માન્યો હતો.

Most Popular

To Top