Vadodara

રોડ ખોદો… નવો બનાવો… ફરી ખોદો : આ ખેલ ક્યાં સુધી ચાલશે?

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી કર્યા બાદ ચરી પુરાણ કરીને રોડનું ડામર કામ કરવામાં વેઠ ઉતારે છે તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાડા ત્રણ મહિનાથી ટ્રેન્ચ લેસ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનની ચાલતી કામગીરી એપ્રિલ મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીને લીધે અમિત નગર ચાર રસ્તા થી વીઆઇપી રોડ પર વુડા ઓફિસ તરફ જતા બ્રિજ નીચેનો સર્વિસ રોડ તમામ પ્રકારના વાહનો માટે તેમજ અવરજવર માટે  બંધ હતો. સર્વિસ રોડ પર કામગીરી પૂર્ણ થતા કામ ચલાવ ધોરણે રોડ ચાલુ કર્યો હતો,

પરંતુ જ્યાં ખોદકામ કરાયું હતું ત્યાં નીચે પાણી હોવાથી રોડ બેસે નહીં તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની હતી ,પરંતુ ફટાફટ ચરી પુરાણ કરી ડામર પાથરી દઈ રોડની કામગીરીમાં વેઠ ઉતારી દેતા હાલ બે-ચાર સ્થળે રોડ બેસી ગયો છે. એમાં એક જગ્યાએ તો નીચેથી માટી સહિત ડામરનો ટેકરો થઈ ગયો છે, અને રોડ પર ખાડો થઇ ગયો છે તેવી રીતે શહેર ના કારેલીબાગ બહુચરાજી રોડ પર તેમજ આર્યકન્યા વિધાલય સહિત કારેલીબાગ ના અનેક રોડ પર ડામર પાથરવાની કામગીરી વેઠ ઉતારેલ જોવા મળતા નજીવા વરસાદે રોડ પર ખાડા પડી જાય છે.

પાણી ભરવાથી નગરજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. પાલિકા ના રોડ બનાવતા કોન્ટ્રાકરો ને ફાયદો કરાવવા રોડ બનાવ્યા પછી યાદ આવે છે કે આ રોડ પર ડ્રેનેજ ની કામગીરી બાકી છે. ફરી નવો બનાવેલ રોડ પર ખોદકામ થાય છે. મોટા ભાગ ના રોડનું લેવલ પ્રમાણે કામ થતું નથી જેના કારણે ચોમાસામા ઘણી સમસ્યા ઉભી થાય છે.આમ વડોદરા મહાનગર પાલિકામા રોડ રસ્તાના કામો માત્ર કોન્ટ્રાકટરો ને ફાયદો થાય તેવી રીતેજ કરાતા અને આ કામોમાં સૌથી વધુ ભ્રસ્ટાચાર થતો હોવાનું શહેર ના નાગરિકો કહી રહ્યાં છે.

Most Popular

To Top