Charchapatra

અભિનયનો પર્યાય

અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ બાદશાહ બન્યો તે ચમત્કાર લાગે તેવી ઘટના છે. સર્વકાલીન કલારત્ન ખોવાયું છે. દિલીપકુમાર હિન્દી ફિલ્મજગતનો માત્ર શ્રેષ્ઠ અભિનેતા જ ન હતો, બલકે ચિંતનશીલ, વિશ્વસાહિત્યનો પ્રખર અભ્યાસી પણ હતો. એની રેઇન્જ, વૈચારિક સંપત્તિ,આત્મીયતા, સંવેદનશીલતા આવાં અનેક પાસાંથી ભરેલ વ્યક્તિત્વને કારણે એ મહાન કલાકારોથી પણ મૂઠી ઊંચેરો મનુષ્ય હતો. ટાગોર, ગાલિબ, પ્રેમચંદ એના માનીતા સાહિત્યકારો હતા.

હોટેલ ઓએસીસ વરાછારોડ પર સુરત આવેલા ત્યારે પ્રત્યક્ષ દર્શનનું સદ્ભાગ્ય આ લખનારને પ્રાપ્ત થયેલું. એના મોહક વ્યક્તિત્વથી પ્રસન્ન થવાયેલું. એના સંવાદો એવા કે મોતી  બની જાય. એમના ઊંડાણયુકત અને ગંભીરપૂર્ણ અભિનયથી પ્રભાવિત થયા વિના રહેવાય જ નહીં. ઊગતા કલાકારોનો આરાધ્ય દેવ રહ્યા છે. એનું એક જ પિકચર 70 થી 80 વાર જોનારા ચાહકો પણ છે. સંજીવકુમારે કહેલું કે તેણે દિલીપકુમારની દરેક ફિલ્મ 90-90 વાર જોઇ હતી. આજનો અમિતાભ એને આદર્શ માને છે. અંતરના તારેતાર ખેંચીને સંવેદનપ્રચુર અભિનયનું આકાશ રૂપેરી પરદે ઉતારી દે તેવી ક્ષમતા હતી. ખેદની વાત છે કે આજનું ફિલ્મજગત કલા-અદાકારી અને સાત્ત્વિક કથાવસ્તુથી વિમુખ બની ગયું છે. બલકે અસામાજિક વૃત્તિને પ્રોત્સાહક માધ્યમ બની ગયું છે. એવા માહોલમાં મનોરંજન જગતના જૂજ કસબીઓ અચૂક સાંભરે છે. સુવર્ણકાળનું એ સંતાન દિલીપકુમાર અભિનયનો પર્યાય બની સદાકાળ જીવંત રહેશે. ‘યે િઝન્દગી કે મેલે, યે ઝિન્દગી કે મેલે, દુનિયા મેં કમ ન હોંગે, અફસોસ હમ ન હોગે! વ્યારા    – બાબુ દરજી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top