Comments

પ્રેમથી ભરેલા પરપોટા

અક્ષરથી અક્ષર મળે તો એનાથી જ શબ્દ બને, એ  બધા જ છે. પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો ન્યાલ કરે, ક્યાં તો પાયમાલ, એ ઓછા જાણે! ભલભલાનાં રૂંવાડાં આડાં પાડી નાંખે. કાઠિયાવાડી ભાષામાં સંભળાવું તો ભુક્કા જ કાઢી નાંખે.વગર ચગડોળે એવી ગુલાંટ ખવડાવે કે, ઊભા થાય ત્યાં બીજી ગુલાંટ ખવડાવે! ખાય છે. આ પ્રેમ, પત્ની, સત્ય, ભક્તિ કે લગ્નવાળો મામલો સીધો ઊતર્યો તો બેડો પાર પણ કરી નાંખે, ના ઊતર્યો તો  તડીપાર પણ કરાવે. મારે વાત કરવી છે, પ્રેમથી ભરેલા ને ફાટ ફાટ થતા પ્રેમબંકાઓની!

લવ કે લફડેમેં ઐસા હી હોતા હૈ! ખરજવા ઉપર રેશમી મોજું ચઢાવી દેવાથી ખરજવું ખણતું અટકતું નથી. એમ, પ્રેમ-ભક્તિ-લગન, સત્ય અને પત્ની જેવા શબ્દો મુલાયમ તો લાગે, પણ આડાઅવળા થયા તો મુલાયમસિંહને પણ સારો કહેવડાવે એવાં! અમુક તો મને ભાંડશે પણ ખરાં કે, ડોહાઓની આ જ માથાકૂટ..! ઘરડું થાય એટલે ધુમાડા કાઢવા જ માંડે. એવું નથી યાર! દાઝ્યો હોય, એ જ દશ વાર ફૂંકીને પીવાની સલાહ આપે..! ( ચાહની વાત કરું છું મામૂ..! બીજું નહિ…! ) સબ અઢિયાકી કમાલ હૈ! આઈ મીન..અઢી અક્ષરકી માયાજાલ હૈ!

ભીંતે લખી રાખજો, અમુક અઢિયા શબ્દોને તો ચોઘડિયાનાં પણ ગ્રહણ લાગતાં નથી. એ સ્વયં જ ચોઘડિયું હોય!  પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર તો દુનિયા પણ બાફેલાં કારેલાં જેવી લાગે. પણ એટલો બધો નહિ ઉભરાવો જોઈએ કે, ઘરના ઘંટી ચાટે ને ધરાયાના ઓડકાર પડોશણને આવે! આ પ્રેમલા-પ્રેમલીના પકડદાવમાં તો ભલભલાની પથારી ફરી ગઈ! અમુક તો ટેરેસ પર ચઢીને બરાડા પાડતા હોય કે, “મેરી કીસ્મતમેં નહિ તું શાયદ, કયું તેરા ઇંતેજાર કરતા હું?’’  શું કામ ઇંતેજાર કરે ભાઈ? દહાડિયા પત્રકે નામ લખાવીને કામધંધે જતા હોય તો?

પણ આ લોકોની પ્રેમ કરવાની એક સ્ટાઈલ છે. પહેલાં-પહેલાં તો. એકબીજાને ફૂલના ગુચ્છા ફેંકે, પછી પથ્થરમારો કરીને પશ્ચાત્તાપ કરે કે, “તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો!’’  તને ખબર છે કે એ મધપૂડો છે, તો પછી કાંકરીચાળો કરવાનું કામ?  પણ આ બધા પ્રેમથી ભરેલા પરપોટા કહેવાય. હવાની લહેરખી મળે ત્યાં સુધી ઊંચે ચઢે, પછી એવો ફૂટે કે, બંનેની દશા ને દિશા બેઉ બદલી નાંખે!  વીજળીના થાંભલે લખ્યું હોય કે,  ‘ અહીંથી વીજળીના ભારે વોલ્ટ પસાર થાય છે, કોઈએ થાંભલો અડકવો નહિ.  છતાં શું લખ્યું છે એ વાંચવા હાથે થાંભલે ચઢે. એને કોણ રોકે! વીજળી એની સડોત્રી થોડી થાય કે, લાવ આવ્યો જ છે તો એને થોડાંક ગલગલિયાં કરું!

ગામેગામ આવા પ્રેમ-દાનના દાનેશ્વરી હશે. પણ ઓળખાય નહિ! અમુક તો પ્રેમનો ભંડારો જ ચલાવે. પ્રેમના એવાં ગુપ્ત દાનેશ્વરી કે, દાન દિલથી કરે,  પણ બાજુમાં તરફડતા  ફેફસાંને એની ગંધ નહિ આવવા દે. પ્રેમની બુધવારી બજાર ભરીને બેઠો હોય ને ફેફસાને અંધારામાં રાખે તો, પછી ફેફસું બીજું કરે શું? વેન્ટીલેટર જ બતાવે ને?  આપણે સાલા એક ને પંજેલવામાં ફેંએએફેંએએએ થઇ જઈએ, ને આ પ્રેમબંકાઓ સર્કસનો આખો સ્ટાફ લઈને ફરે! ડોહાઓની આંખમાં મરચાં નહિ પડે તો શું ગુલાબજળનાં છાંટણાં થાય?   કહેવાય છે કે, દુઃખી આત્માઓ ક્યાં તો નશાખોર બની જાય, ગુનેગાર બની જાય, બે માંથી એકેય ફેકલ્ટીમાં ફાવટ નહિ આવે, તો કોઈ ભટકણનો યાર બની જાય! દરિયાના પેટાળમાં તોફાનો થતાં હોય તો, કિનારે ઊભેલાને નહિ દેખાય. મરજીવા થવું પડે ને એકલવીર યોદ્ધાની માફક એકલાએ જ ઝઝૂમવું પડે! આવાં પ્રેમબંકાઓને ‘ઘરકી મુરઘી દાલ બરાબર ને બહારની મુરઘી મુલાયમ લાગે! 

સ્વ. કવિ દાદબાપુની એક રચના છે કે,  ‘શબ્દ એક શોધો. ત્યાં સંહિતા નીકળે. કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે!’ એમ, આવાં પ્રેમબંકાઓનો એક મોબાઈલ ખોલો તો, એમાંથી સરિતા-બબીતા-રવિતા-કાંતા-ખંભાતા જેવી અનેક ‘બ્લેક-માનૂની’  નીકળે! ‘ વરસાદ એક વાર પડવો જ જોઈએ, એમાં નદી-નાળાં કે તળાવ જ ભીનાં થાય એવું નહિ, ખાબોચિયાનું પણ પ્રાગટ્ય થાય. પછી તો જેવો જેવો વરસાદ તેવાં-તેવાં ખાબોચિયાં!  ને જેવી જેવી કથા તેવો તેવો પ્રસાદ! ક્યારેક સુખડીનો પ્રસાદ પણ મળે, ને ક્યારેક શિરો કે સૂકા મમરા ચાવીને પણ ઢેકાર ખાવા પડે! આવાં પ્રેમબંકાઓ બહારથી તો વિભીષણ જ લાગે, પણ રાવણનાં ભ્રમણ એની ભીતરમાં હોય! એ તો આપણે ત્યાં તળિયાઝાટક તપાસ કરવાના રિવાજ નથી એટલે, નહિ તો કંઈ કેટલાના હાર્ટ અંદરથી ‘ડેમેજ’ નીકળે!  

જે જમાનામાં પાવલીનું ચલણ ચારેય કોર હતું, ત્યારે અવિનાશભાઈ વ્યાસસાહેબે એક ગીત લખેલું. “છાનું ને છપનું કંઈ થાય નહિ, થાય નહિ,  ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ, એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહિ ,  ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ”  આ ગીત ઉઘડતી સવારમાં સાંભળવા મળે તો, કોઈના પણ દેશી ‘ગુડ-મોર્નિંગ’ ના મલમની જરૂર નહિ પડે. સાંભળો એટલે જ સવારથી માંડીને રાત સુધીના પ્રહર સુધરી જાય! વચમાં નોટબંધીની એક એવી લહેર આવેલી. છુપાવેલું, દબાવેલું, સંતાડેલું, તફડાવેલું, જેટલું નાણું હોય, એ ખેંચી કાઢેલું. હતું, પ્રેમબંકાઓ માટે આવી પ્રેમબંધી જો આવે તો, ઘણાંનાં છાનાં છપનાં છબછબિયાંઓ ખેંચી કઢાય! મારો ઈરાદો ઢાંકેલા ડબ્બા ખોલવાનો કે પ્રેમ-પાપમાં પડવાનો નથી, પણ આ તો એક વાત! આ બધી સમય-સમયની સાડાસાતી છે દાદૂ..!

આજે માત્ર મોબાઈલ જ ચાર્જ કરવો પડે એવું નથી. માણસના મગજ પણ ચાર્જ અને રીચાર્જ કરવા પડે!  હજી થોડાંક વર્ષો જવા દો, મૌસમ પ્રમાણે ઓઢવાની રજાઈ બદલાય એમ, માણસના વલણ પણ બદલાશે. એવાં વોશિંગ મશીન પણ નીકળે કે, એક બાજુથી  માણસને જ કપડાં સાથે આખેઆખો નાંખો, એટલે બીજી બાજુથી નાહી ધોઈને અસ્ત્રીવાળાં કપડાં સાથે તૈયાર થઈને બહાર નીકળશે. ક્યારે કેવાં ફીચર્સ આવે એનું નક્કી નહિ! બાકી, આ જગતમાં કોઈ પણ માણસ સીધી ભરતીથી તો ઘરડો થયો નથી. ફેર એટલો કે, અસ્સલના સમયમાં આંખના આલોમ-વિલોમ કરવા ગયા તો, ગામમાં મદારી આવ્યો હોય એમ હો હા થઇ જતી! આજે નો વરી! બધે જ કોલાવરી..કોલાવરી…કોલાવરી..!

  • લાસ્ટ ધ બોલ– શ્રીશ્રી ભગાના દીકરા ચંચુને એક વાર શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે, લાગણી અને પ્રેમ વચ્ચે તફાવત શું?  હવે ચંચુ એટલે શ્રીશ્રી ભગાનું ઉત્પાદન! મોરના ઈંડાને ચીતરવા તો પડે નહીં! ચંચુએ તરત જવાબ આપ્યો કે, ‘ સર, તમે તમારી દીકરી ઉપર જે વ્હાલ રાખો, એ તમારા માટે લાગણી કહેવાય. પણ એવું જ વ્હાલ, અમે તમારી દીકરી ઉપર રાખીએ, તો એને અમારા માટે લાગણી નહિ કહેવાય, (લવ) પ્રેમ   કહેવાય!’ જવાબ સાંભળીને શિક્ષક હજી બેહોશ છે. પછી થયું એવું કે, આખું ગામ ચંચુ સાથે ભણીને ઉપલા ધોરણમાં ગયું, પણ ચંચુ પાસ થઈને હજી ઉપલા ધોરણમાં ગયો નથી! એના કપાળમાં કાંદા ફોડું..!                                                                    

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top