Comments

નવા શિક્ષણપ્રધાન નવી શિક્ષણનીતિનો અમલ કરાવશે?

કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ મંત્રાલયમાં થયો છે, જેનું પહેલાં નામ માનવસંસાધન વિકાસ મંત્રાલય હતું! સૌ પ્રથમ શ્રીમતી સ્મૃતિ ઇરાની પછી શ્રી પ્રકાશ જાવડેકર પછી રમેશ પોખરીયાલ અને હવે શ્રી ધર્મેન્દ્ર પ્રધાન.

ભારત જેવા સતત વિકસતા દેશોમાં ખરેખર સૌથી અગત્યનું મંત્રાલય એ શિક્ષણ મંત્રાલય હોવું જોઇએ કારણ કે કોઇ પણ દેશના આર્થિક વિકાસનો આધાર મૂળભૂત બે જ બાબતો પર હોય છે દેશની માનવસંપત્તિ અને દેશની કુદરતી સંપત્તિ કે ભૌતિક સંસાધનો. હવે જો ધ્યાનથી જુઓ તો કુદરતી કે ભૌતિક સંસાધનોના વિનિમય અને વિકાસ માટે જુદા જુદા અનેક મંત્રાલય જેમ કે રેલવે મંત્રાલય, સંદેશાવ્યવહાર મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય,  ઉદ્યોગ,નાણું…. વગેરે, જયારે સમગ્ર માનવવિકાસ માટે, ઘડતર માટે એક જ મંત્રાલય! ખેર, એકે હજાર! પણ મૂળ વાત છે શિક્ષણજગતના પડકારોને પહોંચી વળવા માટે સજજતા કેળવવાની! સ્વતંત્રતાનાં આટલાં વર્ષોમાં આપણે જે ભૂલો કરી છે શિક્ષણ ક્ષેત્રે તેને સુધારી લેવાની અને માનવીના આંતરિક વિકાસ અને વ્યવસાય બન્ને હેતુઓ સચવાય તેવા શિક્ષણમાળખાને ઊભી કરવાની!

આપણે પ્રવચનોમાં તો કહીએ છીએ કે નવા જગતના પડકારો ઝીલી શકે તેવા યુવાનો તૈયાર કરવા છે. વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે તેવા યુવાનો તૈયાર કરવા છે, પણ આવા હાકોટા પડકારા પછી જે યુવાનો તૈયાર કર્યા છે તે પરીક્ષાના, બેંકના કે રેલવેના ફોર્મ ભરવામાં ફાંફે ચડે છે. દરેક પ્રશ્નના ઉકેલ મોબાઇલના ગુગલ સર્ચમાં શોધે છે! ત્યારે શિક્ષણજગતના વાસ્તવિક પડકારો વધુ મોટા થઇ જાય છે! હવે જરા વિચારો, કોરોના કાળમાં શિક્ષણ કેમ ચલાવવું એ એક પડકાર છે! વળી આપણે નવી શિક્ષણનીતિ અમલમાં મૂકવા માંગીએ છીએ તે બીજો પડકાર છે અને હવે શિક્ષણમંત્રીશ્રી પણ નવા છે!

કેન્દ્રમાં કોંગ્રેસનાં વર્ષોના શાસન પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. વિચારધારાની રીતે તદ્દન જુદી પાર્ટી શાસનમાં આવી! રાજકીય પક્ષ તરીકે ભાજપના લાંબા સમયથી વિપક્ષમાં રહ્યું હતું અને કોંગ્રેસ શાસનની તમામ નીતિવિષયક બાબતોનો વિરોધ કરતું હતું. તે તેનો ધર્મ પણ હતો! એટલે સત્તામાં આવ્યા પછી નીતિઓ બદલવી પણ પડે! એટલે આમ તો વર્ષોથી ચાલતી શિક્ષણવ્યવસ્થામાં મૂળભૂત અને માળખાગત ફેરફારો કરવાની ઇચ્છા 2014 થી જ હતી. પણ નવી શિક્ષણનીતિનું ઘડતર તેને લોકશાહી ઢબે સંસદમાં મંજૂરીની પ્રક્રિયા આ બધામાં સમય થયો. દેશભરમાંથી મળેલા સલાહ સૂચન ફેરફાર બાદ ગયા વર્ષે તેને કાયદેસર સ્વરૂપ મળ્યું અને આ નવી ટર્મથી તેનો અમલ થાય તે પહેલાં કોરોના આવી ગયો.

નીતિઘડતર એ અલગ બાબત છે અને નીતિનો જમીન પર અમલ એ અલગ બાબત છે. વર્ષો પછી બદલાયેલી શિક્ષણનીતિ મુજબ વ્યવસ્થા ઊભી કરવામાં પણ સમય થાય અને કેટલુંક વૈચારિક લેવલે. સંસ્થાગત લેવલે માળખું ગોઠવ્યા પછી જ તેનો સાચો – સારો અમલ થઇ શકે! કદાચ શ્રી રમેશ પોખરીયાલના સમયમાં નવી શિક્ષણનીતિના અમલ સંદર્ભે સરકાર પક્ષે, ઓફિસ લેવલે જે તૈયારીઓ થવી જોઇએ, રાજયોને સૂચનો મોકલવાં પડે તે નહિ થયું હોય માટે. આ મંત્રાલયની જવાબદારી નવા મંત્રીશ્રીને સોંપાઇ હોય! શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલાં પેટ્રોલિયમ મંત્રી હતા. જે ઝડપે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે આ જ ઝડપે શિક્ષણનીતિનો અમલ થાય એવી સરકારને તેમની પાસે આશા હોય! જુલાઇ એ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો મહિનો છે. રથયાત્રાના પવિત્ર દિવસે (જૂના સમયમાં) લોકો પોતાનાં બાળકોને શાળાએ મૂકતાં!

સરકારે પણ રથયાત્રાના દિવસથી શિક્ષણનીતિના અટકેલા રથને દોડાવવાની જરૂર છે. ગુજરાત સરકારે નવી શિક્ષણનીતિના અમલ માટે સમિતિ બનાવી જ દીધી છે. શકય છે તે સમિતિ તો નિયમિત બેઠકો યોજીને નવી શિક્ષણનીતિના અમલનું પ્રારૂપ નકકી કરતી જ હશે! પણ હજુ અમલમાં કયાંય કશું દેખાતું નથી. ઇવન સરકારે શાળા – કોલેજોમાં શિક્ષકો અધ્યાપકોની ભરતી કરવાની જે પ્રક્રિયા હાથ ધરી છે તેમાં પણ આવનારા વર્ષથી નવી શિક્ષણનીતિ અમલમાં આવે તો કેવા શિક્ષક – અધ્યાપક, કેટલા પ્રમાણમાં જોઇએ તે વિચારાતું નથી! શાળાકીય માળખાકીય સુવિધાઓ ઊભી થતી નથી. નવી નીતિ સાથે પ્રવેશના નવા નિયમો, નવા પાઠયક્રમો, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. અત્યારથી જ આનું આયોજન થશે તો જ મોડે મોડે બે હજાર ત્રેવીસમાંય નવી શિક્ષણનીતિનો અમલ થઇ શકશે! બાકી શિક્ષણ વિભાગને નવા શિક્ષણમંત્રી સિવાય કશું નવું નહિ મળે!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top