National

રોજ સવારે આઠ વાગે વાગતું ભોપું અંદર ગયું.. સંજય રાઉતની ધરપકડ બાદ શિંદેનો કટાક્ષ


મહારાષ્ટ્ર: શિવસેનાના (Shivsena) પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) રવિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ (Arrest) કરાયા બાદ આજે તેમને PMLA કોર્ટમાં (Court) રજૂ કરવામાં આવ્યા હતા. પાત્રા ચૉલ જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ઈડી દ્વારા સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે રાઉતની 4 દિવસની ઈડી કસ્ટડી મંજૂર કરી છે. હવે આગામી 4 દિવસ સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં રહેશે. આ ચાર દિવસ દરમિયાન ઈડી દ્વારા પાત્રા ચૉલ કૌભાંડમાં સંજય રાઉતની સઘન પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે સંજય રાઉત ધરપકડ વખતે જ કહી ચૂક્યા છે કે તેઓ નિર્દોષ છે. ખોટા પુરાવાના આધારે તેમની ધરપકડ કરાઈ છે, બીજી તરફ રાઉતના વકીલે ઈડીની કાર્યવાહીને રાજનીતિ પ્રેરિત ગણાવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંજય રાઉત પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે સવારે આઠ વાગે જે સાયરન વાગતું હતું એ હવે અંદર ગયું છે. આ સાથે જ લોકસભામાં અને રાજ્યસભામાં પણ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, “સંજય રાઉતે માત્ર એક જ ગુનો કર્યો છે કે તે બીજેપી પાર્ટીની ધાકધમકીવાળી રાજનીતિ સામે ઝૂક્યા નથી. તે વિશ્વાસ અને હિંમતથી ભરેલો માણસ છે. અમે સંજય રાઉતની સાથે છીએ.

રાઉતને પહેલા નવ કલાક પૂછપરછ કર્યા બાદ દક્ષિણ મુંબઈમાં ED દ્વારાસાત કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે બાદ અડધી રાત્રે લગભગ 12:05 વાગ્યે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ સંજયના ઘરેથી 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. EDના અધિકારીઓએ જણાવ્યું કે રાઉતની તપાસમાં સહકાર ન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ED તેને સોમવારે એટલે કે આજે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડની માંગણી કરશે.

માહિતી અનુસાર EDની ત્રણ ટીમ રવિવારે સવારે 7 વાગ્યે ઔદ્યોગિક સુરક્ષા દળની ટુકડી સાથે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. દરમિયાન, EDની અન્ય ટીમોએ પણ દાદર અને ગોરેગાંવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાંજે ટીમ દસ્તાવેજો સાથે સંજય રાઉતને લઈને ઘરેથી નીકળી હતી. EDએ તેમને 20 અને 27 જુલાઈએ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ સંસદના સત્રનું કહી તેઓ હાજર રહ્યા ન હતા. ED સાથે જતા પહેલા સંજયે મીડિયાને કહ્યું, તેમને ફસાવવામાં આવી રહ્યા છે. રાઉતની 28 જૂને રૂ.1040 કરોડના પાત્રા ચાલ કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી. ED સૂત્રોએ જણાવ્યું હતું કે, સંજયની DHFL-Yes Bank કૌભાંડમાં પણ પૂછપરછ કરવામાં આવશે જેમાં પુણે સ્થિત બિઝનેસમેન અવિનાશ ભોસલેની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનો દાવો છે કે બંને કૌભાંડો જોડાયેલા છે.

Most Popular

To Top