Business

અંકિત થતા અંક

મૂલ્ય, હિસાબ-કિતાબ, જીવનવ્યવહારમાં અંકોનું પ્રાધાન્ય સમસ્ત વિશ્વમાં રહ્યું છે. આપણને એક વાતનો ગર્વ છે કે શૂન્યની શોધ ભારતમાં થઈ છે અને તે પછી અંકો જ્ઞાન-વિજ્ઞાનમાં અંકિત થતા ગયા. અંતરિક્ષ, ઉપગ્રહો, અન્ય ગ્રહો સુધી પહોંચવા માટે પળેપળની ગણતરી વૈજ્ઞાનિકો અંકોથી માંડે છે. વિશ્વની દરેક બાબત અંકો દ્વારા મૂલ્ય અને માપન શક્ય બને છે. અંકશાસ્ત્રીઓએ ધર્મગ્રંથોનો સહારો લઈ અંકશાસ્ત્ર વિકસાવ્યું છે. જ્યોતિષવિદો અંકોની ગણતરી માંડી ભવિષ્યવાણી ભાખે છે. સટ્ટાબજારમાં અંકોની ઉપર લાખો રૂપિયાનો સટ્ટો ખેલાય છે.

પાયથાગોરસ જેવા ગણિતના પ્રખર વિદ્વાન પણ અંકપ્રેમી રહ્યા. અંકશાસ્ત્રીઓમાંનાં ઘણાં તો જણાવે છે કે આખા વિશ્વમાં બધું અંકની તરાહ પર આધારિત છે અને તે તરાહનો આધાર અંકની અંદર રહેલાં સ્પંદનો અલગ અલગ પ્રકારનાં છે. વિશ્વમાં દરેક બાબત ઘટનાઓના મૂળ અંક અને તેના પ્રમાણને આધારે છે. દરેક બાબત અંકની બનેલી છે. એકવીસમી સદીમાં ચાલતા ડીજીટલ વ્યવહારમાં પણ અંકોનું સ્થાન અવિચલિત છે. માનવના જન્મથી મૃત્યુ સુધી અંકનું વર્ચસ્વ રહેવાનું જ. કેટલાકના મતે અંકશાસ્ત્ર વાસ્તવિક રીતે એક વિજ્ઞાન નથી, પણ તે તર્કવિદ્યાને આધારે ઘડાયેલું શાસ્ત્ર છે. 

એકથી નવ સુધીના અંકો અન્ય અંકોને જન્મ આપે છે, શૂન્ય અપવાદરૂપ છે. સમાજમાં માણસને ધનસંપત્તિ અનુસાર માન મળે છે. લક્ષાધિપતિ, કરોડપતિ, અબજપતિ શ્રેણીમાં સંપત્તિના અંકો મંડાય છે. મકાન,જમીન,યંત્રો,અન્ન, વસ્ત્ર કે અન્ય ચીજ વસ્તુઓનાં ખરીદ-વેચાણમાં પણ અંકોથી મૂલ્ય મંડાય છે, સાધુ, સંતો, સન્યાસી જેવાઓને સંસારની મોહમાયા રહેતી નથી તેથી અંકોનું મહત્ત્વ તેમની સમક્ષ રહેતું નથી. નિર્ધન વ્યકિત તો પરિસ્થિતિને કારણે એવી દશા પામે છે. જીવનવ્યવહાર માટેનાં કેલેન્ડરો, ઈતિહાસ કે ડાયરની નોંધ પણ અંકો સાથે હોય છે. જો અંક પ્રગટયા ન હોત તો વિશ્વ રંક જ બની રહેત અને તે સાથે વણઉકેલ્યા રહેત અનેક રહસ્યો. અરબી જેવી ભાષામાં દરેક અક્ષરનું મૂલ્ય અંક આધારિત છે, જેમ કે નબી સાહેબના નામના અક્ષરોનો સરવાળો બાણું થાય છે, તો હઝરત અલીના નામમાં અક્ષરોનો મૂલ્યાંક એકસો દસ થાય છે. આમ ભાષાના અક્ષરો અને અંકોનો થયો છે સમન્વય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહેબુબાની શિવભક્તિ?
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફતી જેમણે હાલમાં જ પુંચ જિલ્લામાં આવેલા નવગ્રહ મંદિરની મુલાકાત લીધી અને શિવજીને જળઅભિષેક કર્યો હતો. પાકિસ્તાનની ખાલા જેમણે વર્ષોથી દેશવિરોધી અને પાકિસ્તાન તરફેણમાં બોલવાનું કાર્ય કર્યું છે. જમ્મુ-કાશ્મીરના હિન્દુ પંડિતોના હિતમાં કે દેશના હિતમાં કદી કોઈ પણ કાર્ય કર્યું નથી. તેમના રાજકારણ ઈતિહાસનો અભ્યાસ કરતાં જણાશે કે સદા દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રજા વિરોધી જ કાર્યો કર્યાં છે. હવે ચૂંટણીની તારીખો નજીક આવતાં હિન્દુઓના વોટની ચિંતાથી પ્રેરિત એવા મહેબુબાને હવે શિવભક્તિ યાદ આવે છે. પરંતુ દેશની અને જમ્મુ-કાશ્મીરની પ્રજાજન સારી રીતે જાણે છે અને સમજે છે કે મહેબુબા કદી પણ દેશ અને જમ્મુ-કશ્મીરની પ્રજા પ્રત્યે વફાદાર અને વિશ્વાસુ રહી નથી.
સુરત     – રાજુ રાવલ-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top