Madhya Gujarat

શ્રીજીના વસ્ત્ર ૧૫ મીટર સુતરાઉ કાપડમાંથી તૈયાર થાય છે

નડિયાદ: ભગવાન તેના ભક્તની ભક્તિને વશ થાય છે તેનો બોલતો પુરાવો ડાકોરનું રણછોડરાય મંદિર છે. પોતાના ભક્ત બોડાણાની ભક્તિને વશ થઇને દ્વારિકાથી ભગવાન ડાકોર આવીને બિરાજ્યા અને આજે પણ તેમના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ફાગણી પૂનમની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ભક્તોમાં ફાગણી પૂનમને શ્રીજીના દર્શનને લઇને અનોખી ઉત્સુકતા જોવા મળી રહી છે. ભક્તને દર્શન આપવા માટે ભગવાન શણગાર સજે છે. શ્વેત વસ્ત્રમાં સજ્જ ભગવાનના અનન્ય દર્શનનો લ્હાવો મળતાં ભક્તો ધન્યતા અનુભવે છે.

જોકે,ભગવાનના આ વસ્ત્રોને લઇને પણ ભક્તોના મનમાં તે ક્યાંથી બનાવવામાં આવે છે તેવા અનેક સવાલો ઉભા થાય છે. આ બાબતમાં ગુજરાત મિત્રની ટીમ દ્વારા મંદિર સાથે વર્ષોથી જોડાયેલા કેટલાક લોકો સાથે વાત કરવામાં આવી હતી અને શ્રીજીના વસ્ત્રોની ખાસિયત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રીજીના વસ્ત્રો ફાગણી પૂનમની ઉજવણીના દિવસોમાં સૂતરાઉ કાપડમાંથી તૈયાર કરવામાં આવે છે. શ્રીજીના વસ્ત્રો માટે ૧૫ મીટર અને લક્ષ્મીજી સાથેનો શણગાર હોય તો ૨૧ મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. ડાકોરના જ કારીગરો શ્રીજીના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. ક્યારેક રેશમી ઝરી તો ક્યારેક અન્ય કારીગરી કરીને શ્રીજીના વસ્ત્રોને આકર્ષક બનાવવાની સાથે સુશોભીત કરવામાં આવે છે.  શ્વેત વસ્ત્ર ધારણ કરીને ભગવાન રણછોડરાયજી ભક્તોને દર્શન આપી, તેમના મનોરથ પૂરશે. ફાગણી પૂનમની તૈયારીઓને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

શ્રીજી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે
ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાજી ફાગણી પૂનમની ઉજવણી દરમિયાન શ્રીજી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. ભક્તો સાથે રંગોત્સવ મનાવવા માટે ભગવાન ખાસ શણગાર સજે છે. અબીલ- ગુલાલની છોળો સાથે નિજ મંદિરમાં જ શ્રીજી રંગોત્સવ મનાવે છે.

પદયાત્રીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કલેક્ટરની અપીલ
ફાગણી પુનમ દરમ્યાન દર્શનાર્થે આવતા પદયાત્રીઓ તથા ખેડા જિલ્લામા ડાકોર જતા માર્ગ પર પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જાહેર અપીલ કરી છે. જગ વિખ્યાત ડાકોરના રાજા રણછોડરાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમ અને તેની આગળ પાછળના દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભકતોની ભારે ભીડ થતી હોય છે. આ બાબતને ધ્યાને લઇ શ્રધ્ધાળુઓ સહેલાઇથી અને સરળતાથી દર્શનનો લાભ મેળવી શકે તે માટે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ આજે ડાકોર પદયાત્રામાં જોડાતા પદયાત્રીઓ, પદયાત્રા માર્ગો ઉપર ભંડારા તેમજ સેવાયજ્ઞમાં જોડાતી સેવાભાવી સંસ્થાઓ તેમજ ખેડા જિલ્લાના ડાકોર જતા માર્ગોના ગામના રહેવાસીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા, માર્ગો પર સ્વચ્છતાની કાળજી રાખવા તેમજ કચરા માટે કચરાપેટીનો મહત્તમ ઉપયોગ કરવા માટે જાહેર અપીલ કરી છે.

Most Popular

To Top