Comments

ધનખડ રાજયસભામાં શિસ્ત લાવી શકશે?

ભારતીય જનતા પક્ષે બંગાળના રાજયપાલ જગદીપ ધનખડની પસંદગી કરી તેની પાછળ ઘણાં કારણ હોઇ શકે, પણ સૌથી મહત્ત્વનું એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજયસભામાં શિસ્ત અને નિયમોનું શાસન ફરીથી લાદવા ખૂબ આતુર છે અને આ કામ ગૃહના અધ્યક્ષ તરીકે નવા ઉપરાષ્ટ્રપ્રમુખે કરવાનું છે. મોદી એ વાતથી પ્રભાવિત થઇ ગયા હતા કે મમતાશાસિત બંગાળમાં રાજયપાલ તરીકે ધનખડે પોતાના પદ પર રાજકીય આક્રમણ ન થાય તે સામે મક્કમતા અને તાકાત બતાવ્યાં હતાં. પંચાયતની અને વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના રાજકીય હરીફો પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા હુમલાના કૃત્યને વખોડવામાં તેઓ ખંચકાયા ન હતા. ધનખડે પોતે ગયા વર્ષે ચૂંટણી પછીની હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારની પોતે મુલાકાત લીધી ત્યારે મમતાએ કરેલી રિટને તેમણે પડકારી હતી. તેમણે મમતાના પક્ષને હિંસા માટે દોષિત ગણાવ્યો હતો. તાજેતરમાં બંગાળ ધારાસભાએ રાજય સરકાર સંચાલિત યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે રાજયપાલને બદલે મુખ્ય પ્રધાનને મૂકતા ઘણા ખરડા પસાર કર્યા. ધનખડ સખત દબાણ સામે પણ અડીખમ રહેવા માટે જાણીતા હોવાથી મોદી એવી અપેક્ષા રાખે છે કે 71 વર્ષના ધનખડ રાજયસભામાં વર્તણૂકની આચારસંહિતાનું પાલન કરાવશે, જયાં ઘણા સભ્યો અનુભવી સાંસદો છે ત્યાં કેટલાક તોફાની સભ્યો મર્યાદા ઓળંગી જાય છે.

ભારતીય જનતા પક્ષ રાજયસભામાં બહુમતી નથી ધરાવતો. હજી ગયા ઓગસ્ટમાં રાજયસભામાં અભૂતપૂર્વ દૃશ્યો સર્જાયાં, જેણે વડા પ્રધાનને વ્યથિત કરી નાંખ્યા, ત્યાર પછી નવેમ્બરમાં રાજયસભાની 254 મી બેઠકના છેલ્લા દિવસે સંસદના ચોમાસુ સત્રમાં સુરક્ષા કર્મીઓ પર ઇરાદાપૂર્વકના હુમલા કરવા સહિતના અશિસ્તનાં કૃત્યો બદલ વિરોધ પક્ષના 12 સભ્યોને શિયાળુ સત્રના બાકીના સમય માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોએ પેગાસસ પ્રકરણ અને ખેતીના ત્રણ કાયદા સામે વિરોધ કરતા સંસદના ઇતિહાસમાં આ કાળું પ્રકરણ લખાયું હતું. ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિરોધ પક્ષના સભ્યો અધિકારીઓના ટેબલ પર ચડી ગયા હતા. કાળું કપડું ફરકાવ્યું હતું અને ફાઇલો ફેંકી હતી. નવા સુધારેલા કાયદાઓ સામે ખેડૂતોના વિરોધની ગૃહમાં હજી ચર્ચા જ શરૂ થઇ હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

મોદી આવી ઘટનાઓને ભૂતકાળ બનાવવા માંગે છે. ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે ત્યારે સંસદનું ચોમાસુ સત્ર મળશે અને તે જૂની ઇમારતમાં છેલ્લું સત્ર હશે. શિયાળુ સત્ર સંસદની નવી ઇમારતમાં યોજાશે. ગૃહની કામગીરી સરળતાથી ચાલે અને કોઇ પણ સભ્ય તોફાન નહીં કરે તેવી વ્યવસ્થા કરવાનો પડકાર ધનખડ સામે હતો. ધનખડની ઉમેદવારીને આવકારતા વડા પ્રધાને ટવીટમાં આ જ વાત સ્પષ્ટ કરી. આપણા બંધારણનું જ્ઞાન ધનખડ પાસે છે અને તેઓ ધારાગૃહોની બાબતમાં પણ નિષ્ણાત છે એવી પ્રશંસા કર્યા પછી મોદીએ કહ્યું હતું કે રાજય સભાના અધ્યક્ષ તરીકે તેઓ વિશિષ્ટ બની રહેશે અને રાષ્ટ્રીય પ્રગતિના સંવર્ધન ધ્યેય સાથે ગૃહની કાર્યપ્રક્રિયાને માર્ગદર્શન આપશે એમ તેમણે જણાવ્યું હતું. સંસદનાં બંને ગૃહોના બનેલા 780 સભ્યોના મતદાર મંડળમાં ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બહુમતી હોવાથી ધનસરના ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયાને કોઇ અવરોધ દેખાતો નથી.

વિરોધ પક્ષે માર્ગારેટ આલ્વાનું નામ આગળ ધર્યું છે. તેમને સંસદનો ખાસ્સો અનુભવ છે. તેઓ ગુજરાત, ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજયપાલ પણ રહી ચૂકયાં છે. તેઓ કોંગ્રેસ પક્ષે પહેલી વાર 1934 માં રાજયસભામાં ગયા હતાં. તેઓ આખાબોલા તરીકે જાણીતા છે. 2008 માં તેમના દીકરા નિવેદિતને કર્ણાટક વિધાનસભાની ટિકીટ ન આપતા તેમણે આક્ષેપ કર્યો હતો કે કર્ણાટક કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની ટિકીટ વેચે છે. તેમને આ આક્રોશની કિંમત ચૂકવવી પડી હતી.
ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડાએ કિસાન પુત્ર તરીકે વર્ણવેલા જાટ નેતા ધનખડની પસંદગીથી ભારતીય જનતા પક્ષનું, ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં વજન વધશે. ધનખડે ભૂતપૂર્વ વડા પ્રધાન ચરણસિંહ ચૌધરીના લોકદળમાં સમાજવાદી તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલ સાથે સંકળાયા હતા. દેવીલાલે વી.પી. સિંહ સરકારમાંથી ચાલતી પકડી ત્યારે ધનખડે તેમને ટેકો આપ્યો હતો. 1990 ના નવેમ્બરથી 1991 ના જૂન સુધીના અલ્પકાળ સુધી સત્તા પર રહેલી ચંદ્રશેખર સરકારમાં ધનખડ સંસદીય બાબતોના રાજયકક્ષાના પ્રધાન હતા. ધનખડ 2003 માં ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને 2019 ના જુલાઇમાં બંગાળના રાજયપાલ બન્યા હતા.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top