Comments

ચિંતા જયારે માત્ર શબ્દમાં વ્યકત થાય ત્યારે તેનું કોઈ પરિણામ મળતું નથી

હું જિંદગીના અનેક એવા પડાવ ઉપરથી પસાર થયો, જયારે મારે વ્યવસ્થા સામેની લડાઈ લડવી પડી, જેના કારણે કયારેક મારે નોકરી છોડવી પડી અને કયારેક મને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો. સામાન્ય રીતે મને તરત બીજું કામ મળી જતું હતું, પરંતુ ઉંમરનો એક પડાવ પણ આવ્યો, જયારે મારી પાસે કોઈ કામ નહોતું. મારે કામની જરૂર હતી, પણ મને કોઈ કામ આપવા તૈયાર ન્હોતું, એક તરફ કામની જરૂર હતી, બીજી તરફ ખીસ્સું ખાલી થઈ રહ્યું હતું. મારે કામની જરૂર છે અને મારી પાસે હવે ઘર ચલાવવાની પણ સમસ્યા છે તે મારા અનેક મિત્રોને ખબર હતી. તેઓ જયારે પણ મને મળતા ત્યારે ત્યારે મારા પ્રશ્ન અંગે ચિંતા કરતા હતા અને ચિંતાના અંતે મને કહેતા કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો. મારે જે કામ હતું તેમાં ચોક્કસ તેઓ કોઈક રીતે મદદરૂપ થઈ શકતા હતા, પણ તેમની ચિંતા માત્ર શબ્દો સુધી સીમિત રહેતી હતી. જિંદગીને તમે કાન દઈ સાંભળો તો જિંદગી તમને ઘણું બધું શીખવતી હોય છે. આ ઘટના મારા માટે મોટું શિક્ષણ સાબિત થઈ.
જેને હું ખરાબ સમય માની રહ્યો હતો તો વિવેક દેસાઈ જેવા મિત્રોની સમયસર મદદ મળી, તેના કારણે તેમાંથી હું પાર નીકળ્યો. જયારે વિવેકને મારી સ્થિતિની ખબર પડી ત્યારે તેણે તરત કહ્યું, તું મારી સાથે કામ કરી શકે છે. વિવેકનો કિસ્સો બીજા મિત્રો કરતાં જુદો પણ છે.

વિવેક કોઈને કામ આપી શકે તેવી સ્થિતિમાં હતો. આવી સ્થિતિ તો મારા અનેક મિત્રોની હતી, પણ તેઓ મને કામ આપવાની હિંમત કરી શકયા નહીં. અન્ય કેટલાંક આંગળી ચીંધવાનું પુણ્ય પણ કરી શકતા હતા પણ તેવું કરવાથી તેમણે પોતાની જાતને દૂર રાખી, પણ મને જિંદગીએ શીખવ્યું કે કોઈની ચિંતા માત્ર શબ્દમાં વ્યકત થાય તેનો કોઈ અર્થ નથી, કારણ કે જે વ્યકિત મુશ્કેલીમાં છે તેમને કોઈ માત્ર શબ્દ મદદ કરી શકતા નથી. આપણી આસપાસ એવાં અનેક લોકો છે, જેઓ મુશ્કેલીમાં હોવા છતાં પોતાની મુશ્કેલી વ્યકત કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી, છતાં આપણી સમજદારી જયારે તેમની મુશ્કેલી તરફ આપણું ધ્યાન દોરે ત્યારે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો તેવું કહેવાનું મેં બંધ કર્યું છે.જો મદદ કરવાનું મારી હેસિયતમાં હોય તો ક્ષણનો વિલંબ કરતો નથી. અનેક વખત એવું બને છે, જે લોકો મુશ્કેલીમાં છે તેમને મદદ કરવાનું મારી હેસિયત બહારનું હોય છે ત્યારે હું કોણ મદદ કરી શકે તેની તપાસ કરી આંગળી ચીંધવાનું પણ કામ કરું છું. થોડા દિવસ પહેલાં મારી મુલાકાત એક એવા કવિમિત્ર સાથે થઈ કે તેઓ અદ્દભુત લખે છે.

આંખ અને હ્રદય ભીનું થાય તેવું તેમનું સર્જન છે. જીવનની અનેક આપત્તિઓનો સામનો કરતા આ કવિ અંદરથી ભાંગી ગયા છે. પોતાને સ્થિર રાખવાના તમામ પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી રહી છે. આ કવિમિત્રને હું પહેલી વખત રૂબરૂ મળ્યો હતો. મને લાગ્યું કે આ એક ઉત્તમ માણસ અને ઉત્તમ કવિ જીવનના ઘમસાણમાં વેડફાઈ રહ્યો છે. મને લાગ્યું કે આ માણસ માટે મારે કંઈક લખવું જોઈએ, એટલે મેં આ કવિમિત્રના પરિચિત મિત્રોને ફોન કરી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને તેની જિંદગીની અનેક સમસ્યાઓની ખબર પડી, પણ તેની સાથે તેમની જરૂરિયાત અંગે પણ જાણકારી મળી. સામાન્ય સંજોગોમાં પત્રકારનું કામ લોકોની સમસ્યા સંબંધિતો સુધી પહોંચાડવાનું હોય છે.

હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા અને વર્ષો પહેલાં એક અખબારમાં કામ કરતા મારા મિત્ર સમીર હિરાણીએ મને એક સ્ટોરી પછી કહ્યું હતું કે દાદા, આપણે કાયમ એવું માનીએ છીએ કે આપણું કામ માત્ર લખવાનું છે અને મદદ કરવાનું કામ કોઈ બીજાનું છે. એવું કેમ ના થાય કે કોઈને મદદ કરવા આપણા હાથ પણ આપણા ખીસ્સા સુધી જાય. આ કવિમિત્ર માટે હું જયારે લખવાનો હતો તેમાં માત્ર તેમના તરફની શબ્દોમાં ચિંતા હતી. મને ખબર નથી કે મારી શબ્દોની ચિંતા તેમના જીવનમાં કેટલો ફેરફાર લાવી શકે. મેં લખવાનો વિચાર માંડી વાળ્યો કારણ કવિમિત્ર હાલમાં જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તેમાં તેમને શબ્દોની ચિતા કરતાં વાસ્તવિક મદદની જરૂર હતી અને તે મારી હેસિયત પ્રમાણે પણ હતી. મેં તરત તેમના સ્વમાનને ઠેસ પહોંચે નહીં અને મારું નામ જાહેર થાય નહીં તે રીતે તેમના સુધી મદદ મોકલાવી આપી. હું કાયમ મારાં બાળકો અને મારા પરિવારને સલાહ આપું છું કે ઈશ્વરે આપણી સાથે જે ઉદારતા રાખી તેવી ઉદારતા આપણે બીજા સાથે પણ રાખવી જોઈએ.

જીવનનો એક મોટો તબક્કો પસાર થયો, જયારે મારા મનમાં કયારેય શ્રીમંત થવાની ઈચ્છા જ થઈ નહીં, પણ જયારે મારી આસપાસનાં લોકોને મદદની જરૂર હોય અને મારી આર્થિક સ્થિતિને કારણે જયારે મદદ કરી શકતો નથી ત્યારે મને લાગે છે દુનિયામાં મારા જેટલો લાચાર કોઈ નથી. આ વખતે મનમાંથી એક જ પ્રાર્થના નીકળે છે કે ઈશ્વર મને ખૂબ શ્રીમંત બનાવજે. મારે ખાસ કોઈ સગવડની જરૂર નથી પણ મારી આસપાસ અનેકો અભાવમાં જીવી રહ્યાં છે અને જયારે તું મને આપે ત્યારે બીજાને આપવાનું મન આપજે. મારા અનુભવે મને સમજાયું છે કે આપણી આસપાસ ખરેખર દરિદ્ર કરતાં મનના દરિદ્રની સંખ્યા ખૂબ મોટી છે. મારું ખીસ્સું ખાલી હશે તો કદાચ ફરી ભરાશે, પણ મારું હ્રદય દરિદ્ર થઈ જશે તો હું કયારેય શ્રીમંતાઈનો અહેસાસ કરી શકીશ નહીં.એટલે જયારે પણ તમારો નજીકનો કે પછી તમારી નજર સામે કોઈ અપરિચિત પણ હોય તો હું શું મદદ કરી શકું તેવું પૂછવાને બદલે તમારા ખીસ્સામાં જે કંઈ હોય તેનો થોડો હિસ્સો પણ તેમને આપી જુવો, કારણ ઈશ્વરને તમારી મદદ નહીં, તમારી દાનતની જરૂર છે. તમે બીજા માટે ખર્ચ કરશો તો ઈશ્વર તેને અનેક ગણું કરી તમને પાછું આપશે તેની ખાતરી આપું છું.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top