World

કચ્છના ભૂકંપ વખતે મદદ કરનાર તુર્કીના પડખે ભારત, વાયુ સેનાના એરક્રાફ્ટ સાથે બચાવ ટીમો રવાના

નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) ભૂકંપના (Earthquake) કારણે ભયાનક તબાહી મચી છે. બે દિવસથી તુર્કી અને સીરિયાના લોકો ભયમાં જીવી રહ્યા છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 4300 લોકોએ જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં ચોથો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થતા હજી પણ કેટલાક લોક કાટમાળ નીચે ફસાયા છે. બચાવ અને રાહત ટીમો દ્વારા સતત બે દિવસથી રાત-દિવસ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કચ્છના ભૂકંપ વખતે તુર્કી તરફથી ભારતને (India) સહાય (Help) મળી હતી. ભારતને એ સહાય યાદ છે. તેથી ભારત તરફથી તુર્કીને મદદ માટે NDRFની ટીમો મોકલવામાં આવી છે.

તુર્કીમાં ભૂકંપના કારણે સેંકડો લોકોના મોત થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીની મદદ માટે આદેશ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ભારત તુર્કીના લોકો સાથે છે, અને દરેક મદદ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે કચ્છમાં 2001માં ભૂકંપ બાદ અનેક આંતરરાષ્ટ્રીય સમુદાય અને દેશોએ ભારતને સહાય મોકલી હતી. દુનિયાભરમાંથી વિવિધ મિત્ર દેશોની સાથે પાકિસ્તાન જેવા દેશોએ પણ સહાય મોકલી હતી. ત્યારે 27 જાન્યુઆરીએ તુર્કીએ 27 સભ્યોને રેસ્ક્યુ માટે ભારતે મોક્લયા હતા. આ સાથે જ રશિયા અને યુકેની ટીમ પણ મદદ માટે આવી હતી. આ ટીમોએ કચ્છ અને અમદાવાદમાં બહુમાળી બિલ્ડીંગના સ્થળ પર લોકોને બચાવના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સાથે જ રાહત સામગ્રી પણ મોકલાવવામાં આવી હતી. આજે જ્યારે તુર્કીમાં કુદરતી વિનાશ સર્જાયો છે ત્યારે ભારત સહિત અન્ય કેટલાક દેશોએ પણ મદદ મોકરલવાની ખાતરી આપી છે.

ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ રેસ્ક્યુ ટીમ સાથે તુર્કી માટે રવાના થયું
તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીને જોતા ભારત સરકારે NDRFની 2 ટીમો ત્યાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય રાહત સામગ્રી અને ડોક્ટરોની ટીમ પણ તુર્કી મોકલવામાં આવી છે. પીએમ મોદીના નિર્દેશ પર વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ તુર્કીને તાત્કાલિક સહાયના મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF અને મેડિકલ ટીમને શોધ અને બચાવ કામગીરી માટે તુર્કી મોકલવામાં આવશે. આ સાથે રાહત સામગ્રી પણ વહેલી તકે તુર્કી મોકલવામાં આવશે. NDRFની બે ટીમોમાં 100 જવાન હશે. જેમાં ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ટીમો તેમની સાથે જરૂરી સાધનો પણ લેશે. મેડિકલ ટીમમાં ડોકટરો, અન્ય સ્ટાફ અને આવશ્યક દવાઓ હશે.

આ દેશો તુર્કી-સીરિયાની મદદ માટે આગળ આવ્યા

  • લોસ એન્જલસ કાઉન્ટી ફાયર વિભાગે 78 સભ્યોની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને તુર્કી મોકલવાની જાહેરાત કરી છે.
  • યુનિસેફ પણ તુર્કી સરકારના સંપર્કમાં છે. યુનિસેફ માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તુર્કી સરકાર અને તુર્કીના આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન સાથે કામ કરી રહી છે. એટલું જ નહીં યુનિસેફ પણ સીરિયામાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
  • દક્ષિણ કોરિયાએ પણ તુર્કીને મદદની ઓફર કરી છે. કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તુર્કીને કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છીએ.
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે વાત કરી છે અને કહ્યું છે કે અમેરિકા તુર્કીની મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે તુર્કીમાં બચાવ કાર્યમાં મદદ અને સમર્થન માટે અમેરિકન ટીમોને ઝડપથી તૈનાત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે.
  • રશિયાએ બચાવ માટે 300 સૈનિકોની 10 ટીમ સીરિયા મોકલી છે.

તુર્કી-સીરિયા સહિત અન્ય બે દેશોમાં સોમવારે વહેલી સવારે 7.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ તબાહીના દ્રશ્ય જોઈ સૌ કોઈ ભૂકંપ પીડિત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Most Popular

To Top