National

જબલપુરમાં હોસ્પિટલમાં આગ લાગતા 10ના મોત, બચાવવા ગયેલા લોકો પણ આગમાં ફસાયા

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)ની એક ખાનગી હોસ્પિટલ(Hospital)માં ભીષણ આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં દાઝી જતા 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના લોકો હોસ્પિટલના કર્મચારીઓના છે. એક કલાકની કવાયત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હતી. આગ હોસ્પિટલના એન્ટ્રસ પાસે લાગી છે, જેને કારણે લોકો બહાર નહોતા નીકળી શક્યા, જેથી બીજા માળે વધુ લોકોનાં મોત થયાં છે.

હોસ્પિટલના એન્ટ્રસ પાસે જ લાગી આગ
હકીકતમાં, ગોહલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંડાલ ભાટા વિસ્તારમાં આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. અને એન્ટ્રસ પર જ આગ લાગતા મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો પણ શરૂઆતમાં આગ પર કાબૂ મેળવી શક્યા ન હતા. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખતાં એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. મળતી માહિતી મુજબ આગ લાગી તે પછી દર્દીને બચાવવા અંદર ગયા જે પાછા બહાર ન આવી શક્યા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતમાં ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

હોસ્પિટલમાં આશરે 100 લોકોનો સ્ટાફ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આશરે 7 લોકોના મૃતદેહ હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ હતા તેની જાણકારી હજુ મળી નથી. આ હોસ્પિટલમાં આશરે 100 લોકોનો સ્ટાફ છે. પરંતુ કુલ કેટલા મોત થયા છે તેની હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ મૃત્યુઆંક વધી શકે છે.

મુખ્યમંત્રીએ કરી વળતરની જાહેરાત
આ મામલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું, ‘જબલપુરની એક હોસ્પિટલમાં ભયાનક આગની દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. હું સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સીએમ શિવરાજે આગળ લખ્યું, ‘જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુના સમાચારથી દુઃખી છે. હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય, શાંતિ..’

Most Popular

To Top