SURAT

સરથાણાના પીઆઈએ દુકાન બહાર બેઠેલાં ગ્રાહકોને લાતો મારી, વીડિયો વાયરલ થતાં..

સુરત (Surat): સરથાણાના (Sarthana) પીઆઈની (PI) દંબગગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ગુર્જર અહીંના એક કોમ્પલેક્સમાં ચાલતી ફાસ્ટફૂડની (Fast Food) દુકાને ધસી જઈને દુકાનદાર અને ગ્રાહકોને લાતો મારી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં એસીપીને તપાસ સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે. દુકાનદારનો આક્ષેપ છે કે કોઈ પણ વાંક ગુના વિના માર મારવામાં આવ્યો છે. બીજી તરફ પીઆઈ ગુર્જરના જણાવ્યા અનુસાર મોડી રાત સુધી અહીં ફાસ્ટફૂડની દુકાન ધમધમતી હોવાના લીધે સ્થાનિકો હેરાન પરેશાન થતા હોવાની ફરિયાદના પગલે કાર્યવાહી કરી હતી.

  • સરથાણાના વ્રજચોક ખાતે આવેલા રાજ ઈમ્પિરિયાની ઘટના
  • પીઆઈ ગુર્જર અને 5થી 6 જણાએ દુકાનદાર અને ગ્રાહકોને માર્યા
  • ઘટના કોમ્પલેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • દુકાનદારે સીધી પોલીસ કમિશનરને ફરિયાદ કરી
  • એસીપીને તપાસ સોંપવામાં આવી

આ ઘટના સરથાણા વ્રજચોક ખાતે આવેલા રાજ ઈમ્પિરિયાની છે. અહીં મિ. પી પાન પાર્લર, એગ્સ એન્ડ ફાસ્ટફૂડની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક પ્રશાંત મનજી સવાણી છે. પ્રશાંત સવાણીએ સરથાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. ગુર્જર તેમજ અન્ય 5થી 6 જણા સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આ લોકોએ ખોટી રીતે દુકાન પર ધસી આવી માર માર્યાની ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની દુકાને પીઆઈ ગુર્જર 5થી 7 જણાને લઈને આવ્યા હતા. દુકાનની બહાર બેઠેલા ગ્રાહકોને માર માર્યો હતો. ગાળો દીધી હતી. ખુરશી, ટાયરની ચેર, ટિપોઈ ઉઠાવીને લઈ ગયા હતા. દુકાનના વિકલાંગ કર્મચારીને પણ અપશબ્દો બોલી માર માર્યો હતો. કબ્જે લેવાયેલા સામાન પરત માંગ્યો તો પ્રશાંત સવાણી સાથે ગેરવર્તન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ ઘટના કોમ્પલેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ આ કેસની તપાસ એસીપીને સોંપાઈ છે. આ અંગે સરથાણા પીઆઈ ગુર્જરે પોતાના બચાવમાં જણાવ્યું કે, ફાસ્ટફૂડની દુકાનના લીધે અહીં ભારે ન્યૂસન્સ છે. મોડી રાત સુધી દુકાન ચાલતી હોવાથી સ્થાનિક રહીશો હેરાન થઈ ગયા છે અનેકોવાર ફરિયાદ મળી હોવાનાલીધે કાર્યવાહી કરાઈ છે.

Most Popular

To Top