Columns

નિષ્ઠા

એક શેઠજી હતા. સર્વ સુખ સંપન્ન હતા.શેઠાણી ભગવાનના પરમ ભક્ત હતા આમ તો શેઠ પણ ભક્તિ કરતા પણ જેવું તેમની સાથે કૈંક ખરાબ કે ખોટું થતું તેઓ તરત જ ભગવાનને દોષ આપવા લાગતા અને ભગવાને ગમે તેમ બોલવા લાગતાં.શેઠાણીને આ બિલકુલ પસંદ ન હતું પણ તેઓ શેઠને કઈ કહી શકતા નહિ. શેઠ અને શેઠાણીનો એક વિશ્વાસુ અને વફાદાર નોકર હતો.નાનો હતો ત્યારથી તે તેમની સેવા કરી રહ્યો હતો ખુબ જ નિષ્ઠાથી તે રાત દિવસ તેમની સેવા કરતો.શેઠ અને શેઠાણી પણ તેને દીકરાની જેમ રાખતા હતા.

એક દિવસ બપોરે શેઠ અને શેઠાણી પોતાની વાડીએ ગયા અને શેઠ શેઠાણીને વાડીના મળીએ તાજી કાકડી સમારીને આપી.કાકડી બહુ સ્વાદિષ્ઠ અને મીઠી હતી શેઠ શેઠાણીએ પ્રેમથી ખાધી.બીજી કાકડી લાવવા કહ્યું… માળી બીજી કાકડી સમારીને લાવ્યો શેઠાણીએ તેમાંથી કાકડીનો ટુકડો નોકરને આપ્યો.કાકડી કડવી નીકળી એટલે શેઠ અને શેઠાણીએ કાકડીને થૂંકી નાખી પરંતુ નોકરે તે કાકડી ખાધી અને કાકડી કડવી હોવા છતાં તેણે તેને પ્રેમથી ખાઈ લીધી થૂંકી નહિ.

શેઠે નોકરે કહ્યું, ‘ભાઈ, તું પ્રેમથી આ કાકડી ખાઈ છે શું તને તે કડવી નથી લાગતી?? નોકરે પ્રેમથી અને ભાવથી કહ્યું, ‘શેઠજી તમારી વાત સાચી છે આ કાકડી કડવી છે.પણ ભલે કાકડી કડવી હોય પણ આ તમે મને આપી છે.તમે મને રોજ સારી અને સ્વાદિષ્ટ ચીજો જ ખવડાવો છો તો આજે આ કાકડી કડવી નીકળી તેમાં શું થઇ ગયું.રોજ હું પ્રસન્નતા સાથે તમારી આપેલી સ્વાદિષ્ટ ચીજો ખાઉં છું તેમ આજે કડવી કાકડી પણ ખાઈ લીધી કારણ કે તે તમે આપી છે અને એટલે હું તેની બુરાઈ ન કરી શકું તેને થૂંકી ન શકું.’

શેઠ નોકરની નિષ્ઠા જોઇને વિચારમાં પડી ગયા.શેઠાણીએ નોકરને પાણી લાવવા મોકલ્યો અને પછી ધીમેથી શેઠને કહ્યું, ‘સ્વામી, આ નોકરની નિષ્ઠા તમારા કેટલી નિષ્ઠા છે.આવી નિષ્ઠા તમે પણ ભગવાન પ્રત્યે રાખો તો સારું..’ શેઠ બોલ્યા, ‘એટલે શું કહેવા માંગે છે તું..’ શેઠાણીએ ધીમેથી પ્રેમપૂર્વક સમજાવ્યું, ‘ભગવાને આપણને આટલું બધું આપ્યું છે કોઈ વાતની કમી નથી.છતાં જીવનમાં કયારેક પણ કૈંક નાનું મોટું ખરાબ કે અણગમતું થાય છે તો તમે તરત ભગવાનને દોષ દેવા લાગો છો.ભગવાનને ખરાબ બોલો છો.એ તમે ખોટું કરો છો.ઈશ્વર પ્રત્યે સાચી શ્રધ્ધા અને નિષ્ઠા રાખો.તે જે આપે તેનો ધન્યવાદ કરી સ્વીકાર કરો અને ભરોસો રાખો કે તે જે કરે છે તે સારા માટે જ કરે છે.’શેઠજીને પોતાની ભૂલ અને શેઠાણીની વાતનો મર્મ સમજાઈ ગયો.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top